મા બાપ થવું આકરું છે/અમીદૃષ્ટિ
| ← ચંદ્રકાંત પિતા હતો | મા બાપ થવું આકરું છે અમીદૃષ્ટિ ગિજુભાઈ બધેકા |
કવિ કલાપીએ એક કાવ્યમાં પેલી જૂની વાત વર્ણવી છે. રાજા હતા તે ફરવા નીકળ્યો. રસ્તે વાઢ આવ્યો; તરસ લાગી ને અંદર ગયો. ખેડૂતે મીઠો અમૃત જેવો શેરડીના રસનો પ્યાલો ભરીને રાજાને ધર્યો. બાપુ એક પ્યાલો ગટગટાવી ગયા. બાપુને ટાઢક વળી; કાળજું ઠરીને હિમ થયું. બાપુએ કહ્યું : “એક બીજો કટોરો ભરો.” ખેડૂત વાઢમાં ગયો, ને શેરડી કાપી કાપીને પ્યાલો ભરવા લાગ્યો. પણ શેરડીમાંથી રસ જ ન નીકળે ! ઘણી મહેનત કરે ત્યારે માંડ માંડ બે પાંચ ટીપાં પડે. બાપુને ઉતાવળ થઈ ને બાપુ ખેડૂત હતો ત્યાં આવ્યા. બાપુને જોઈ ખેડૂતનું મોં વીલું પડી ગયું. શેરડી કાપે પણ પ્યાલો ભરાય નહિ !
“બાપુ ! આ નથી સમજાતું, આમ કેમ થાય છે તે.”
બાપુએ જ કહ્યું : “એનું કારણ તો હું જ છું. તેં મને શેરડીનો રસ પાયો ત્યારે મને થયું : ‘અહો! આ ખેડૂતને ત્યાં આવું અમૃત છે તો એ કેટલો દ્રવ્યવાન હશે ? કેટલો સુખી હશે ? બસ, આની પાસેથી તો કર બમણો-ચોગણો લેવો જોઇએ.’ આ વિચાર થયો એટલે મારી નીતિ બગડી. મારી રાજાની જે અમીદૃષ્ટિ જોઇએ તેમાં ઝેર ભળ્યું; ને એજ આ રસ નથી નીકળતો એનું કારણ છે!”
આ અમીદૃષ્ટિ એ ભારે મહત્ત્વની વસ્તુ છે.
ખેતરનો પાક ખાતરપાનથી તો થાય છે, પણ ખેતરને શેઢે કે માળે બેઠેલો ખેડૂત પોતાના લીલા હરિયાળા ખેતરને જોઇને મલકાયા કરે છે, અંતરમાં રાજી રાજી થાય છે, ને હોંશે હોંશે પક્ષીઓ ઉડાડે છે ને પાણી પાય છે, ત્યારે તે ખાતરપાનનું યે ખાતરપાન–પોતાનું અમીભર્યું અંતઃકરણ રેડે છે. અને તેનાથી તો આખો પાક પોષાય છે.
જેણે પોતાનાં ઉછેરેલાં ફૂલઝાડો ને ફૂલવેલીઓની સામે જોઇને ઊભેલા માળીને જોયો હશે તે કહેશે કે માળી માળો એકલા પાણી ને ખાતરથી બાગ નહિ કરતો હોય; એની મીઠી નજર એનાં ફૂલોને હસાવતી હશે, એનો કોમળ સ્પર્શ વેલોની પાંદડીએ પાંદડીએ રસ મૂકતો હશે. માળી ફૂલ જોઇને હરખી ઊઠે છે. કોઈ ફૂલને તોડે તો એનો જીવ કળીએ કળીએ કપાય ! પાતે ફૂલને તોડે તોપણ કેટલી સાચવણથી; વેલને ઝાડ ઉપર ચડાવશે તોપણ રખે ને કંઈ થઈ જાય એવી કાળજીથી. આનું નામ માળીની અમીદૃષ્ટિ. આ અમીદૃષ્ટિમાં ફૂલો ખીલે છે ને વેલ પાંગરે છે.
દૂધ દોહતી વખત ગોવાળને ગાયને ગળે હાથ ફેરવતો આપણે જોયો છે. ગાય ચરીને આવી છે, ખાણ ખાય છે, તેથી તે દૂધ આપે છે; પણ જ્યાં ગોવાળ ‘બાપો, બાપો!’ કરીને હાથ ફેરવે છે ને શીંગડીએ ચળ કરે છે, ત્યાં ગાય કેટલો યે વધારે પારસો મૂકે છે! ઘણા લોકોને તો ખાસ ગોવાળા પાસે જ ગાય દોવરાવવી પડે છે. કહેવાય છે કે ગાય એને હળેલી છે. એનો અર્થ એ કે ગોવાળમાં એવી અમીદૃષ્ટિ રહેલી છે કે ગાય તેને લીધે અમૃત જેવા દૂધને આંચળમાંથી ઊભરાવા દે છે.
