લખાણ પર જાઓ

માણસાઈના દીવા/’આપણી ન્યાતની ઇજ્જત’

વિકિસ્રોતમાંથી
← ઇતબાર માણસાઈના દીવા
‘આપણી ન્યાતની ઇજ્જત’
ઝવેરચંદ મેઘાણી
કોણ ચોર ! કોણ શાહુકાર ! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






‘આપણી ન્યાતની ઇજ્જત’


"યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ..."

ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા ઠાકરડા બેઠા બેઠા ચુપચાપ સાંભળી રહેલ છે :

"યાદ રાખો ! યાદ રાખો ! યાદ રાખો !"

એક મોટા પોલીસ સાહેબના પ્રવચનના શબ્દો કોરડા વીંઝાતા હોય તેમ વીંઝાય છે : "યાદ રાખો ! એ ડાકુને સાથ દેનાર તમે છો, તમે બધા છો, તમે ગામેગામના ધારાળા–પાટણવાડિયા—"

"અને એમાં ઉમેરો, સાહેબ !—આપના પોલીસો."

એવો રોષભર્યો, દર્દભર્યો પણ ઝીણો અવાજ વચ્ચેથી ઊઠે છે અને ભાષણકર્તા અધિકારી કેમ જાણે ખુદ શહેનશાહનું અપમાન થયું હોય તેમ તાડૂકે છે : "કોણ છે એ બોલનાર ?"

"હું છું." કહેતો એક ઊંચો, દૂબળો આદમી શ્રોતાઓની વચ્ચેથી ઊભો થાય છે. એણે પોતડી, બંડી ને ધોળી ટોપી પહેરેલી છે.

"ઓહો ! તમે અહીં છો કે ?" ભાષણકર્તા સાહેબ એને ઓળખી કાઢે છે. તરત એનો અવાજ કુમાશ ધારણ કરે છે. અને પછીના ભાષણનો રંગ ફિક્કો પડે છે. લાંબું ચાલવાની નેમવાળું એ ભાષણ ઝટપટ આટોપાઈ જાય છે. સાહેબ રવાના થાય છે. સભા વિખરાઈ જાય છે. લાંબું કરવામાં સ્વાદ રહ્યો નથી. રાંધી આણેલું ભોજન બેસ્વાદ બને છે.

સાહેબ ચાલ્યા ગયા એ સારું થયું; નહીં તો એ પોતડિઆળા માણસ પાસેથી સાહેબને કેટલીક એવી વાતો સાંભળવા મળત કે જે સાંભળવા પોતે તૈયાર નહોતા.

સાહેબે બોલાવેલ સભાના ખબર મહારાજને ગામડામાં મળ્યા હતા. ત્યાંથી પોતે રાતે આ ગામમાં આવીને શાંતિથી શ્રોતાજનોની વચ્ચે બેસી ગયા હતા. કાવીઠાવાળા ખોડિઆએ પરગણામાં સળગાવેલી હોળી વચ્ચે મળેલી આ સભા હતી. એ હોળીની આંચ ઉપર હાંડલીની માફક આ બ્રાહ્મણનું હૈયું સડસડતું હતું. ખોડિઓ હાથતાળી દઈને ગયો હતો, માણસાઈમાંથી ગયો હતો; અને એ માણસાઈનો માર્ગ ચુકાવનારી પરગણાની પોલીસ હતી, એ દિલદર્દે મહારાજની જીભેથી સભામાં આટલા અપવાદરૂપ ઊના શબ્દો કઢાવ્યા હતા.

ખોડિઆને હાથમાં લેવાનો સમય તો, આ ભાષણકર્તા સાહેબે એને બગલમાં લીધો તે દિવસથી જ, ચાલ્યો ગયો હતો. હવે તો ખોડિઆની લૂંટોથી ત્રાહિ ત્રાહિ પોકારતી વસ્તીને એ ત્રાસથી કેમ છોડાવવી એ જ પ્રશ્ન હતો. સાહેબે જ્યાં દમદાટીથી કામ લેવા ધાર્યું હતું, આખી કોમને ગુનેગાર ગણી ગાળો દીધી હતી, ત્યાં આ બ્રાહ્મણે પોતાના ધર્મને છાજતો માર્ગ ગ્રહણ કર્યો.

યજમાનોની ન્યાત ભેળી કરીને એણે કહ્યું : "આપણી ન્યાતમાં આ ચાલવા જ કેમ દેવાય ? ખોડિઆનો ખોપ આપણે જ બંધ કરાવવો જોઈએ.”

