મા બાપ થવું આકરું છે/આપણને બોલતાં આવડે છે?
| ← વાણીમાં અતિશયોક્તિ | મા બાપ થવું આકરું છે આપણને બોલતાં આવડે છે? ગિજુભાઈ બધેકા |
ખાનગી વાતો → |
બોલતાં આવડે છે એટલે આપણે બોલીએ છીએ; સામાને અર્થ સમજ્યા વિના છૂટકો નથી તે સમજે છે. પણ સવાલ એ છે કે આપણને બરાબર બોલતાં આવડે છે ?
તમે ઉતાવળથી ગડબડ ગડબડ બોલી જતા શેઠને સાંભળ્યો છે ? તમને તે નથી ગમતો, છતાં તમે તેને સમજી લ્યો છો. તમારા મન ઉપર તેની કાર્યશક્તિની કશી જ છાપ પડતી નથી.
તમે કોઇ અખડબખડ બોલનાર વક્તાને સાંભળ્યો છે ? તમને તેમાં મજા પડતી નથી છતાં વ્યાખ્યાનનો વિષય ઉપયાગી છે એટલે, અગર સભ્યતાને કારણે બેસી રહ્યા છો. એટલે, સહન કરી લ્યો છો. તમારા મનમાં તેના વિચારોની પૂરી છાપ નથી પડતી ને તેનું અડધું કહેવું નકામું જાય છે. તે તમારામાં જે લાગણી જગાડવા માગે છે તે તે જગાડી શકતો નથી.
આવા વધારે દાખલા તમારા અનુભવમાં છે વક્તા અને શેઠ પેઠે આપણે માબાપો અને શિક્ષકો જે અણગમતી ઢબે બોલીએ છીએ તેની અસર બાળકો પર કેવી થાય છે તેનો વિચાર કર્યો છે ?
કોઈ સારાં સસ્કારી માબાપો પોતાનાં બાળકો સાથે વાતો કરતાં હોય ત્યારે ત્યાં તમે હાજર હો તો તમને જણાશે. માબાપો બહુ સ્પષ્ટતાથી, મધુરતાથી ધીરજથી અને ધીમાશથી બોલે છે; પોતાના હૃદયના ભાવો વ્યક્ત થઇ શકે તેવા શબ્દોની પસંદગીથી બોલે છે. બાળકો સાથે વાત કરતાં તેઓને ખ્યાલ છે કે બાળકો હજી થોડા જ વખતથી આ દુનિયામાં આવેલાં મહેમાનો છે. બધું સમજી લેવાનું જેમ સારા યજમાનો મહેમાન ઉપર છોડતા નથી તેમ સારાં માબાપો પણ કરે છે. નવા આવનારની મુશ્કેલી સમજી, નવી ભાષા જાણનારની મુશ્કેલી સમજી, તે બહુ કાળજીથી વાત કરે છે. બાળકો બધું બરાબર સમજી શકે છે તેથી માબાપ અને બાળકો વચ્ચે ગેરસમજણ ઊભી થતી નથી. ભાષા ન સમજવાથી ઘણી ગેરસમજણો થાય છે એ તો આપણો અનુભવ છે.
આથી ઊલટો જ અનુભવ તમને અસંસ્કારી રીતે ભાષા વાપરનાર માબાપો અને બાળકો પરત્વે થશે. આ બધું તમારા હંમેશના અનુભવનું છે એટલે એ લખવું છોડી દઈએ.
હવે ધારો કે તમે ભવિષ્ય કાળની એક નિશાળમાં ગયા. એ નિશાળમાં શિક્ષક એવી રીતે બોલશે કે એની સ્થિર-ગંભીર નિર્મળ વાણી તથા વ્યવસ્થિતપણે, શુદ્ધિથી, ધીમેથી, તાલબદ્ધપણે તેને ઉચ્ચારવાની રીતિ, બાળકને સ્વતઃ શાંત અને અભિમુખ કરશે. શિક્ષકને જે કહેવાનું છે તે બાળક ઓછા શ્રમે સમજશે. કહેવાનું પ્રિય વાણી સાથે આવેલું હોવાથી પ્રિય લાગશે અને બાળકોમાં પ્રાણ જગાડવાની વાણીની શક્તિ પ્રત્યક્ષ દેખાશે.
બાળકો માબાપના ઓછા ચાળા પાડે છે, કેમકે તેમને કોઇએ શીખવેલું હોય છે કે માબાપના ચાળા પડાય નહિ, અગર માબાપ બાળકોને સીધું કહી દે છે કે “એમ ન થાય; ચાળા ન ન પડાય.” બાળકોની મનોવૃત્તિ વ્યક્ત કરવાનો માર્ગ બંધ કરી માબાપ હવે ચાળા પાડવા યોગ્ય પોતે રહ્યાં નથી એમ મૂર્ખાઈથી માનતાં હોય તો તેઓ જખ મારે છે, અગર ખાંડ ખાય છે. બાળકો માબાપને છોડીને બીજાનાં નામો આપી તેમના ચાળા પાડ્યે જ રહેવાનાં છે. પણ શિક્ષકોના ચાળા જોવામાં માબાપ રસ લે છે, અને તેથી શિક્ષકોના ચાળા છૂટથી પાડવાનું બાળકોને મળે છે. આ ચાળામાં બાળકો શિક્ષકો કેમ બોલે છે ને તે વખતે કેવી કેવી કઢંંગી તેમની મુખમુદ્રાની રૂપછાયા બને છે, તે બરાબર બતાવે છે.
શિક્ષકો આવે પ્રસંગે હાજર રહી જરા જુએ તો ખબર પડે કે તેમણે બાળકો સમક્ષ કેવી રીતે બોલવું ઘટારત છે. માબાપો ધારે તો શિક્ષકોના ચાળામાંથી ઘણાં ડાહ્યાં થઈ શકે.
છેવટે વાત એમ છે કે આપણે સૌ વિચાર કરીએ કે આપણને અંદર અંદર, મોટાં સાથે, નાનાંઓ સમક્ષ અને બાળકો સમક્ષ સારી રીતે બોલતાં આવડે છે ?