મા બાપ થવું આકરું છે/ચંદ્રકાંત પિતા હતો
| ← બાળકો અને મહેમાનો | મા બાપ થવું આકરું છે ચંદ્રકાંત પિતા હતો ગિજુભાઈ બધેકા |
અમીદૃષ્ટિ → |
ચંદ્રકાંત વિચારવંત પિતા હતો. દાક્તર હતો એટલે તે ઘણો જ પ્રવૃત્તિમાં રહેતો; તેને પાણી પીવા જેટલી યે ફુરસદન ન રહેતી; સવારથી સાંજ સુધી તે દરદીઓની વચ્ચે જ જીવતો પણ સાંજ પડતી એટલે ચંદ્રકાંત ઘેર જ આવતો. સાંજનો એક કલાક તે દાક્તર મટી જઈ પિતા બની જતો. દાક્તરના ધંધા પેઠે તેણે ડહાપણથી પિતાનો જાણે કે ધંધો બનાવ્યો હતો, દાક્તર તરીકે જેમ તે આપેલો સમય ચૂક્તો નહિ, તેમ તે બાળકો સાથે બેસવાનો કે ફરવાનો સાંજનો સમય ચૂકતો જ નહિ. દરદીને તે બહુ કાળજીથી સાચવતો અને પેાતાનું કામ ફતેહમંદ કરવા તે અભ્યાસ અને અનુભવ વધારતો. તેમજ તે બાળકોના પિતા તરીકે સફળ થવા તે કામનો અભ્યાસ અને અનુભવ વધારતો. બેદરકારીથી જેમ દરદી ગુમાવી દેવાશે અને ધંધાને ધક્કો લાગશે એમ તે માનતો, તેમ જ તે બાળકોની પ્રત્યે બેદરકારીથી પ્રેમ ગુમાવી બેસાશે અને પિતૃત્વના દરજજાને કલંક લાગશે એમ માનતો દર સાંજે તે કાં તો છોકારાંઓ સાથે ફરવા જતો. બાગમાં જતો તો બાળકોને ઝાડોનાં તથા ફૂલોનાં નામો ને જાતો કહેતો એકાદ બૅન્ડસ્ટેન્ડ પાસે બેસતો
ત્યારે છોકરાંને ત્યાં ખીલા કરી રાખતો નહિ; ઘરની ગાડીમાં છોકરાંઓને બેસારી જ રાખવામાં તે શોભા માનતો નહિ; પોતે મિત્રો સાથે ફડાકા મારવામાં બેસી સાથે આવેલાં બાળકોને કોઇને ભળાવી દઈ તેમને બાગ જોવા મોકલતો નહિ. તે વખતે તે ઉત્તમ પિતા થવા ભારે કાળજી રાખતો હતો બીજી સાંજે એકાદ તળાવે બાળકોને લઈ જતો. ત્યાં તેમને પાણીમાં દોડાવી પાણી ઉછાળી ઊછળાવી બાળકોને મજા આપતો; પાણીનાં વહનો અવલોકાવતો; પાણી ઉપર પવનથી થતી લહરીઓ દેખાડતો; સ્થિર પાણી હોય તો તેમાં પડતાં ઝાડ—ટેકરાનાં પ્રતિબિંબો તરફ ધ્યાન ખેંચતો, અને સંધ્યાટાણે આથમતા સૂર્યનું બિંબ ટેકરી પાછળ જતાં જતાં કે દૂર ક્ષિતિજમાં અદૃશ્ય થતાં થતાં તળાવના ઉપર કેવી રંગબેરંગી છાયાઓ નાખે છે તે બાળકોને બતાવી હર્ષ પામતો; સાંજ, સૂર્યાસ્ત, સંધ્યાના બદલાતા રંગોના તળાવના પાણીમાં પડતા પડછાયા, કુદરતની શોભા અને સમૃદ્ધિ વગેરે વચ્ચે બાળકોને ઊભાં રાખી કુદરતની ભવ્ય ગંભીર છાપ તેમના અંતર ઉપર પડવા દેતો. વળી ત્રીજી સાંજે બાળકોને જનસમૂહનાં દર્શન કરાવતો; રેલવે એન્જિન પાસે તેમને ઊભાં રાખી એન્જિન અને તેના સંચા દેખાડતો; એન્જિન કેમ ચાલે છે તે સમજાવતો. તે ભૂલી જતો કે પોતે દાક્તર છે. છતાં દાક્તર શરીરના ભાગો બતાવે તેમ તે સંચા બતાવતો. તે એન્જિનિયર ન હતો પણ પિતા હતો. પિતાનું જીવન સફળ કરવા તેણે પિતાના ધંધાને લગતું પરચૂરણ કામ જાણી લીધું હતું. છોકરાંઓને પિતા પ્રત્યે ખૂબ આદર રહેતો. તેમના જીવનને નિત્ય નવી નવી વસ્તુથી ભરી દેનાર પિતા જ બાળકોને પિતા લાગે છે, ઘણાં બાળકોને પિતા ફોજદાર લાગે છે, ઘણાંને તે વકીલ લાગે છે, ઘણાંને તે દાક્તર લાગે છે. ઘણાંને દુકાનદાર વાણિયો લાગે છે, ઘણાંને તે મહેતાજી લાગે છે; પણ ભાગ્યે જ થોડાં બાળકોને પિતા, એ પિતા લાગે છે. ચંદ્રકાંત પોતાનાં બાળકાને જુદે જુદે સમયે જુદો જુદો લાગતો હતો. કોઈ વાર બાગવાન લાગતો હતો, કોઇ વાર સુતાર–લુહાર લાગતો હતો, કોઈ વા૨ કવિ કે ચિત્રકાર લાગતો હતો; બધું લાગતો હતો છતાં એકંદરે તે પિતા લાગતો હતો. બાળકોના મન પર એવી છાપ પડતી હતી કે અમારા બાપા, બાપા છે–પિતા છે.
ચંદ્રકાંત દાક્તરનાં બાળકો ભાગ્યશાળી હતાં કેમકે તેમને પિતા સાંપડ્યો હતો. પોતે પણ ભાગ્યશાળી ગણાય કેમકે પોતે પિતા થઈ શક્યો હતો!