ન્યાતે નક્કી કર્યું કે કાવીઠાવાળાઓ આ એમના માણસનો ત્રાસ અટકાવે નીકર આખું કાવીઠા ન્યાત બહાર મેલાય.

કાવીઠાવાળાઓને સંદેશો પહોંચ્યો. ખોડિઆનો પક્ષ કરનાર ત્યાં કોઈ નહોતું. ખોડિઓ પેટમાં ખૂતેલ છૂરી–શો ખટકતો હતો; પણ એ છૂરી હાથ આવતી નહોતી.

એક વાર કાવીઠા ગામમાં ભજનની સપ્તાહ બેઠી. એવા પવિત્ર સમારંભમાં પાટણવાડિઆઓને માટે બેઠક ન હોય. એક છોકરો અંદર દાખલ થવા ગયો, પણ એને જવાબ મળ્યો : "ભાગી જા, મારા હારા ! જો આવ્યો છે સપ્તાહમાં બેસવા !”

કાઢી મૂકેલ પાટણવાડિયો છોકરો બહાર બેઠો બેઠો કાંઈક સપ્તાહમાં ચાલી રહેલાં ભજનો સાંભળે છે અને, વિશેષે કરીને તો, બહાર જે મીઠાઈ, ફરસાણ વગેરેની હાટડીઓ ઊઘડી હતી તેમાં ગોઠવાયેલા ખાદ્ય પદાર્થોના ઢગલા પર દૃષ્ટિ ફેરવીને જીભે છૂટતા પાણીને હોઠ પર ચોપડ્યા કરે છે. મોંમાં પાણી વધતું ચાલ્યું છે, અને છોકરો એના ઘૂંટડા ગળા હેઠ ઉતારતો બેઠો છે.

પણ છોકરાની જીભે લબરક લબરક તો ખરેખરી હવે થવા લાગી. મીઠાઈની એક દુકાને એક ઢેડ ઘરાક આવ્યો અને એણે ઓર્ડર આપ્યો : "અઢી શેર લાડવા તોળો.”

ત્રાજવામાં જોખાઈને લાડવાનો ઢગલો ઢેડની ખોઈમાં પડ્યો અને છોકરાને મન થયું—કૂતરો બનીને, ભમરી બનીને—અરે, છેવટે માખી બનીને પણ એ લાડવાનો આસ્વાદ લેવાનું.

લાડવાની ખોઈ વાળીને ઢેડે કહ્યું : "બીડીનો એક ઝૂડો આપો.”

અઢી શેર લાડવા અને ઝૂડો એક બીડી લઈને જેવો આ ઢેડ ચાલી નીકળ્યો તેવો જ પાટણવાડિયા છોકરાના મોંનો સંચો બંધ પડીને મગજનો સંચો ચાલુ થયો : 'અરે, આ ઢેડ, અને એ અઢી શેર લાડવા જોખાવે !—સામટા અઢી શેર ! અને બીડીનો આખો ઝૂડો ! આણે હારાએ આટલા પૈસા કાઢ્યા કંઈથી ? આખા કાવીઠા ગામમાં કોઈ આવો તાલેવાન તો જોયો નથી. અને આ એક ઢેડ !—'

છોકરાની ખોપરીએ છોકરાની પગની નળીઓમાં કશોક સંદેશો પહોંચાડી દીધો —અને છોકરાએ દોટ મૂકી. પોતાને ઘેર પહોંચ્યો. બાપને કહે કે, “ઓ બાપા ! એક ઢેડ અઢી શેર લાડવા અને ઝૂડો એક બીડી લઈને ઓ જાય ! નક્કી પેલો ખો...”

“છાનો મર, મારા હારા !” છોકરાને ખોડિઆનું નામ પૂરું કરતો અટકાવીને પોતાના ફળિયાને લીંબડે ચડ્યો. દૂર દૂર નજરે માંડી, અને દીઠો—

ખોઈ વાળેલો ઢેડ આઘેના એક ખેતરમાં નીંઘલેલી ઊંચી જુવારના ઝુંડમાં દાખલ થાય છે; ઘાટી જુવારની અંદર સરપ–શો ચાલ્યો જાય છે.

“દોડો, દોડોઃ ખોડિયો !” પાટણવાડિયો લીંબડેથી સડેડાટ ઊતરીને વાસ વચ્ચે બૂમ પાડતો દોડ્યો. એની બૂમથી બીજા જોડાયા એમાં એક હતો ખોડિઆના સગા કાકાનો દીકરો.

