લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/ટોકણી

વિકિસ્રોતમાંથી
← બાળકમાં અશ્રદ્ધા મા બાપ થવું આકરું છે
ટોકણી બનાવી
ગિજુભાઈ બધેકા
અપાવી દે →


[ ૧૪ ]
ટોકણી
 

જેઓને વારંવાર દવા લેવાની ટેવ પડી ગયેલી હોય છે તેઓને દવા બહુ જ થોડી અથવા સાવ જ નહિ જેવી અસર કરે છે. દાક્તરને દિનપ્રતિદિન દવાનું પ્રમાણ વધારવું જ પડે છે. દાક્તર આવા દરદીઓને ‘ક્રૉનિક પેશન્ટ્સ’ કહે છે. દાક્તરો દવા આપ્યા કરે છે, દરદીઓ દવા પીધા કરે છે, રોગ આગળ વધે છે, ને જીવન ઘસાતું જાય છે!

આનું કારણ શું? મૂળ કારણ માણસ માંદો પડ્યો તેમાં છે. તેણે જો આરોગ્ય જ સાચવ્યું હોત તો તેને દવા પીવી ન પડત; બીજું કારણ દાક્તરે તેને નીરોગી રહેવાને માર્ગે મૂકવાને બદલે માત્ર રોગ જ મટાડવાના પ્રયત્ન કર્યો; ત્રીજું કારણ રોગ જેમ જેમ ન મટતો ગયો તેમ તેમ વધારે ને વધારે તેજ ડોઝો આપવામાં આવ્યા. હવે દાક્તરો અને શરીરશાસ્ત્રીઓ માનવા લાગ્યા છે કે આ દવાના ઉત્તેજકો અને મંદ પરિણામોમાંથી મુક્તિ આપવા માટે દવાખાનાને બદલે આરોગ્યગૃહો બાંધવાં જોઈએ; દાક્તરોની જગ્યાએ હવે આરોગ્યશાસ્ત્રીઓએ આવવું જોઇએ; દવા લેવા દોડનાર દરદીને દવાને બદલે પહેલેથી શુદ્ધ હવા ખવડાવવી જોઈએ.

આ વિચારસરણીથી બાલશિક્ષણમાં ટોકણીના સ્થાનને જોઇએ. આપણને વારંવાર માબાપો તરફથી કહેવામાં આવે છે કે “ભાઈ! આ છોકરાંઓનું તે શું કરવું ? કહી કહીને થાકી જઇએ છીએ પણ છોકરાંઓ સાંભળતાં જ નથી એક વાર કહીએ છીએ તે તો જાણે કાનતળે જ કાઢે છે! પાંચ-પચાસ વાર કહીએ ત્યારે જરાક ધ્યાન આપે છે. આનું તે કરવું શું ? જેમ વધારે કહીએ છીએ એમ વધારે ગણકારતાં નથી. આનો કંઈ ઉપાય?”

ઉપર જોયું કે દવાઓ જેમ વધારે લેવાય તેમ તે વધારે લેવાની જરૂર પડે છે, ને ત્યારે જ તે અસર કરતી દેખાય છે. ટોકવાની બાબતમાં પણ એમ જ છે. જેમ વધારે ટોકતા જઇએ તેમ ટોકવાનું વધારે ને વધારે વધતું જ જાય છે. જેમ દવા લાંબે વખતે કામ નથી કરતી પણ સદી રહે છે, તેમ જ લાંબે વખતે તેનાં તે જ વચનો અસર નથી કરતાં; સાંભળનાર રીઢો થઇ જાય છે. તેને થાય છે કે “એ તો કહ્યા કરે. રોજનું થયું; દિવસ આખાનું થયું; કહેવાની એક ટેવ પડી. આપણે તો કરીએ છીએ તે કર્યા કરીએ !” ટોકવાથી આવી માનસિક વૃત્તિ બાળકમાં પણ આવે છે.

મૂળ દોષ બાળકો સાથે કામ કેમ પાડવું તેમાં છે. મોટે ભાગે બાળક આપણું કહેવું સાંભળવા ને તેમ કરવા ખુશી હોય છે. તેની સ્વાભાવિક મનની વૃત્તિ તંદુરસ્ત હોય છે. તે ઊલટું ના પાડ્યા છતાં કામ કરવા દોડે છે; કામ કરવા ન દઇએ તો તે રડે છે. પરંતુ આપણે જ તેની આ નીરોગી અને સ્વાભાવિક વૃત્તિને અનારોગી અને માંદી કે વિકૃત કરી નાખીએ છીએ. જ્યારથી આપણે બાળકમાં રહેલી કામ કરવાની, કહ્યું કરવાની, આપણને સાંભળવાની વૃત્તિને રોકીને અટકાવીએ છીએ ત્યારથી ટોકવાનું કામ શરૂ થાય છે. એક વાર બાળકનો સ્વાભાવિક જુસ્સા રોક્યો એટલે તે પાછું પડ્યું; તેને આઘાત પહોંચ્યો; તે પાછું વળ્યું; તેના કાન બંધ થયા; તેના અંતરમાં આપણો અવાજ જતો અટક્યો. આપણે જ તેના કાન બહેરા કર્યા અને આપણે જ તે નથી સાંભળતું તેની ફરિયાદ કરવા બેઠા ! તેનો ઉપાય પૂછવા નીકળ્યા ! આપણે જ તેને માંદું પાડ્યું ને દવા આપવાની શરૂઆત કરી. પરંતુ પ્રશ્ન એ છે કે રોગ લાગુ થયો તેનું શું? જેમ જેમ ટોકણીનો ડોઝ વધારતા જઈએ છીએ, તેમ તેમ તે વધારે ને વધારે નીંભરું થતું જાય છે. અને બરાબર આમાં જ ન સાંભળવાનો, ન માનવાનો માનસિક રોગ જડ ઘાલી બેઠાનું મૂળ છે. બેશક દરેક વધારેલા ડોઝથી બાળક થોડો વખત સાંભળશે, માનશે; પરંતુ જેમ બીજા ઉત્તેજકોથી શરીર આખરે પાછું પડે છે, તેમ જ ગાળો વગેરે ટોકણીથી ઉત્તેજિત થયેલ મન પાછું પડે છે ને વધારે મંદ થતાં વધારે ટોકણી માગે છે. આખરે તો તે સાવ હાથથી જાય છે. તેને કશા શબ્દોની અસર થતી નથી–જેમ આખરે કોઈ પણ દવા પેટમાં રહેતી જ નથી તેમ.

આપણે ટોકણીના ઉત્તેજકોથી બાળકને દૂર રાખીએ. તેને દવાને બદલે હવા આપીએ. તે જ્યારે સ્વાભાવિકપણે આપણું કહ્યું કરવા અને સાંભળવા તૈયાર હોય છે, ત્યારે તેની તેમ કરવાની મરજી અને શક્તિને વધારીએ; અને જ્યારે તેમ કરવાની મરજી ન થાય ત્યારે તેને છોડી જ દઇએ.