અને મા જ્યારે બાળકને ધવરાવવા બેસે છે ત્યારે એને જેણે જોઈ હશે, તે જ કહેશે કે બાળક દૂધથી મોટું થતું હશે કે અમીદૃષ્ટિથી. મા મનમાં પેાતાને પણ ખબર ન પડે તેમ વિચારે છે : “આ મારો પ્રાણ, આ મારુ ચેતન, આ મારું સર્વસ્વ! અને હું પ્રાણને પ્રાણ આપું છું. ચેતનથી ચેતન આપું છું. મારા પ્રાણ આ દૂધ વાટે એનામાં ભરું છું. આ દૂધ દૂધ નથી પણ અમૃત છે!” આ કાવ્ય નથી; માના હૃદયમાં જે અકથ્ય ભાવો છે તે આ જ છે. મા દૂધ નથી પાતી પણ પ્રેમામૃત પાય છે, ને એનાથી મનુષ્યબાળક જીવંત રહી મોટું થાય છે.
આ બધી અમીદૃષ્ટિઓ છે. પ્રજા રાજાની અમીદૃષ્ટિમાં, બાગ માળીની અમીદૃષ્ટિમાં, ખેતર ખેડૂતની અમીદૃષ્ટિમાં ને બાળક માની અમીદૃષ્ટિમાં ઊછરે છે ને મોટું થાય છે.
આ અમીદૃષ્ટિ એટલે વધવાનો, ખીલવાનો ને વિકસવાનો એક અનિવાર્ય નિયમ. આ નિયમ જ્યાં ન પ્રવર્તે ત્યાં ખિલવણી બંધ પડે, સંકોચ થઇ જાય, શુષ્કતા ને મંદતા આવે, સડવું શરૂ થાય.
આ નિયમ આપણે આપણાં બાળકો અને આપણી બાબતમાં વિચારીએ.
બાળકો આપણાં ઘરોના રોપાઓ અગર ફૂલઝાડો છે; તેઓ આપણે તૈયાર કરેલા વાતાવરણમાં ને ખાતરપાનમાં મોટાં થઈ રહ્યાં છે; તે આપણી દૃષ્ટિ તળે જીવી રહ્યાં છે. આપણી દૃષ્ટિ જેવી કડવીમીઠી હશે તેવાં બાળકો થશે. માળી પોતાના જ બાગનાં ફૂલઝાડોના ક્યારાઓમાં ધબધબ પગ દઇને ચાલે, ગમે તેમ મરજી પ્રમાણે ચાલે, ફૂલ જોઇને હરખાય નહિ પણ ઠીક છે–થયાં છે એમ સમજે, તો એનો બાગ પાંગરે નહિ. આપણે બાળકોની વચ્ચે કેવળ તેમની હાજતો પરત્વે બેદરકાર રહીએ, તેમને જડસા જેમ ગમેતેમ હડદોલાવીએ કે ધક્કેલીએ, તેમની કૂણી કૂણી લાગણીઓનો વિચાર જ ન કરીએ, તેમને અભિમુખ ન રહેતાં આપણામાં જ પડ્યાં હોઇએ તો બાળકો ચીમળાશે. તેમને આપણી અમીદૃષ્ટિનું પોષણ નહિ મળે.
બાળકો ખૂબ નાજુક છે, નાનાં છે, છતાં તેઓ સૂક્ષ્મ સંસ્કારક્ષમ અને લાગણીગ્રાહી છે. તેએ આપણી રાજીખુશી- ખેફામરજી તુરત ઓળખે છે. તેઓ આપણને કડક જોઇને બિડાય છે, ને આપણને પ્રસન્ન જોઇને ઊઘડે છે.
જેના ઘરમાં માતા અને પિતા અધિકારના બળથી બધાં સાથે કામ લે છે અને બાળકો પણ તેના ભોગ થઇ પડે છે, ત્યાં બાળકો અમીદૃષ્ટિ વિહોણાં છે.
જેના ઘરમાં બાળકો એટલે નાનાં છોકરાં, કશા ય માનપાન આપવાની લાયકાત વિનાનાં, પડતાં આખડતાં મોટાં થવાવાળાં ગણાય તે ઘરનાં બાળકો પણ અમીદૃષ્ટિ વિહોણાં હોય છે.
જે ઘરમાં બાળકની સામે જોઈ તેમનાં નાનાં કામો, તેમની નાની વાતો ને તેમના ભાવોને પ્રત્યુત્તર મળતો નથી પણ ઊલટું તેમનાં કામો તરફ ઉપેક્ષા અગર અણગમો હોય છે, ત્યાં અમીદૃષ્ટિ નથી પણ વિષદૃષ્ટિ છે.
જેના ઘરમાં બાળકોને આયાના સ્વાર્થો અને ઘણી વાર ગંદા વાતાવરણમાં રહેવું પડે છે, ત્યાં અમીદૃષ્ટિના ખાતરથી ઊલટું જ ખાતર મળે છે.
