મા બાપ થવું આકરું છે/આને બદલે આ કરું
| ← પહેલાં અને હમણાં | મા બાપ થવું આકરું છે આને બદલે આ કરું ગિજુભાઈ બધેકા |
બચી → |
“ઘેલિયાને માટે નાતજાતમાં જવા માટે વીશ રૂપિયાનું પીતાંબર લઉં તેના કરતાં તો ફળિયામાં એક અખાડો કરાવું ને મહીં રેતી પથરાવું એ નહિ સારું? પીતાંબર પહેરીને ઘેલિયો નાતજાતમાં રૂડો દેખાશે, પણ અખાડામાં ખેલીને તો તે શરીરે રૂડો થશે.”
ઘેલિયાની બા કહે છે : “એને એક કંદોરો કરાવી આપો, ને એક કડું આપો આડોશીપાડોશીનાં છોકરાં સૌને એ ઘરેણાં તો છે!” હું કહું છું : “ઘરેણાં પહેર્યા વિના ઘેલિયા ભૂંડો નહિ લાગે પણ આપણે ઘરેણાંના પૈસા ખરચીએ એના કરતાં એને રોજ સવારે અડધો શેર ગાયનું દૂધ પિવરાવીએ તો ?”
ઘેલિયાની બાને એમ થાય છે: “આપણે પણ દેરિયાજેઠિયા જેમ રહેવુ જોઇએ. છોકરાં પાંચદસ રૂપિયાના ફટાકટા ફોડે ત્યારે ઘેલિયાને માટે બે રૂપિયા તો ખરચવા જ જોઈએ ના ?” મને લાગે છે કે “એ તો આપણી દેખાદેખી જ થઈ. ફટાકડા ફોડીને તો પૈસાનું પાણી કરવાનું ! એને બદલે ઘેલિયાને બે રૂપિયાનાં કાતર ને રંગબેરંગી કાગળ ન અપાવું કે ઘેલિયાને કોતરણીકામ ગમે છે તે ધરાઈ ધરાઈ ને કરે ?”
ઘેલિયાની દાદી એટલે મારી બા કહે છે : “બાપુ ! સાત રૂપિયા ઇ લોઢાનાં ચકરડાં ને ચાપડામાં શું કામ નાખ્યા ? સાત રૂપિયામાં તો એક હેલ આવે. ઘરમાં એક રાચ થાય તે ત્રણ પેઢી સુધી ચાલે !” હુ વિચારું છું : “ઘેલિયાને મિકૅનો ગમે છે. તે વડે તે પોતાની યાંત્રિક શક્તિને ખીલવે છે. ઘરમાં બેડું ન હોય ને માટીનાં માટલાં હોય તો શુ ખોટું ? ઘેલિયો યંત્રવિદ્યામાં આગળ વધશે તો એવા રાચની તો દુકાન કાઢશે !”
ઘેલિયાની બા કહે છે: “ઘેલિયા માટે એ બાબલાં આણો; જમનાના જીવાએ પણ લીધાં છે. ઘેલિયાને એ બહુ ગમે છે ને કજિયા કરે છે.” હું કહું છું : “ફળિયામાં ખડ થયું છે તે તેથી મચ્છર થયાં છે, તેથી સૌને વારે વારે તાવ આવે છે. બે બાબલાં લાવું તેના કરતાં બે દાડિયાં બોલાવીને ખડ ન કઢાવું કે રોગમાંથી બચીએ ?” એની બાને એ ખોટો ખરચ લાગે છે. તે કહે છે : “એ તો ખડ સુકાઇ જશે. આપણે એવા પૈસાદાર ક્યાંનાં કે ખડ કઢાવવા દાડિયાં રાખીએ ?”
