મા બાપ થવું આકરું છે/આગળ બુતાન
| ← બાળકોને શું ગમે છે? | મા બાપ થવું આકરું છે આગળ બુતાન ગિજુભાઈ બધેકા |
પહેલાં અને હમણાં → |
ફેશન ઘણી વાર સગવડ-અગવડની દરકાર નથી કરતી, એટલું જ નહિ પણ આપણને તકલીફ આપે છે. ફેશન પાછળ વિચાર હોય જ છે એમ નથી; વિચાર કરવાવાળા પણ ફેશનના ભોગ થઈ પડે છે. ડાહ્યા લોકો પણ ઘણી વાર ફેશનમાં ખૂબી, સૌંદર્ય, યોગ્યતા વગેરે ભાળે છે અને નુકસાનકર્તા અથવા ત્રાસદાયક ફેશનનો પણ બચાવ કરે છે!
ફેશનનો ભોગ થઈ પડેલાં માબાપોનાં બાળકો પણ ફેશનનો ભોગ થઈ પડે છે. એમાં નવાઇની વાત નથી. બાળકો અમસ્તાં યે માબાપનાં ભોગ થઈ પડેલાં જ છે!
માબાપોને જે ફેશનેબલ અને સુંદર લાગે છે તે બાળકોને માથે આવી પડ્યા કરે છે. માબાપો સુંદર કહે છે : આસપાસના લોકો પણ તેમ જ કરે છે, તેમનાં બાળકો પણ તેમજ કરે છે. એટલે બાળક જાતે તેનો ભોગ થઈ પડે છે. પછી તો માબાપો પણ કહી શકે છે : “બાળકોને ગમે તે તો કરવા દઇએ ને ?” પણ ખરી રીતે એમાં બાળકો તથા માબાપો બંનેની ફેશનનો ભોગ થઈ પડવાની ગુલામી વૃત્તિ છે.
બાળકો આજકાલ ફરાક વગેરે પહેરે છે તેમાં બુતાન, બોરિયાં વગેરે પાછળ બીડે છે. આ ફેશનનો નમૂનો છે. એ ક્યાંથી આવી અને કોણે કાઢી તે તો કોણ જાણે; પણ બાળકોને પાછળ બુતાન રાખવાં ગમે છે. માબાપો તેવાં જ ફરાકો કરાવે છે; દરજીઓ તેમ કરવા બેઠેલા જ છે. ફેશન ફેંકનારા આ પરદેશીઓ અને તેને નમીને ઝીલનારા આપણે તથા તેનો અમલ કરી દેવાવાળા દરજીઓ, એ ત્રણેની વાત અહીં નહિ કરીએ. અહીં તેનો ભોગ થઇ પડેલાં બાળકોને તેમાંથી છોડાવવાનું નક્કી કરીએ.
જ્યારે જ્યારે કપડાં પહેરવાં હોય ત્યારે બાળકોએ માબાપનું શરણુ લેવું પડે છે. “બા ! બુતાન બીડી દે.” “બાપા ! હૂંક બીડી દ્યો.” બા અને બાપાને બહુ કામ હોય છે. એ આ બધું ક્યારે કરે? બા મોટી દીકરીને ધમકાવે છે : “એ, બુતાન બીડી દે.” બા નોકરને કહી દે છે “અલ્યા એ, બુતાન બીડી દે તો ?” હાથ હોવા છતાં અપંગ બનેલું બાળક ઊભું રહે છે; બીજું કોઇ બુતાન બીડે છે ત્યારે તેનાથી કપડું પહેરાયું વદે છે–ત્યારે તેનાથી બહાર જવાય છે. એમ જ કોઇ ને કોઇ મદદ માટે જોઈએ જ. પાછળ બુતાનનાં ફરાકોનો શોખ કરવા માટે બાળકને બે વાર બે માણસોની ગુલામી સહેવાની.
એ તો ઠીક; પણ ફરાક ભીનું થયું. છતાં બાળક પોતાની જાતે કાઢી શકે નહિ. ઘામ થાય છે ને ફ્રોક કાઢવાનું મન થાય છે; બાળક જાતે તેમ નહિ કરી શકે. ફ્રોક સળગ્યું અને બાળક દાઝે છે; બાળક કેવી રીતે ફરાકને કાઢી શકવાનું? પાછળ બુતાન આ રીતે બાળકને હેરાન કરે છે. છતાં બાળકને તે ગમે છે-કેમકે માબાપને તે ગમે છે, કેમકે માબાપને અન્ય દેશની, અન્ય લોકોની, બીજાની ફેશન ગમે છે.
ફેશનનું એવું છે કે જેમ ચલાવીએ તેમ ચાલે. જરા પ્રતિષ્ઠિત, જરા અમુક જાતના, જરા તમુક જાતના લોકો અમુકતમુક કરે એટલે સામાન્ય જનતા પણ તેમ કરે છે. એટલે એવા આગેવાન લોકોએ સારી ફેશનો ચલાવવી જોઈએ. પણ ઘણા આગેવાનો અક્કલથી દુશ્મનાવટ રાખી ફેશનને ચલાવે છે ત્યારે જનતાને ઊંડા ખાડામાં ઉતારે છે.
ડાહ્યા લોકો ફેશનનો મોહ છોડી દે. તેઓ જે કાંઇ કરે તેમાં જાતે જ વિચાર કરે કે આ સગવડવાળુ, શોભીતું અને પરવડતું છે કે કેમ? લોકોથી જુદા દેખાઇશું તેની ચિંતા સમજુ લોકો નથી કરતા; તેઓ યોગ્ય શું છે તેની જ ચિંતા રાખે છે.
આપણું તો હવે થાય તે ખરું, પણ બાળકોને આપણી પાછળ ન ચલાવીએ. તેમની સગવડ વગેરેનો અભ્યાસ કરીએ, અને તેમને બંધબેસતું કરાવી દઇએ નાનાં બાળકો પણ પ્રથમ દૃષ્ટિએ પોતાને ફાવતું ન ફાવતું, ગમતું ન ગમતું સમજી શકે છે. તેમની પાસે તેમને જોઇતું નક્કી કરાવીએ, અને ફેશનને નામે આપણે તેમને ન આપીએ.
બાલમંદિરમાં ‘બુતાન આગળ’ની હાજરી થાય છે-બુતાન તપાસવાનાં. આગળ ન હોય તો આગળ લાવે. માબાપોને ચિઠ્ઠી લખવામાં આવે છે કે હવેથી નવાં કપડાં આગળ બુતાનનાં કરાવવાં. સંતોષની વાત છે કે કેટલાંક માબાપો આગળ બુતાનનાં ફ્રોકો, કબજા, પેરણો વગેરે કરાવવા માંડ્યાં છે. તેઓએ પોતાનાં બાળકોની સારી સેવા બજાવી કહેવાય.