મા બાપ થવું આકરું છે/અડધો દિવસ બગડ્યો !
| ← બાપાને ક્યારે મળશું? | મા બાપ થવું આકરું છે અડધો દિવસ બગડ્યો ! ગિજુભાઈ બધેકા |
સાચો બનાવ → |
કંઈક તહેવારનો દિવસ હતો. અત્યારે બરાબર યાદ નથી.
તેની આગલી રાત્રે મણિલાલના ઘરમાં ખૂબ ઉત્સાહ હતો. છોકરાંઓ કૂદતાં હતાં ને કહેતાં હતાં : “હૈયા, કાલે મજા પડશે !” મણિલાલ અને રેવાબેન બધી ગોઠવણ વિચારતાં હતાં.
મણિલાલ મારા પાડોશી ને એક રીતે મિત્ર.
સવાર પડ્યું ને મણિલાલ ગામમાં શાક લેવા ગયા. રેવાબેન ઊઠ્યાં ને છોકરાંઓને ઝટપટ નવરાવવા–ધોવરાવવા મંડ્યાં. રેવાબેનને ઘણું યે કામ કરવાનું હતું.
પાડોશણ આવીને કહે : “રેવાબેન ! જરા આવો તો, આ મારા ભાણાને પેટમાં દુખે છે તે ?”
સાપે છછુંદર ગળ્યા જેવું થયું. જાય તો વખત જાય, ન જાય તો માઠું લાગે !
કીકાને નવરાવી લઈ રેવાબેન ભાણાને જોઈ આવ્યાં. પાછાં વળતાં બબડ્યાં : “એમાં બતાવવું’તું શું ? જરાક કંઈક થયું કે આ મને બોલાવી જ છે? અમારે તે કાંઈ કામબામ હશે કે નહિ? જાય નહિ વૈદ્ય પાસે !”
રેવાબેન જરા મનમાં બોંસાયાં, નવરાવેલો કીકો ઘરમાં કપડાં હાથે કાઢી પહેરતો હતો; કીકાએ કપડાની ટ્રંક આખી ફેંદી નાખી હતી !
રેવાબેન જીવી દીકરી પર જરાક ઊતર્યા: “જોતી નથી એલી જીવલી ! આ કીકાએ બધું ફેંદી નાખ્યું તે? કર કીકાને કોરો, ને મૂકી દે આ બધાં કપડાં !”
કીકો રડવા લાગ્યો; જીવીનું મોં ચડ્યું. તે કહે : “એમાં હું શું કરું? કીકો એવો છે એમાં ?”
રેવાબેન કહે : “ત્યારે કપડાં રખડવા દે. જો, આજે ગડબડ કરવી છે ને? અને તારા ભાઈ હમણાં આવશે ને કહેશે, આ ગડબડ શી છે ?”
જીવી મોં નીચું ઘાલી બોંસાતી બોંસાતી કામ કરવા લાગી, રેવાબેન પપડતાં હતાં.
રેવાબેને જમુને નાહવા બોલાવ્યો, પણ જમુ પાટીમાં એકડા લખતો હતો. તે કહે : “આવું છું, બા હમણાં આવ્યો.”
રેવાબેન કહે: “મારે ખોટી ક્યાં સુધી થવું? હજી તો શીરો કરવો છે ને શાક તો હજી આવ્યું યે નથી ! જો, ખાઇપીને સૌને બાગમાં જવું છે.”
જમુ કહે : “એ... આવ્યો.”
પણ ત્યાં તો રેવાબેન આવ્યાં ને પાટી ફેંકી દીધી ! પાટીના કટકા થયા ને જમુ રડવા લાગ્યો. “ચાલ, રડે છે શું ? ક્યારની કહું છું તે સારતો નથી ?” રેવાબેન ગુસ્સે થયાં.
ત્યાં મોટો દીકરો ચંપક આવ્યો. રેવાબેન કહે : “અલ્યા અત્યારમાં ક્યાં ગયો હતો ?”
ચંપક કહે : “રામજીને કહેવા ગયો હતો કે સાંજે ઘેર આવીને જાદુના ખેલ કરે.”
રેવાબેન તાડૂક્યાં: “તે અત્યારમાંથી ત્યાં શું કહેવું’તું ? બપોર આખી નો’તી પડી?”
ચંપક કહે: “પણ બા......”
“જા, જા, ઘરમાં પગ જ ટકતો નથી !”
ચંપક કહે : “પણ બા... ...”
રેવાબેન કહે : “લે હવે ઝટઝટ કપડાં સંકેલી નાખ. જો પણે બધું એવું ને એવું પડ્યું ! ને આ તારો ઢંગ તો જો, હજી નાયો પણ નથી ?”
ચંપકનું મોં ચડ્યું; તે કામ કરવા લાગ્યો.
