મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : ભરેલાં પગલાં વિષે ફરી વિચાર. તે માટે અંતરનો સંતોષ
← અનુભવ બીજો : જેલનું કઠણ કામ | મારો જેલનો અનુભવ અનુભવ બીજો : ભરેલાં પગલાં વિષે ફરી વિચાર મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ બીજો : બીજો દિવસ → |
ભરેલાં પગલાં વિષે ફરી વિચાર.
"મારા શબ્દો પર આધાર રાખી ઘ્ણા હિંદી જેલમાં આવે છે. જો હું ખોટી સલાહ આપતો હઉં તો હું કેટલો પાપી બનું? મારે લીધે આટલું દુખ હિંદીને થાયઃ મેં એમ વિચારી ઉંડો શ્વાસ નાંખ્યો. ઇશ્વરને સાક્ષી જાણી ફરી વિચાર્યું ને હું વિચારમાં ડુબકી મારી પાછો હસી નીકળ્યો. મેં એ સલાહ આપી છે તે બરાબર છે એમ મેં જોયું. દુઃખ ભોગવવામાં જ સુખ છે. તો પછી દુઃખથી કંઇ ખેદ પામવાનું કારણ નથી. આ તો મુર્છા આવી પણ મોત થાય તોપણ મારાથી બીજી સલાહ આપાય તેમ નથી. જન્મ-બંધન કરતાં આમ દુઃખ ભોગવી બેડીમાંથી મુક્ત થવું એજ આપણું કર્તવ્ય છે એમ વિચારી હું બેફીકર થઇ પડ્યો. ને ઝીણાભાઇને હિંમત રાખવાની સલાહ આપતો થઇ ગયો.
ગાડી આવી કે તુરત ઝીણાભાઇને તેમાં સુવાડી લઇ ગયા.પણ દરોગા પાસે ફરીયાદ કરી. તેની તપાસ ચાલી ને દરોગાને ઠપકો મળ્યો. ઝીણાભાઇને બપોરને કામે નહિ લઇ ગયા. તેજ પ્રમાણે બીજા ચાર હિંદી અશક્ત જણાયા. બાકીના બધા પાછા કામે ચડ્યા. બપોરના બારથી એક વાગ્યા સુધી ખાવાનો વખત હોય છે. ને એકથી પાંચ વાગ્યા સુધી કામ કરવું પડે છે. બપોરના અમારી દેખરેખ ગોરા દરોગાને બદલે કાફર દરોગાને સોંપી. કાફર દરોગો ગોરા કરતાં ઠીક હતો. તે બહુ ટોકણાં નહોતો કરતો. કોઇ કોઇ વખત બોલતો હતો. બળી બપોરના કાફરોને તથા હિંદીને તેજ જગ્યામાં પણ જૂદા જૂદા ભાગમાં રાખ્યા. અમને પ્રમણમાં પોચી જમીન ખોદવા અપી.
જે માણસે આ કંટ્રાક્ટ લીધો હતો તેની સાથે મારે વાત થયેલી. તેણે કહ્યું કે હિંદી કેદીની મજુરીથી તેને નુકસાન થવાનો સંભવ છે. હિંદીથી કાફરોની બરોબર એકાએક શરીરબળ ચલાવાય એમ નથી, એ વાત એણે મંજુર રાખી. વળી મેં તેને કહ્યું કે હિંદી કોઇ દરોગાની બીકથી કામ કરવાના નથી. તે તો માત્ર ખુદાનો ડર રાખીને બનશે તેટલું જ કરશે. પણ મારે આ વિચાર પાછળથી સારી પેઠે બદલવો પડ્યો. તે આપણે હવે પછી જોઇએ.