મા બાપ થવું આકરું છે/એટલો બધો કયા કામમાં હતો ?
| ← સાચો બનાવ | મા બાપ થવું આકરું છે એટલો બધો કયા કામમાં હતો ? ગિજુભાઈ બધેકા |
પણ એ મારું ક્યાં માને છે ? → |
ચંદન તાવને લીધે પથારીમાં તરફડિયાં મારતી હતી. ૧૦૫ ડિગ્રી તાવ છે એમ સાંભળી એની બા ચિંતાથી ઊભી હતી શંકર પટાવાળો દોડતો દોડતો બરફ લેવા ઊપડી ગયો હતો. જીવનભાઈ દાક્તરને બોલાવવા ક્યારના ગયા હતા.
ચંદનનું માથું દાબતાં દાબતાં હું મારા મનમાં ગણગણ્યો: “ આ ચંદનને તાવ કેમે કરી ઊતરતો જ નથી. બેપાંચ દિવસ થાય છે ને આવીને ઊભો જ રહે છે. દવા તો કેટલા યે દિવસથી ચાલે પણ કારી ફાવતી નથી.”
ચંદન ખૂબ ગભરાતી હતી; માથા ઉપર હાથ પછાડતી હતી. તેના માથાનો દુખાવો અત્યંત હતો. એની બા બોલી: “ઘરમાં છે કોઈ કાળજી રાખનાર ? રોજ એને દવાખાને લઈ જવી જોઈએ; આ દાક્તર નહિ તો બીજાને બતાવવી જોઇએ; અહીં નહિ તો બીજે ગામ જવુ જોઇએ. પણ ચંદનની ક્યાં કોઈને પડી છે?”
મારા મનમાં ચંદન માટે દુઃખ થતું હતું, તેમાં તેની બાએ વધારો કર્યો. ચંદન પણ અસ્વસ્થ હતી; તેમાં આ શબ્દોએ અસ્વસ્થતા અને ગડબડ વધાર્યા સિવાય બીજી શું કર્યું હશે ?
બરફ આવ્યો ને મેં તે ચંદનને માથે મૂક્યો ચંદનને કંઈક ઠીક લાગતું હતું; તાવ જરા ઓછો થતો જતો હતો.
એટલામાં દાક્તર કાકા આવ્યા.
“કેમ, ચંદનને વળી પાછો તાવ આવ્યો કે? કેટલો છે ?”
“તમે ઉતારો ત્યારે ના ? અત્યારે સાડાત્રણ છે.”
“તમારે દવા જ ક્યાં કરવી છે ? પાણીના ડૂવા આપો છો; પણ એમ છે, કે કંઇક સારી દવા આપીએ તો ફરી તાવ આવે જ નહિ ?” ચંદનની બા દાક્તર પર ઊતરી પડ્યાં.
દાક્તર જાણે કે ઘરના જેવા હતા; ઘણા ધીરજવાળા હતા. જાણે કે કશું સાંભળતા ન હોય તેમ તે બોલ્યા : “આજની ચંદનની દવા લાવો જોઇએ ? કેટલા ટંક પીધી છે?”
હું શીશી લેવા ઊઠ્યો. પણ શીશી લાવું તે પહેલાં જ ચંદનની બા એટલી: “દવા પીધી છે જ કોણે ? છોકરી પણ એવી છે કે દવા પીવાના કજિયા! એ આવી છે એટલી તે એટલી પડી! એક ટીપું યે પીધી નથી.’
ચંદને સાચે જ દવા પીધી ન હતી.
દાક્તર જરા ખિજાઈને બોલ્યા : “ત્યારે તાવ કેમ અટકે? આ આજની દવા તાવ અટકાવવાની હતી પણ ચંદને તો પીધી જ નથી ! પાવી હતી તો ખરી ?”