કીકો રડતો હતો; જીવી મોં મચકોડીને ચોખા વીણતી હતી; ચંપકનું ટીચકું ચડેલું હતું; રેવાબેનનુ માથું ગરમ થઈ ગયું હતું.
ઘડિયાળમાં સાડાદશનો ટકારો થયો.
હજી મણિલાલ આવ્યા ન હતા. રેવાબેન તલપાપડ થતાં હતાં, પપડતાં હતાં: “ક્યારે શાક આવશે, ક્યારે રવો આવશે ને ક્યારે બધું થશે ? બે વાગે તો રુક્ષ્મિણીબેનને ત્યાં જવું છે! એમની ટેવ તો એની એ રહી! મળ્યા હશે કોઈ ભાઇબંધ એટલે બેઠા હશે વાતો હાંકવા !”
ત્યાં જોડા ખખડ્યા અને મણિલાલે હસતા અવાજે કહ્યું : “કાં કીકા, જીવી. ચંપક ! તૈયાર થવા માંડ્યાં છો ને? કાં, રસોઈ કેટલે પહોંચી ?”
રેવાબેનનાં ભવાં ચડ્યાં. ચિડાઈને તાડૂક્યાં : “તૈયાર તો બધાં ક્યાંથી થતાં હતાં? આ જમુડો ને તમારો કીકો ને જીવી ને ચંપક : એકેમાં વેતા ક્યાં બળ્યા છે ? ને તમારે તો હજી યે મોડા આવવું’તું ને? રવા વિના શીરો ક્યાંથી કરવાની હતી ? ને શાકને તે કાંઈ અગિયાર વાગતા હશે ?”
મણિલાલ કહે: “અમે આજે પેલો....”
“એ, મારે એ બધું નથી સાંભળવું. ઝટ શાક સુધારો કે ચૂલાભેગું કરું.”
મણિલાલ ઠાવકું મોં રાખી શાક સુધારવા બેઠા. ત્યાં કીકો આવ્યો ને કહે : “બા અમને આમ કરતી હતી.” જીવી કહે : “બાપુ! માએ જગુની પાટી ઘા કરીને તોડી નાખી.”
મણિલાલ કહે : “હશે, આજે કોઈએ રોવાય નહિ; આજે મોઢું યે ન ચડાવાય. આજે તો આપણે ત્યાં ઉત્સવ છે ને ? ચાલો જોઈએ, હું બતાવું તે કરવા માંડો જોઈએ !”
રેવાબેન તાડૂક્યાં : “એ હવે ડાહી ડાહી વાતો કરશે. અત્યાર સુધી થઈ’તી એ જોવા તો આવવું’તું ? જો ને કીકો જઈને ફરિયાદ કરે છે, બા આમ કરતી’તી ને તેમ કરતી’તી ! ને જીવલી તો જીવલી છે ! ભૂડું નવરોગું મોં!”
છોકરાં પાછાં હેબતાઈ ગયાં.
મણિલાલે શાક સુધારી આપ્યું એટલે રેવાબેને ધબધબ ઠામ પછાડતાં પછાડતાં વઘારી દીધુંં.
રેવાબેનનો મિજાજ ઠેકાણે ન હતો.
રેવાબેન કહે : “આવશો મા કોઈ રસોડામાં; હું મારે એકલી બધું કરી નાખીશ. મારે તમારુંં યે ( મણિલાલનું ) કામ નથી.”
સૌ ઘરમાં ચૂપાચૂપ બેસી રહ્યાં.
બાર ઉપર એક વાગે ખાવાનું થયું. રેવાબેને બધું તૈયાર કર્યું ને સૌને જમવા બોલાવ્યાં.
કીકો, જીવી, ચંપક, નીચાં મો લઈને જમવા આવ્યાં; મણિલાલ પણ અબોલ આવીને બેઠા. રેવાબેન પણ કોની સાથે બોલે ને કોને બોલાવે ?
બધાં મૂંગાં મૂગાં જેવું તેવું જમ્યાં. કોઈનાં મન હરખમાં ન હતાં; મણિલાલનો જીવ તો બળી બળીને ખાખ થઈ ગયો !
જમી ઊઠ્યાં, સૌએ ગળ્યું ખાવાનું ખાધું; પણ કાલે વાતો કરી હતી એટલો યે સ્વાદ એમાં ન આવ્યો. બધાંએ પાનબાન પણ ખાધાં પણ કંઈક રીસમાં, કંઇક અણઉમંગમાં.
મણિલાલને થયું કે હવે કાંઈક સુધારું તો ઠીક. પણ રેવાબેનની નાડ હજી જોરથી વહેતી હતી. તેણે ય કંઈક ખાધું ખરું, પણ એવું સરખું.
આમ સૌનો અડધો દિવસ બગડ્યો!