હું કહું છું : “ઘેલિયાને એના આ જન્મદિવસે કંઈક એવુ અપાવીએ કે એને ખૂબ મજા પડે ને લાભ થાય; ને નાહકનાં ઘણાં બધાંને ભેગાં કરીને ખવરાવવા–પિવરાવવાની આખો દિવસ ખટખટ કરીએ છીએ તે છોડી દઇએ.” એની બા કહે છે : “એ વાત મને ગમી. એમાં તો આપણે અડધાં થઈ જઈએ છીએ, અને ઘેલિયાને મન એનું કંઇ નહિ.”
ઘેલિયાની બા કહે : “ત્યારે આપણે ખોટો ખરચ બંધ કરીએ. આ નકામાં વરસે વરસે ત્રાંબા-પિત્તળનાં વાસણો ભેગાં કરું છું તે. આ નવા વરસે આપણે રમવા માટે ઘેલિયાને ફૂટબોલ અપાવીએ.
મેં કહ્યું : “એક લાખ રૂપિયાની વાત.”
મને થયું : “ઘેલિયાની બા સાચું કહે છે કે બજારમાં જઈને રોજ ને રોજ હું પેપરમીન્ટ ને એવું એવું પેટ બગાડે એવું ખવરાવું છું ને પૈસા ફેકી દઉં છું, એના કરતાં તો છોકરાને માટે એક હીંચકો બંધાવું તો સારું.”
“મારો અને ઘેલિયાની બાનો મત બરાબર મળતો છે કે છોકરાંને લૂગડાં કરાવ્યે જ જવાં ને પછી ‘મેલાં કપડાં પહેરવાનું કહેવું અથવા તો ધોબીને પૈસા ક્યાંથી દઇએ ? એ તો પૈસાદારનું કામ. રોજ રોજ સાબુ ક્યાંથી કાઢીએ ?’ એમ કહેવું તો સાવ ખોટું છે. બે કપડાં આછાં કરાવીએ ને સાંધીને ચલાવીએ તો સાબુના પૈસા તો તેમાંથી નીકળે !”
માત્ર ગમ્મત ખાતર બે-પાંચ મિત્રોને તો મહિનામાં ખવરાવવું જ જોઈએ. ઘરમાં શોભા લાગે એટલે મોતીનાં તોરણનો ખર્ચ તો જોઇએ ના ? જરા ફેશનેબલ ગણાવા માટે ફલાણો સાબુ વાપરવો જ જોઇએ. પણ બાળકો માટે માસિક મંગાવવું છે તો પૈસા નથી; એમને ગાડી કરી દૂર દૂરનાં સુંદર સ્થળો દેખાડવાં છે તો પૈસા નથી. આ વિચાર ખોટો જ છે ના ?
મહેમાન આવ્યા તો લાપશી વિના કેમ જમાડાય ? શ્રાવણ માસ આવ્યો તો ધરમાદામાં પાંચ રૂપિયા આપવા જોઈશે. શ્રાદ્ધ આવ્યાં તો પાંચ-પચીશ જણાને ખવરાવ્યા વિના વહેવાર કેમ ચાલે ? પણ છોકરો માંદો પડ્યો ને દાક્તરને બોલાવવા છે તો દાક્તરની ફી ક્યાંથી કાઢવી ? ગાડીના પૈસા ક્યાં છે ? છોકરાનું શરીર માયકાંગલું છે તો જરા પૌષ્ટિક દવા કે ખોરાક ખવરાવવો છે, તો “બાપુ ! ગરીબ માણસને બધું ક્યાંથી પાલવે ?’ એમ કહેવું, તેનું નામ ખોટી ગરીબાઇ છે.
મારો મિત્ર કહે છે તે બરાબર જ છે કે “નાહકનો હું વરઘોડા ને અઘરણીમાં એટલા બધા પૈસા શા માટે ખરચું ? ને ખરચ કરીને ખાલી થાઉં ત્યારે શાનો કહું કે હું મારા બચુને હવે આગળ નહિ ભણાવી શકું ? ખોટા ખોટા ખરચ કર્યા ને બે દિવસ વાહવાહ બોલાઇ તેમાં બચુનું શું વળ્યું ? એ બિચારાને તો ઊલટુ દેવાનો બોજો વહેવો પડશે !”