પોલીસ–થાણે થઈને તેઓ દોડ્યા. થાણે ખબર કરતા ગયા. થાણામાં એક જ પોલીસ હતો. એણેય દોટ તો ઘણી કાઢી પણ બાપડો ભારે ડિલનો હતો : થોડુંક દોડીને હાંફી ગયો.

પાટણવાડિઆ શિકારી શ્વાન જેવા દોડ્યા. જુવારના ઝુંડમાં પહોંચ્યા. ચોર ચેત્યો, નાઠો. એના હાથમાં કારતૂસ ફોડવાની બંદૂક હતી તો પણ પીછો લેનારા પાછા ન વળ્યા; દોડ્યા, દોડ્યા, દોઢ ગાઉ સુધી દોડી સંતોકપુરા ગામની સીમમાં પહોંચ્યા : આગળ ખોડિઓ, પાછળ સગા કાકાનો દીકરો, તેની પાછળ બીજા ન્યાતીલા.

એમાં ખોડિયાને એક ઝાડની ઓથ મળી ગઈ. ભૂંડી થઈ ! ઓથે ઉભીને ખોડિએ બંદૂક તાકી. હમણાં છૂટશે. પાછળ પડેલાઓમાંના હરકોઈ એકના પ્રાણ લઈ પટકશે.

તોયે પાટણવાડિયા દોડ્યા—અને સૌને મોખરે દોડતો હતો સગા કાકાનો દીકરો.

પણ ખોડિયાના હાથમાં બંદૂકની નાળી નોંધેલી જ રહી ગઈ છે. ભડાકો થતો નથી. ધુમાડાની શેડ પણ નીકળતી નથી.

“હાં, જુવાનો ! દોડો ! બંદૂક તો છે પણ કારતૂસ નથી જણાતા !”

સગા કાકાનો દીકરો પહોંચી ગયો; ખોડિઆને બથ લઈ ગયો. બેઉ બથોબથ આવી ગયા. બેઉના જુલફાં ફરકે છેઃ મોં પર લોહીના ટશિયા ફૂટે છે : પૃથ્વીને ખૂંદે છે : જીવ પર આવેલા વરુ જેવા લડે છે. ડાકુને પ્રાણ બચાવી ભાગવું છે : કાકાના દીકરાને કાવીઠા ગામની આબરૂ બચાવવી છે. ઘડીઓ ગણાય છે : પારખાની પલેપલ જાય છે.

ખોડિઓ બથ છોડાવી ગયો હોત—

ત્યાં બાકીના આંબી ગયા. ખોડિઆની લીલા ખલાસ થઈ. એને ઝાલીને કાવીઠા ગામે પોલીસ–થાણે લાવ્યા : સોંપ્યો. સૌએ શ્વાસ હેઠો મેલ્યો : ન્યાતમાં મોં બતાવવાપણું થયું અને મહારાજ આવશે એટલે ઊજળાં મોં લઈને એમની આગળ ઊભા રહેવાનું આશ્વાસન સાંપડ્યું.

મહારાજ દોડતા આવ્યા—પણ ઊજળાં મોંને બદલે સૂનકાર ચહેરા નિહાળવા માટે, અને પાટણવાડિઆની બાઈઓની આંખોમાંથી વહેતી આંસુની ધારાઓ જોવા માટે.

ભાદરણ પરગણાના કોશિંદ્રા ગામમાં એમને ખોડિઓ પકડાયાની આખી હકીકત મળી હતી; પણ પોલીસે તો કાવીઠાના બીજા કેટલાય ગામ–મુખીઓને પકડી પેટલાદ ભેળા કર્યા હતા !

“શી વાત બની છે ?” આવીને મહારાજે પૂછપરછ કરી.

“કશી ખબર નથી.” લોકોએ બાઘા બનીને કહ્યું: "બસ, પકડી જ ગયા છે, ખુદ ખોડિઆને જેઓએ કબજે કર્યો, તે મરણના મોંમાં જનારાઓને જ ઝાલી ગયા છે.” કહી કહીને બૈરીઓ રડવા લાગી. એમની કાખમાં નાનાં છૈયાં હતાં.

મહારાજે તેમના મનની અણકથી વાત પણ ઉકેલી : 'આવી ખબર હોત તો એને પકડાવત જ શા માટે ? પકડાવીએ તો જ આ વપત્ય પડે ના ! રડ્યો ચરી ખાતો હતો તો પોલીસ કોનું કાંડું ઝાલત ! ડાકુને તો સંતાડ્યે જ સારાવાટ છે !'