ચંદનની બા ભભક્યાં : “ઘરમાં કોણ છે જે દવા પાય ? હું આ ઘરનું કામકાજ કરું, રસોઈ કરું, નાનાં છોકરાંને નવડાવું–ધોવરાવું કે દવા પાઉં? હવે તો હું હરવાળી છું, ને ચંદને તો માથું ફેરવી દીધું છે. દવા પીવી નહિ ને માંદાં પડવું!”
ડાહ્યા દાક્તરે કહ્યું : “આપણે જરા બહાર બેસીએ; ચંદનને ગડબડ થાય છે. ચંદન માટે આ દવા આણી છે તે પાઈ દ્યો; હમણાં તાવ ઊતરશે.”
મોઢું ચડાવીને એની બા ચંદન પાસે બેઠાં, અને દાક્તર અને હું બહાર આવ્યા. દાકતરે મને કહ્યું: “ભલા માણસ ! ચંદનની બા તો એવાં છે, પણ તમે પણ એવા કેવા કે દવા પાવાની જ આળસ ! છોકરાં કાંઇ એની મેળે દવા થોડીક જ પીએ છે ?”
મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો: “પણ દાક્તર સાહેબ! હું જરા કામમાં હતો.”
દાક્તર મિત્રભાવે ચિડાઈને બોલ્યા : “એટલા બધા તે કયા કામમાં હતા ? દિવસમાં ત્રણ વખત દવા પાવાની, એમાં તે કેટલાક કલાક જતા હશે? કેટલું કામ ખોટી થઈ જતું હશે? એમ કહોને કે દવા પાવાનો સૌને કંટાળો ને સૌને આળસ ! અને પછી ‘દાક્તર દવા નથી આપતા, સારી દવા નથી આપતા, બીજે ગામ જવું જોઇએ.’ એવું બીજાને માથે નાખી દેવું ? તમારી બધાની – અને સમજુ છો છતાં આવી કુટેવ તે કેવી ?”
હું સડક થઈ ગયો; કંઇ જ બોલ્યો નહિ. દાક્તર મારી શરમ જાણી ગયા તે ‘સાહેબજી’ કહી સૂચનાઓ આપીને ઘેર ગયા.
ચંદનનું માથું ચાંપતો ચાંપતો હું વિચાર કરવા લાગ્યો. વારંવાર હું જાતને પૂછવા લાગ્યો : “એટલો બધો કયા કામમાં હતો ? સવારમાં ઊઠીને છાપું વાંચ્યું એ એટલું બધું કામ કહેવાય ? છાપું વાંચી હાથે હજામત કરી ચા પીધી એ એટલું બધું કામ કહેવાય ? ચા પીને ટપાલ વાંચી એ એટલું બધું કામ કહેવાય ? ટપાલ વાંચીને મિત્રો આવ્યા તેમની સાથે ફડાકા માર્યા એ એટલું બધું કામ કહેવાય ? એમાં અગિયાર વાગી ગયા ને નવ વાગ્યાનો પહેલો ટંક દવા ન અપાઈ, તે શું એટલા બધા કામને કારણે ? અગિયાર વાગે જમ્યા ને જરા આરામ લીધો; સાડા બારે ઊઠ્યા ને જરા ચોપડી ફેરવી; એટલામાં બીજો ટંક ચાલ્યો ગયો. એટલા કામને કારણે બીજા ટંકની દવા રહી ગઇ ! અને ચંદન તો છોકરું, કડવું ક્વિનાઈન પીવું કેમ ગમે ? શું કામ દવાનું સંભારે ? અને એની બાને તો હું જાણું છું. દાક્તરને કેવું સંભળાવતી હતી ? ત્રીજા ટંકની દવા અપાય તે પહેલાં તો તાવ આવ્યો ને દોડાદોડ થઇ રહી. દાક્તર ખરું કહે છે કે મારો જ વાંક છે. દવા આપ્યા વિના સાજા થવાની વાત કરનાર મારો જ વાંક છે. ખોટા ખોટા એટલા બધાં કામમાં રહેનાર મારો જ વાંક છે !”