જેના ઘરમાં માબાપોમાંથી સ્વાર્થવૃત્તિ, દ્વેષવૃત્તિ, વૈર- વૃત્તિ, લોભવૃત્તિ, વગેરે હલકી વૃત્તિઓનું પ્રત્યક્ષ અપ્રત્યક્ષ વાતાવરણ બાળકોને મળે છે ત્યાં બાળક અમૃતમાં નહિ પણ હળાહળમાં ઊછરે છે.
જે બાળકો માબાપના ક્લેશકંકાસમાં, સગાંસંબંધીઓની કુથલીઓમાં ને નાતજાતની ખટપટના પ્રપંચોમાં હોય છે, ત્યાં પણ અમૃતપાન તો નથી જ; માત્ર ઝેરનું પાન છે.
બાળકો ઘરમાં ઊછરતા છોડો છે. તેમના ઉપર જેમ હવા–સૂર્ય-પ્રકાશની સારીમાઠી અસર થાય છે, તેમ જ માબાપો અને અન્ય જનોની સારીમાઠી અસર થાય છે. તે અમૃત જેવી પણ થાય છે, ને ઝેર જેવી પણ થાય છે.
આપણે જ્યારે ચિંંતા કરીએ કે બાળક શરીરથી, મનથી કે નીતિરીતિએ કેમ વિકસતું નથી, કેમ તે ઊલટું મંદ અને નિસ્તેજ થતું જાય છે, કેમ તે ભૂલકણુંને પ્રમાદી થતું જાય છે, ત્યારે આપણે તપાસવું જોઇએ કે આનું કારણ આપણું ટોકવું તો નથી ? આનું કારણ આપણે એની પ્રવૃત્તિઓ જોઈને રાજી નથી થયાં એ તો નથી ? આનું કારણ આપણી સહાનુભૂતિનો અભાવ તો નથી ? અમીદૃષ્ટિના અભાવનાં આ બધાં લક્ષણો છે.
અમૃતની દૃષ્ટિ અને વિષની દૃષ્ટિ જાડી અને ઝીણી બંને છે. બાળકને પ્રસન્નતાથી બોલાવીએ ને જવાબ આપીએ એ જાડી દૃષ્ટિ; બાળક કાંઈ કરે અને તે પ્રેમથી નિહાળીને મનમાં ખુશી થઈએ—ભલે બાળકને તેની ખબર પણ ન પડે, તે ઝીણી દૃષ્ટિ. બાળક આપણી પાસે ઈનામ નથી માગતું પણ કદર માગે છે; બાળક આપણી પાસે ઇનામ નથી માગતું પણ આપણે રાજી થયાં છીએ તેટલું તો માગે જ છે. બાળક આપણને કહેતું નથી કે બધું અમારું જોયા કરો ને પાસે બેસી રહો; તે એટલું જ માગે છે કે આપણે તેની સામે નથી જોતા એમ નથી, પણ તેની સન્મુખ જ છીએ; ને જ્યારે તે આવશે ત્યારે હેતથી વધાવીશું ને શાંતિથી સરલ ને સ્નેહભર્યો ઉત્તર આપીશું; મુશ્કેલી હશે તો દૂર કરીશું અગર દૂર કરવામાં મદદ કરીશું.
વિષની જાડી દૃષ્ટિ એટલે કે આપણે બાળકના પ્રયત્નને હડધૂત કરીએ, મૂરખ ગણી હસી કાઢીએ વગેરે. વળી, ભલે આપણે બાળકને કશું કડવું વેણ કહીએ નહિ, પણ જો આપણી આંખ તેને નિસ્તેજ જણાય, આપણો ચેહરો તેને આદર ન આપતો હોય, આપણી વાણી તેને ઠંડી ને સૂકી લાગતી હોય, આપણું વર્તન તેને સમજાતું ન હોય, આપણી રીતભાત ખડબચડી તેમ જ અવગણનાભરી હોય, તો બાળકને તે બધું દુઃખરૂપ થાય છે. એ બધું આપણે ત્યારે જ કરીએ છીએ અગર થાય છે કે જ્યારે આપણી દૃષ્ટિ બદલાય છે, જ્યારે આપણી દૃષ્ટિ અમૃતની મટી વિષની થાય છે.
બાળકો દૃષ્ટિનો ભેદ તુરત સમજે છે. પાડોશીની બાઇએ બાળક પર કેવી દૃષ્ટિ ફેંકી અગર નાના કાકાએ જીવી ફોઈના દીકરા પર કેવી નજર દેખાડી તે બાળક પકડી શકે છે, ને માબાપને કહી પણ શકે છે. આ આપણો સામાન્ય અનુભવ છે. આપણે બાળકોને અમીદૃષ્ટિથી ઉછેરીએ અને આપણી પાસેથી, આપણાં ઘરોમાંથી ને આસપાસમાંથી આપણાં બાળકોનું જીવન મીઠું કરવા કડવી દૃષ્ટિ હાંકી કાઢી સઘળે અમીદૃષ્ટિ પાથરીએ.
આપણું અને બાળકોનું—ઉભયનું એમાં જ કલ્યાણ છે.