મહારાજને શ્વાસ હેઠો મેલવાનો સમય ન રહ્યો. એ ચાલતા પેટલાદ પહોંચ્યા. માણસાઈના દીવા ફરી પાછા ઓલવાઈ જવાની એમને બીક લાગી હતી.

“શું છે તે બીજાઓને પકડી આણ્યા છે, ભા ?” એમણે સરફોજદારને પૂછ્યું.

“એમના પર આરોપ છે.”

“શાનો ?”

“ખોડિએ ત્રણ દા'ડા પર એક બાઈને લૂંટેલી, તેનો માલ સંતાડ્યાનો.”

“એમ ! કોણ સાહેદ મળ્યો છે ?”

“ખોડિઓ પોતે જ.”

“હાં–હાં ! શું કહે છે ખોડિઓ ?”

“કબૂલ કરે છે કે ફલાણાને ઘેર લૂંટનો માલ આપેલ છે.”

પગથી તે માથા લગી ઝાળ લાગી જાય એવી એ વાત હતીઃ ખોડિઓ—લૂંટો કરનારો ખોડિઓ—પકડાયો છે, અને જેઓ એને ઝાલી દેનારા છે તેમને એ સંડોવે છે ! સતવાદી હરિશ્ચંદ્રની સાક્ષી સાંપડી છે પોલીસને ! પણ મહારાજે આ આગ પચાવી જઈને સરફોજદારને એટલું જ કહ્યું : "ખોડિઆને પકડવાવાળા જ આ લોકો છે, એ જાણો છો ?”

“ના, પકડનાર તો અમારા પોલીસ છે.”

“રાખો રે રાખો ! એ જાડિઓ તો ખેતરવા દોડીને હાંફી ગયો હતો. પકડનારા જેઓ છે તેઓને જ તમે પકડ્યા છે—ને તે પણ એ ખોડિઆને કહ્યે, કાં ! એમને ઝટ છોડી દો નહીંતર હું પહોંચું છું વડોદરે, પોલીસ-કમિશનર પાસે. અધર્મની કાંઈ હદ ખરી કે નહીં ?”

છોડાવીને તમામને પાછા કાવીઠા લાવ્યા.

સાબરમતી જેલમાં ૧૯૨૮ના એક દિવસ પ્રભાતે એક કેદી-ચક્કરમાં કેદીઓને માટે ખાવાનું આવ્યું, બીજા તમામને બાજરીના રોટલા અને દાળ વહેંચી દીધા પછી વીશીવાળો એક નવા આવેલા કેદી કને આવ્યો, અને એને બાજરીના નહિ પણ ઘઉંના રોટલા આપ્યા. કેદીએ પૂછ્યું : "કેમ મને ઘઉંના ?"

"ખાવને તમતારે."

"પણ સમજ તો પાડ !

"તમારે સારુ મોકલ્યા છે."

"કોણે ?"

"શંકરિયે મુકાદમે."

"શંકરિયો ? હાં, હાં; યાદ આવ્યું : બોરસદમાં તે દિવસે ભીખા દેદરડાવાળા સાથે શરણે થયેલો તે શંકરિયો." પૂછ્યું :

"શી રીતે મોકલ્યા ?"

"કંઈ ચોરી કરીને નથી મોકલ્યા." વીશીવાળાએ ચોખ કર્યો.

"ત્યારે ?"

"પોતાને મળતા ઘઉંના રોટલા તમને મોકલ્યા છે."

જેલોમાં મુકાદમ બન્યા બાદ કેદીઓને ઘઉંના રોટલા અપાય છે.

"અને મારા બાજરાના ક્યાં ?"

"તમારા એણે ખાવા રાખી લીધા છે."

"કારણ ?"

"એ કહે છે કે, અમારા મહારાજ આવ્યા છે તેમને ઘઉંના વધુ ફાવશે."

"વારુ, જા તું–તારે."

ખાઈ પરવારેલા બધા કેદીઓએ જોયું કે બોરસદ તાલુકેથી આવેલા આ નવા કેદીએ કશું ખાધું નથી. ઘઉંના રોટલા એમણે કોરે મૂકી રાખ્યા છે.

એ હતા મહારાજ રવિશંકર.

સાંજની વીશી આવી, એમાં પણ આ કેદી માટે ઘઉંના રોટલા આવ્યા. લાવનાર કહે કે, "શંકરિયે મુકાદમે મોકલ્યા છે અને તમારા જુવારના એણે રાખી લીધા છે."

