મા બાપ થવું આકરું છે/છોકરાંઓને કાન છે
| ← આપણી વાતો | મા બાપ થવું આકરું છે છોકરાંઓને કાન છે ગિજુભાઈ બધેકા |
આપણા હુકમો → |
બહારથી કોઇ બેસવા આવ્યું હોય ને નવુંસવું હોય તો આપણે સૌ તેની હાજરીમાં વિચારીને બોલીએ છીએ. આમ બોલીશ તો આમ દેખાશે, આમ બોલીશ તો આવો અર્થ થશે, વગેરે વિચારો આપણી વાણીને નિયંત્રિત રાખે છે. આપણે કોઈને ત્યાં ગયાં હોઇએ તો ત્યાં પણ આપણે ઉપરના ધોરણે વરતીએ છીએ.
જ્યારે આપણે આપણા મિત્રો અને કુટુંબકબીલા વચ્ચે હોઇએ છીએ ત્યારે વળી આપણું વર્તન બીજા પ્રકારનું થાય છે. આપણે છૂટથી બોલીએ છીએ. ઉપરની શિષ્ટતા ને સામાનું સન્માન કરવાનો સામાજિક વિચાર મિત્રો પરત્વે ઓછો રહે છે; ને તેથી ઘણી વાતો એવી થઈ જાય છે કે જે બહારના માણસો સાંભળવાને તૈયાર ન હોય અથવા સાંભળીને જરા ચમકે, ગમતરમતની, મશ્કરીઠઠ્ઠાની કેટલાક પ્રકારની વાતો આવે વખતે સહજ હોય છે, ને તે કોઇને આ યોગ્ય લાગતી નથી.
મંડળીનું વર્તુળ આથી યે ટૂંકું કરીએ તો ઘરનાં માણસો રહે. તેઓ વચ્ચે તો ઘણી ઘણી જાતની વાતો ચાલે છે. તેમને બીજાંઓ શું ધારશે તેની ચિંતા વાત કરતી વખતે ઓછી હોય છે; તેઓ મોટે ભાગે બીજાંએની વાત કરતાં હોય છે. બહારનું બંધન ઓછામાં ઓછું હોવાથી તેઓ વધારેમાં વધારે છૂટાં થાય છે. તેમની વાણી ઘણી વાર શિષ્ટતાની પરવા નથી રાખતી. આથી તેઓ ઘણેખરે ભાગે જેવાં હોય છે તેવાં જ વાણીમાં દેખાય છે.
ઘરના માણસોમાંથી યે જ્યારે મોટાં બાળકો અને બીજાં નાનાંમોટાં દૂર હોય છે, ત્યારે સ્ત્રીપુરુષની વાણી જુદા પ્રકારનું સ્વરૂપ લે છે. આ વખતે તેઓ પોતાની ખરી ખાનદાની કે જંગલીપણું વાણી દ્વારા પણ પ્રગટ કરે છે. આ વખતે તેમને કોઇની ભીતિ નથી. તેમને ‘આમ કહેવાશે’ તેવો વિચાર સરખો પણ નથી હોતો. તે મનગમતું, મનમાં આવતું ફેંકે છે. અતિ મીઠી વાણી પણ આ એકાંતને પ્રસંગે વપરાય છે ને કડવામાં કડવી વાણી માટે પણ આ જ પ્રસંગ છે.
આ બધા પ્રસંગોએ આપણાં બાળકો તો આપણી આસપાસ હોય જ છે. બાળક આપણી સાથે રહે છે. તે મનુષ્ય પ્રાણી છે; તેને કાન અને સાન બને છે. તે આપણને બધો વખત જુએ છે ને જાણે છે. સંગતિથી તેના પર આપણી છાપ પડે છે.
હવે જ્યારે બાળક જુદા જુદા પ્રસંગે આપણને જુદી જુદી રીતે બોલતું સાંભળે છે ત્યારે પ્રથમ તો તે ભારે મૂંઝવણમાં પડે છે. હમણાં જ ઘરમાં બા-બાપા બાઝતાં હતાં; હમણાં જ બહારથી બીજાં આવ્યાં એટલે હેતથી વાત કરતાં હોય તેવાં દેખાવા લાગ્યાં ને તેવી વાતો કરવા લાગ્યાં હમણાં પિતાશ્રીને શોભે એવી વાણી તેમણે ન વાપરી; નોકર ઉપર ક્રોધ કરતા હતા, પણ આ પેલા ભાઈ મળવા આવ્યા ત્યારે તે અત્યંત શાંતિથી-આવનાર ઉપર ગુસ્સે થવાય એવી વાત તે કરતો હતો છતાં પણ શાંતિથી સાંભળતા હતા, ને કશું પણ બોલ્યા નહિ. વિદ્યાર્થીઓ આગળ બાપા એક શબ્દ વધારે ઘટાડે બોલતા નથી, તેમની સાથે હસે છે તે પણ માપીને કે તોળીને; અને આ મારા ફલાણા કાકા ને ફલાણા મામા આવે છે ત્યારે તો બોલ બોલ કરે છે, ખડખડ હસે છે. બા હમણાં જ નાની ફોઈને ઘરમાં તો ગાળો દેતી હતી ને તે આવ્યાં એટલે “આવ્યાં, મા !” કહીને ઊભી થઈને ચાકળો નાખી દીધો ! પાડોશીની દીકરી એકલી ઘરમાં આવે છે તો બા કે બાપા કહે છે : “ચાલી જા ! અહીં કેમ આવી, અત્યારમાં ? આ ઊઠીને આવી જ છે ! કાંઇ કામબામ છે કે ?” પણ જો તે એની મા સાથે આવે છે તો કાકા છે : “અલી ચંપી! અત્યારમાં ક્યાંથી? વહેલી ઊઠતી લાગે છે ? લે આવ, તને કંઇક આપું રોજ વહેલી આવતી હોય તો ટપુની સાથે તને ય કંઇક મળે ના !” બા ને બાપા, કાકા ને મામા, રામજીભાઇ ને દામજીભાઈ, સૌ વારે વારે જુદે જુદે વખતે કેવું ય જુદું જુદું બોલે છે. બાળક નજરોનજર સઘળું ભાળે છે ને કાનોકાન સાંભળે છે. તે વિચારે છે : “આમ કેમ ?”
ધીરે ધીરે બાળક પલોટાઈ જાય છે. તે પણ ઘણા વેશો ધારણ કરવાનું શીખતું જાય છે. જુદા જુદા માણસો પ્રમાણે જુદા જુદા વેશ કરતું જાય છે. મોટાંઓના વિસંવાદી જીવનમાંથી તે વિસંવાદનો, દંભનો, ઉપરની શિષ્ટતાનો ને અંદરના અપ્રમાણિકપણાનો પાઠ લે છે. પરિણામે જેવાં આપણે છીએ, જેવો આપણો વ્યવહાર છે, જેવી આપણી સ્થિતિ છે તે બધું આપણે તેને આપીએ છીએ અથવા વધારે ખરું તો બાળક તેનું વારસ બને છે. આપણે આ બાબતમાં શું કરી શકીએ ? આપણે જીવનમાં એકરાગ-એકરૂપતાના, એકતાના સંવાદને યોગ્ય અને સાચું સ્થાન આપીશું કે બાળકોને કાન-સાન છે માટે તેનાથી બધું છાનું જ કરીશું ? આપણે ધીમે ધીમે ગમે ત્યારે એ કરીએ ને જીવનનો આ પ્રશ્ન ઉકેલીએ. પરંતુ ત્યાં સુધી આપણે એટલું યાદ રાખીએ કે “છોકરાંઓને કાન છે.”