મા બાપ થવું આકરું છે/આપણી વાતો
| ← તું સાંભળતી નથી | મા બાપ થવું આકરું છે આપણી વાતો ગિજુભાઈ બધેકા |
છોકરાંઓને કાન છે → |
આપણે મોટાંઓ ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે વાતો કરીએ છીએ : નાતજાતની વાતો, સગાંસંબંધીની વાતો, લેણદેણની વાતો, નાનપણની વાતો, મિત્રઅમિત્રની વાતો, આડોશીપાડોશીની વાતો : તેમ જ સાહિત્યની, કાવ્યની, વિજ્ઞાનની, શાળાની, દવાખાનાની, રેલ્વેની, કેટલીયે વાતો થાય છે. આપણાં બાળકો આપણી આસપાસ ફરતાં હોય છે; તેઓને કાન છે ને સાન પણ છે. આપણે જે બોલીએ છીએ તે બીજરૂપે તેમનામાં પડે છે અને વખત મળતાં ખાતરપાણી મળતાં, અનુકૂળ વાતાવરણ મળતાં, તે ઊગી નીકળે છે.
આપણે માનીએ છીએ કે બાળકો આપણી વાતમાં શું સમજે ? પણ ખરી વાત તેમ નથી તેઓ કેટલીક વાતો સમજતાં નથી એ ખરું છતાં તે તેમને ચોંટી જાય છે. જે વાત નથી સમજતાં તે વાતોનો તેઓ ઘણી વાર પોતે જ ગમે તેવો અર્થ કરી લે છે; ઘણી વાતો તેઓ બરાબર માબાપની દૃષ્ટિએ સમજે છે. એટલે કે સાંભળેલું વૃથા જતું નથી; તેની સારીમાઠી અસર થયા જ કરે છે.
જો નાનાં બાળકોને આપણે વાતો કરતાં જોઈશું તો આપણને આ બાબતની પૂરી ખાતરી થશે. તેઓ એકબીજાં વાતો કરતાં જણાશે : “મારી બા બોલતી હતી કે ફલાણી તો ખરાબ છે.” મારી કાકી કહેતાં હતાં કે પણે ગરનાળું છે ત્યાં એકલાં જતાં તો હું ફાટી જ પડું !” “મારા બાપા મારી બાને વઢતા હતા ને કહેતા હતા કે શા માટે એને ઘરમાં જ આવવા દીધો ? એ તો લુચ્ચો છે.” આવી અનેક વાતો બાળકો કરે છે. તેમને તેના ખરાખોટાપણાની ખબર-અખબર હોતી જ નથી; પણ બધાં બોલતાં હતાં, બધાં બોલનારાં મોટાં હતાં તેથી તે પ્રમાણે હશે, તેમ તેઓ માને છે.
આપણે બોલીએ છીએ તે ઉપરથી બાળકો સામાન્ય રીતે આપણી આસપાસનાં માણસો તરફ કેમ જોવું, કેમ વર્તવું, વગેરે શીખે છે.
“ફલાણીને ઘેર માગવા જઇએ તો દે એવી નથી એને શાનું દેવું ?” “ફલાણીને મોટરનો ગર્વ છે તે મોટરમાં બહુ પહોળી થઈને બેસે છે !” "ફલાણા તો મારી ખાય છે, ને પછી ધરમ કરે છે; એમાં શું વળ્યું ?” બાળકો આ સાંભળે છે. તેઓ પ્રથમ એમ બોલવા અને પછીથી માનવા લાગે છે; તેમ માનવા લાગતાં તેમની મનોવૃત્તિ પણ આપણા જેવી જ થાય છે.
ઘરમાં બાળકો સાંભળે છે : “એ આપણે ત્યાં ન પાલવે. આપણે ત્યાં આવવું હોય તો આવે નહિતર રહેવા દે. અહીં રહેવું હોય તો કરવું જ પડશે.” “એ તો હું, તે એને રોજ રાંધીને ખવરાવું ને એ બધી પગ ઉપર પગ ચડાવીને બેસે !” “એવી નકામી માથાઝીક કરવાની મારે નવરાશ નથી. આવે તો કહેજો કે એ તો બહાર ગયા છે. આજે તમને મળી નહિ શકે.”
