મા બાપ થવું આકરું છે/કાકી ઘરમાં બોલાવે છે
| ← ભૂખલપણું | મા બાપ થવું આકરું છે કાકી ઘરમાં બોલાવે છે ગિજુભાઈ બધેકા |
શામજીભાઈને ઘેર → |
નાનપણનો એક પ્રસંગ યાદ આવે છે. મારે ત્યાં મારો એક મિત્ર મારી સાથે રમવા આવેલો. અમે રમતા હતા એટલામાં મોટી બેન આવીને બોલી : “ભાઈ! કાકી તને ઘરમાં બોલાવે છે.”
હું ઘરમાં ગયો અને કાકીએ મને બદામની પૂરી આપી. મને કહે : “અહીં ખૂણામાં બેસીને ખાઇ લે. ત્યાં બહાર તો તારો ભાઈબંધ છે.”
મારા મિત્રને મૂકીને ખાવું મને કેમ ગમે ? મેં કહ્યું : “મારે નથી ખાવું; પછી ખાઈશ.”
કાકી કહે : “લે હવે ખાતો જા ને? ઝટ કર; વખતે પેલો બહાર બેઠો છે તે અંદર આવશે.” કાકીએ એવી રીતે કહ્યું કે હું વધારે બોલી શક્યો નહિ અને બદામની પૂરી ખાઈ ગયો.
મારો મિત્ર તો આતુરતાથી મારી રાહ જોતો હતો. હું ગયો એટલે રાજી થયો, અને અમે બન્ને રમવા લાગ્યા. અમે થોડુંક રમ્યા; પછી તે ગયો.
આ વાતને વર્ષો વીત્યાં છે. પણ વારંવાર મને એવું થઇ આવે છે કે જાણે હું ઝટઝટ મિત્રથી ચોરીને બદામની પૂરી ખાઉં છું ! જાણે હું કાંઈક ગુપ્ત રીતે પાપ કરું છું ! મને થયા કરે છે કે કાકીએ કહ્યું તેથી મેં આ શું કર્યુંં? મારા મિત્રને છોડીને એક ચોર બનીને મેં કેમ ખાધું?
મને વારંવાર મારી કાકી ઉપર રોષ આવે છે. એક બદામની પૂરીના ટુકડા માટે મને ચોર જેમ છૂપો રાખી ખવરાવવું? મારા મિત્રને એમાંથી ટુકડો આપવાની ના પાડવી ? મારા મિત્રને બીજો ટુકડો આપ્યો હોત તો શી ખોટ આવી જાત?
વર્ષો પછી ગયા અઠવાડિયામાં હું એક મારા સંબંધીને ત્યાં ગયો હતો. બરાબર એવો જ બનાવ બન્યો. મારા મિત્રની સ્ત્રીએ પોતાની નાની છોકરીને કહ્યું : “રઘુને અહીં બોલાવ. આ શરબત પી જાય. જો, એમ કહેજે કે ફોઈ તને શાક સુધારવા બોલાવે છે.” રઘુ શાક સુધારવા આવ્યોને છૂપીથી શરબત પીને ગયો. રઘુ છેક નાનો છે; હજી વિચાર કરી શકે એવો નથી. પણ ફોઈ તો પચાસ ને પાંચ વર્ષનાં છે. તે જૂઠું બોલ્યાં અને જૂઠું કર્યું, તથા રઘુ પાસે કરાવ્યું !
મને થયું : “ચાળીશ વર્ષો વીતી ગયાં છે છતાં હજી એની એ જ સ્થિતિ છે. જેવાં કાકી હતાં એવાં જ ફોઈ છે !”
અને મને વિચાર આવવ્યો : “વર્ષો પછી પણ એમ જ રહેશે. કાકીની અને ફોઈની શાળાઓ ચાલુ જ છે; અને એ નિશાળે રઘુ અને ચંપા શીખ્યા જ કરે છે ભલેને નિશાળમાં સાચું બોલવું ને સાચું કરવાના પાઠો ભણાવવામાં આવે? ભલે ને શિક્ષક સુધ્ધાં પ્રભાવશાળી અને શીલવાન હોય? પણ એનું શિક્ષણ નકામું જવાનું. કાકી અને ફોઈ, કાકા અને મોટાભાઈ, માશી અને મામા, સહુ નાનાં બાળકોને જ્યાં સુધી આમ છુપાઈને મિત્રને છોડીને ખાવાનું તેમ જ ખવરાવવાનું શિક્ષણ આપે છે ત્યાં સુધી નૈતિક શિક્ષણના, ધાર્મિક જીવનના, સત્ય વિચાર અને આચારના ઉપદેશો નિરર્થક છે!”
મને કહેવાનું મન થાય છે : “ઓ માતાઓ અને પિતાઓ ! ઓ દાદીઓ અને કાકીઓ ! ક્યાં સુધી તમે તમારાં બાળકોને જૂઠાણું શીખવsho? એ જૂઠાણાના પાપમાંથી તમે કયે ભવે છૂટશો ? જૂઠાણું અને છળ કરી-કરાવી તમે બાળકો અને ભાવિ પ્રજાના આત્માને ક્યાં સુધી કાળો કરશો ?”