મા બાપ થવું આકરું છે/એ તો રોયો નીંભરો છે
| ← પણ એ મારું ક્યાં માને છે ? | મા બાપ થવું આકરું છે એ તો રોયો નીંભરો છે ગિજુભાઈ બધેકા |
આનું તે કરવું શું ? → |
“એલા ખાવા ઊઠે છે કે? આ ખાવાનું ઠરી જાય છે. ક્યારની કહું છું તે સારતો નથી, રોયા!”
“એ બાડી! આ ઘડીએ આવ્યો. આ એક છેલ્લો ખાડો ખોદવો છે.”
“એ તારો ખાડો ખાડામાં પડ્યો. જમવા ઊઠે છે કે નહિ ? મારે તે બેસી ક્યાં સુધી રહેવું?”
“લે, આ આવ્યો બા! આ ખાડો ખોદાઇ રહેવા આવ્યો છે.”
“હવે ઊઠે છે કે નહિ ? નીકર આ એંઠા હાથે આવીને ધખાડી નાખીશ. રોયા નીંભરા ! કહી કહીને જીભના કૂચા વળી ગયા તો ય તે તારે તો ગગનમાં ગાજે છે !”
“બાડી ! આ હાથ ધોઇને આવ્યો.”
“આ રોયા નીંભરાનું કરવું શું?”
“આ છનકાને આજ બે સોટી મારો.”
“છે શું ? એલા છનકા! આમ આવ જોઇએ.”
“એ માર્યાના જ લાગનો છે. આજ તો બે સોટી સબોડો; એ વિના મારું નહિ માને.”
“પણ હતું શું?”
“રોયો નીંભરો થઈ ગયો છે.”
“પણ હવે પાણી લાવ; જરા તરસ લાગી છે. આ પાઘડી તો ઉતારવા દે !”
“પાઘડી પછી ઉતારજો. એકવાર આ છનકાનું કરો. જુઓ કેવો ગરીબગોલો થઈને મિયાંની મીંદડી જેમ ઊભો છે!”
“એલા છનકા ! શું કર્યું ?”
“બાપુ ! કાંઈ નથી કર્યું. એ તો હું કોડીઓ દાટવા ફળિયામાં ખાડા ગાળતો’તો. બાએ કહ્યું કે ઝટ જમવા ચાલ; ઠરી જશે. મેં કહ્યું, આ ખાડો ગાળીને આવું છું. ત્યાં તો બા ખિજાઈ ગઈ !”
“જરાક ખમવું’તું. એમાં કેટલી વાર ?”
“તે હું ક્યાં સુધી રસોડામાં બેસી રહું ? ત્યાં ઉનાળામાં ચૂલા પાસે બેસી જુઓ તો ખબર પડે!”
“તો જરાક ઢાંકી મૂકવું’તું; ખાઇ લેત એની મેળે.”
“પણ એમ તો બધું ઠરીને સાવ ઠીકરું થઈ જાય, એનુ શું ?”
છનો કહે : “પણ મને ક્યાં કોઇ દિવસ ઊનું ભાવે છે?”
“જુઓ. સાંભલો છો ને ? કેવા બરબરિયાં કરે છે! હવે તો બેને બદલે ચાર સોટી મારો.”
માએ છોકરાની દેખતાં ફરિયાદ ન કરી હોત તો ચાલી શકત. પોતાની સામેની ફરિયાદો ને ઠપકાઓ સાંભળી બાળક નીંભરું નથી થતું? ઑફિસમાંથી થાક્યા-પાક્યા આવનાર છોકરાના બાપને જરા મોડી ફરિયાદ કરી હોત તે સારું નહોતું ? નીંભરો થઇ ગયેલો છોકરો બે સોટી ખવરાવવાથી કાંઈ થોડોક ઠેકાણે આવી જવાનો ? છોકરા માટે ખાવાનું ઢાંકીને બા રસોડામાંથી નીકળી ગઈ હોત તો ન ચાલી શકત ? અને પાછળથી બાળકને પાસે બેસાડી વહાલથી ‘આપણો ખાવાનો વખત તો ફલાણો ફલાણો છે.’ ‘કોઇ મોડું ઓવ્યા કરે તો પછી ખાવાનું આખો દિવસ ચાલ્યા કરે અને બીજું કામ જ ન થાય.’ એમ બાળકને સમજાવી ન શકાત ? અંગ્રેજીમાં કહેવત છે કે એક ઔંસની સમજાવટ એક શેર મારની બરાબર છે.