લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/આપણા હુકમો

વિકિસ્રોતમાંથી
← છોકરાંઓને કાન છે મા બાપ થવું આકરું છે
આપણા હુકમો
ગિજુભાઈ બધેકા
વાણીમાં અતિશયોક્તિ →



[ ૨૫ ]
આપણા હુકમો
 

“એ રમુ ! તું ક્યાં જાય છે ?”

રમુ કહે : “નાના કાકા કહે છે કે પેલી બારી નીચે છાંયો છે ત્યાં રમો ”

“ત્યાં નથી જવું; પેલી કોટડીના ખૂણા પાસે બેસો.

અલ્યા રમુ! અહીં કેમ બેઠો છે? આ ખૂણા પાસે? ચાલો ઘરમાં; પાઠ વાંચો”

“બાએ અહીં રમવાની રજા આપી છે.”

“ચાલો; પાઠ વાંચવા બેસો.”

“એ રમુ! પાઠ વાંચવાનું અત્યારે કાં સૂઝ્યું? ચાલ, ઝટ નાહી લે; ઊનું પાણી તૈયાર છે.”

રમુ કહે : “બાપુએ પાઠ વાંચવાનું કહ્યું છે.”

“પાઠ પછી વંચાશે; ચાલો, નાહવા બેસો.”

“એ રમુ ! હમણાં નાહવાનુ બંધ રાખ. પેલા ભાઈને સારાકાકાનું ઘર બતાવી આવ.”

“પણ બેન કહે છે કે નાહીને જા.”

“ના, હમણાં જા; પછી નાહજે.”

આ પેલી કહેવતવાળું થયું. એક રમુ ને સો દમુ : એટલે કે એક જણ ને સો જણાં કહેનારાં!

રમુ નાનો છોકારો; સૌ એનાથી મોટાં. સૌને જાણે કે મોટાં છીએ એટલે જ અધિકાર કે રમુને જે આવે તે કહે! એ અધિકાર સૌને પણ એવી જ રીતે મળેલો : એટલે કે તેઓ નાનાં હતાં ત્યારે તેમના પણ આ જ હાલ થયેલા.

આમાં રમુનું શું થાય છે તે જોયું? રમુ એક કામ કરવા બેસે છે ત્યાં બીજું લેવું પડે છે; ને જ્યાં બીજું કરવા બેસે છે ત્યાં ત્રીજું કરવાની વાત આવે છે. રમુનું એકે કામ પૂરું થતું નથી. પછી તેને તેનાથી લાભ અને આનંદ તો શાનાં જ થાય ?

અને રમુનું કામ બગડે એ ઠીક, પણ તેનું મન પણ બગડે, એના મનમાં એમ જ થવાનું : “આ તે કોઇનામાં ઢંગધડા છે કે નહિ ? એક આમ કહે છે, ત્રીજું આમ કહે છે! માળાં બધાં ડાહ્યાં ?”

રમુ નાનો છે એટલે તે રોકડું પરખાવી શકતો નથી, તેમ સૌની ભૂલ સામે સંભળાવી શકતો નથી. પણ તેમાંથી તે પાકું એવું શિક્ષણ તો લે જ છે.

રમુનાં હુકમ કરનારાં તરફ જોઇએ તો આપણને શુ લાગશે ? આપણને થશે કે આ ઘરમાં કશું તેજ નથી. નથી એકતંત્ર, નથી સંયુક્તતંત્ર, અથવા સ્વાતંત્ર્ય. અહીં તો સૌ-તંત્ર એટલે કોઈનું તંત્ર નહિ એવું ભાસે છે ! આ વિચિત્ર તંત્રમાં પહેલાનું બીજું ઉપાથે છે, અને બીજાનું ત્રીજું ઉપાથે છે. એમાં એકબીજા પ્રત્યે માન ક્યાં ? આમાં કશું નિયમન ક્યાં ? આમાં રમુને શાનું શિક્ષણ મળવાનું ? અંધાધૂંધીનું કે વ્યવસ્થાનું ? માનનું કે માનભંગ કરવાનું? આવી સ્થિતિ ઘણાં ઘરોમાં છે અને તે તુરત જ સુધરવી જોઇએ. એક રાજાને બદલે બધા રાજા થાય ને સૌ સૌને ફાવે તેમ હુકમ કાઢે તો રાજ્ય કેટલા દિવસ ચાલે ? શેઠ એક જોઇએ; તંત્રવાહક એક જોઇએ; સત્તા એક જોઇએ. બેશક જ્યાં મોટાં કામો હોય ત્યાં સંયુક્ત સત્તા હોય, સંયુક્ત તત્ર હોય, અગર કાર્યોના વિભાગ કરી વિભાગિય તંત્ર હોય; પરંતુ નાના પરત્વે બાકીનાં મોટાં સૌ સત્તાધારી, એ સ્થિતિ તો પરવડે જ નહિ.

રમુના બાપા કાં તો એકલા જ બધા હુકમો કાઢે ને હુકમો પ્રમાણે રમુની બા પણ મર્યાદામાં રહી પોતાને લાગતા હુકમો કાઢી શકે; બેનની સત્તા પણ હોય ખરી, પરંતુ તે મર્યાદિત અને માન્ય થયેલી. અને દરેક સત્તા એટલું તો અવશ્ય જુએ જ કે કોઇના પણ હુકમનું અપમાન કે ઉત્થાપન કોઈ ન જ કરે. દરેક સત્તા પોતાની મર્યાદાની બહાર કદી હુકમ ન જ કાઢે. એટલું સ્વીકારે એટલે એકતંત્ર, સંયુક્ત તંત્ર કે પ્રજાતંત્ર કે કોઈ પણ તંત્ર ચાલે જ; અને રમુ જેવાને કચરાવું ને આથડવું ન પડે.