બાળકો સાંભળે છે. એમના કાન ક્યાં જાય ? તેઓ સમજે છે ને આપણી પાસેથી શીખે છે : શા માટે કોઈને માટે તસદી ઉઠાવવી ? શા માટે મફત કોઇને રહેવા દેવું ? બરાબર લાભનો વિચાર કરવો. શા માટે જૂઠું બોલીને સટકી ન જવું?
ઘરમાં વાતો થયા જ કરે છે : “પેલી છોકરી જોઇ ? સાવ ગાંડા જેવી છે. એને બેસવા-બોલવાનો ધડો? એની માએ એને બગાડી મૂકી છે.” “બાપુ! ઓરમાન મા હોય તે એને શું ? સાચી મા હોય તો આ હાલ થાય કે ? કોઇની મા મરશો મા.” “એ રાઘવજીની વાત કરો મા. મારા કાન દુખે છે. રેઢિયાર! કોણ જાણે બાપ હશે કે રાક્ષસ ? છોકરાને કાંઇ ઢીબે છે!” બાળકો આ પણ સાંભળે છે, અને વગર મહેનતે વિચારે છે : “હં, એની મા ખરાબ; હં, એનો બાપ રાક્ષસ; હં, એ તો આવો ને એ તો આવો.”
ઘરમાં બધાં ભેગાં થઇને નાનપણની વાતો કરે છે: “બા! મને તો કોઇ અડે તો એવી રાડો પાડું, એવી રાડો પાડું કે ગામ આખું ગજવું. મારા બાપા ફોજદાર, તે અડનારની ધૂળ કાઢી નાખે !” “મને નિશાળે જવું ન ગમતું, પણ આપણે તે ખોટું ખોટું માથું દુખવા લાવીએ.” મારી બા મને મારે નહિ એટલે હું તો ખોટું બોલું. માત્ર એક વાર પકડાઇ ગયો હતો; તે પણ એક જ વખત!” છોકરાં તે સાંભળ્યા જ કરે છે; તેમને ઘણા પાઠો મળે છે.
“મારી અઘરણી ન થઇ તે ન થઇ! એ રાંડ પેલી મારી નણંદે બધું કર્યું.” “મારે આ જીવી પેટમાં હતી ત્યારે મારે માથે કાંઇ દુઃખ પડ્યું છે ! ભૂંડું થજો એ સાસુનું.” “ભાઈ! બાપ તો નાનપણમાં મરી ગયો ને કાકો એ તો કાકો જ ! કાંઇ મારે માથે કરી છે? હવે કાકા મળે તો સામું પણ ન જોઉં !” નણંદ, સાસુ ને કાકા વિષેના વિરોધી ખ્યાલો બાળક ભેગા કરે છે.
ઘરમાં વાતોનો પાર નથી હોતો. “એ વળી સામે શું બોલે ? રાં...ને એક ડાંગ મારી તે માથું ફાડી નાખ્યું !”
“ભાઇ ! નવો ન્યાયાધીશ તો ઠીક છે; લાંચ આપે એનું કામ થાય. ન્યાય ન્યાયને ઠેકાણે !” “એ વળી આપણા ઘરનું વાકું બોલનાર કોણ છે? કાલે જઈને કેસ કરું.” “એ વકીલ ને વૈદ્ય; એના ધંધા જ એવા. સ્વાર્થના સગા. પૈસા મળે ત્યાં સુધી તમારા.” બાળકો ધંધાદારીઓનો સારો ખ્યાલ લે છે.
આપણે વિચાર કરવો પડશે કે આપણે ગમે તે વાતો બાળકોને કાને પડવા દઇશું? અને નહિ તો આપણી વાતચીતના વિષયો ફેરવીશું ? ને સૌથી વધારે તો આપણી જગત તરફની દૃષ્ટિમાં ફેરફાર કરીશું ? અથવા તો વધારે ભાગે મૌન રાખીશું? બાળકોને આપણે વિચાર કરવાની ને સાચું ખોટું પારખવાની શક્તિ આપીશું ને દુનિયા વિષે અભિપ્રાય બાંધી લેવા છૂટાં મૂકીશું, કે તેમને આપણા જ અભિપ્રાયમાં ઉછેરી તેમના પોતાના અભિપ્રાયોનો નાશ કરીશું ?