તે સાંજનો ટંક પણ મહારાજે વગર ખાધે કાઢ્યો. વાત ચણભણ ચણભણ થતી જેલમાંના બીજા, દૂરના ચક્કરમાં શંકરિયા મુકાદમને કાને પડી. એ ઘણો દિલગીર થયો. ચોરીછૂપીથી છેવટે એ મહારાજને મળવા આવી પહોંચ્યો. પગે લાગીને પૂછ્યું : "ચ્યમ મારા રોટલા ન ખાધા !" એણે ઝઘડો માંડ્યો.

"મારાથી એ ન ખવાય, શંકર ! એ જેલના કાનૂનની વિરુદ્ધ છે."

જેલના કાનૂન ? શંકરિયાને જેલના કાનૂનની શી પડી હતી ! આત્માનો કાનૂન એ જ એને મન સાચો હતો — પાંચ વર્ષ પર કોઈકના રોટલા લૂંટતો ત્યારે પણ. અને અત્યારે પોતાના રોટલા આપતો હતો ત્યારે પણ. એ આત્માના—પ્રેમના—કાનૂનની પોતાને આવડી તેવી ઘણી ઘણી ભાંગીતૂટી વાતો શંકરિયાએ મહારાજને કહી અને મહારાજે એને સામાજિક નીતિના મુદ્દા સમજાવ્યા. ઘણી જિકર પછી શંકરિયાનું દિલ સમાધાન પામ્યું ને એણે કહ્યું : "વારુ ત્યારે, હવે ઘઉંના રોટલા નહીં મોકલું."

"હેં શંકર ?" મહારાજે જ્યારે આ કહ્યું ત્યારે એનું મોં પડી ગયું અને મૃદુ અવાજ ગરીબડો બની ગયો :

"મારે ભીખા (દેદરડાવાળા)ને મળવું છે."

"એને મોકલીશ એનેય તમને મળવા બહુ મન છે."

વળતે દિવસે મહારાજને એક કેદીએ ખબર દીધા : "તમે આપણા ચક્કરની ખાળે જાવને."

"કાં ?"

"ત્યાં એક જણ તમને મળવા તેડાવે છે. એ બહાર ઊભેલ છે; ખાળેથી વાતો થશે."

"કોણ છે ?"

"ભીખો કરીને કેદી છે."

"એને કહેજો કે હું ચોરીછૂપીથી ખાળ વાટે વાતો કરવા નથી આવવાનો."

વળતે દિવસે મહારાજ ચક્કી પીસી રહીને નાહવા જતા હતા. આખું શરીર લોટ લોટ હતું. તે વખતે એક કેદી દોડતો આવીને એમના પગમાં પડી ગયો. એને મહારાજે ઊભો કરીને નિહાળ્યો : એ ભીખો હતો. પાંચ વરસ પહેલાં જે જુવાનને બોરસદની 'લૉક-અપ'ના બારણાના સળિયા પાછળ દીઠેલો, તે આજે પણ એની એ જ નિર્મળી રતાશે ચહેરો હસાવતો ઊભો હતો. માતા પુત્રને નીરખી રહે તે ભાવે, મરક મરક થતે મુખ વડે, મહારાજ એને નીરખી રહ્યા હતા.

પછી પોતે ભીખાને ખભે હાથ મૂકીને ક્ષમા માગતા હોય તેવે સ્વરે કહ્યું : "તને માઠું લાગ્યું હશે, ખરું ?"

"શાથી ?"

"આ એમ કે મેં તમને બેઉને ત્રણ-ત્રણ વર્ષની જ સજા પડે એવું કરી આલવાની આશા આપેલી..."

"અરે, રાખો રાખો હવે !" ભીખો વચ્ચે જ બોલી ઊઠ્યો : "અમે તો પગ પૂજીએ તમારા કે પેલો કાવીઠાવાળો ખોડિઓ બતરીશ વર્ષમાં ટીપાઈ ગયો, અને અમે બેઉ તમારા પરતાપે સાત-સાત વર્ષમાં નીકળી ગયા. બે વરસ પછી તો, બાપજી, અમે લીલાલહેરથી ઘેર પહોંચી જશું. તમે જ અમને ઉગાર્યા; નહીં તો કોને ખબર છે—અમે ફાંસીએ લટક્યા હોત ! મને કશું જ માઠું લાગ્યું નથી."

મહારાજને આ બોલમાં માણસાઈના દીવાની નવજ્યોતનું દર્શન થયું.

ભીખો છૂટો પડીને હરખાતો હરખાતો પોતાના ચક્કરમાં ચાલ્યો ગયો.