લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/તું સાંભળતી નથી

વિકિસ્રોતમાંથી
← શામજીભાઈને ઘેર મા બાપ થવું આકરું છે
તું સાંભળતી નથી
ગિજુભાઈ બધેકા
આપણી વાતો →


[ ૨૨ ]
તું સાંભળતી નથી
 

“બા હું તને પીરસવા માટે ઝીણી ઝીણી ઘણી બાબતો કહું છું પણ તું સાંભળતી નથી; ને પછી હું પૂરું ખાધા વિના ઊઠી જાઉં છું” જમતાં જમતાં નાની લલી કંટાળા સાથે લાચારીથી બોલી.

નાની લલી સાત વર્ષની છે, પણ તેની બુદ્ધિ તેજ છે. તે ઝીણી ઝીણી વાતો સમજે છે, ને બધું ભાષા દ્વારા વ્યક્ત કરે છે.

નાની લલીને બીજાં ચાર ભાંડરડાં છે. ચાર ભાંડરડાં અને એક પિતા બધાં સાથે જમવા બેસે છે. બાના મનને રહે છે કે ઊની ઊની ખાખરી કરતી જાઉં અને સૌને ઊનું ખવરાવતી જાઉં; એમ પણ છે કે સૌ સાથે બેસે અને આખું ઘર વાતો કરતું જાય એ સારું લાગે. પણ જમવાવાળાંઓને ઘડીક આ જોઇએ ને ઘડીક તે જોઇએ; વારાફરતી કંઈ ને કંઈ માગ્યા જ કરે. એકલી બા સૌને પહોંચી વળવા ધારણા રાખે, પણ ગરમ ભાખરી કરતાં જવું ને પીરસતાં જવું એ બંને ઝટઝટ ન જ થાય. આવા સંજોગામાં-નાની લલીએ ઉપલા શબ્દો કાઢ્યા.

જમવાના, વાતોના અને રસોઇના ઘોંઘાટમાં–અવાજમાં આ શબ્દો કોણ જાણે બીજાએ સાંભળ્યા હોય તો; પણ મેં એ સાંભળ્યા ને મારા મનમાં ભરાઈ ગયા.

હું વિચાર કરવા લાગ્યો : “આનું શું કરવું ? સાચેજ લલી બા પાસેથી કંઇ ને કાંઈ ઝીણું ઝીણું માગતી હોય છે; પણ મોટાંઓની વાતોમાં કાં તો બાને કંઇ સંભળાતું નથી, ને કાં તો બાનુ ધ્યાન જ બીજે હોય છે. બાને માફ કરી શકીએ પણ લલીની મુશ્કેલી દૂર કેમ થાય ?”

એક વિચાર એમ આવે છે કે બાએ અગાઉથી બધું રાંધી રાખવું ને પછી બધાંને નિરાંતે પીરસવું. બા કહેશે: “પણ ગરમાગરમ રોટલી કે ભાખરીનું શું કરવું ?” હું કહું કે કાં તો એટલી ચપળતા કેળવો કે બધે ધ્યાન આપી શકાય, અને કાં તો જરાક ઠંડું ખાવાનું-ખવરાવવું પસંદ કરો. જમતી વખતે રસોઈ સારી અને ગરમાગરમનો પ્રશ્ન મહત્ત્વનો છે તેથી યે વધારે મહત્ત્વનો પ્રશ્ન બાળકો તે રસોઈ ધરાઈને ખાય, અર્થાત્‌ તેમને એવી સરસ રીતે પીરસવામાં આવે કે તેમને ખાવાની તૃપ્તિ મળે, તે છે. બાને ઘેર રસોયો હોય ને બા ગરમાગરમ પીરસવાની વ્યવસ્થા કરે તો ભલે ગરમ રસોઇ આપવાની તેની ઈચ્છાને પાર પાડવા દઈએ. (અગર જોકે બહુ ગરમ રસોઇ ખાવા-ખવરાવવાની ટેવ દાંતને નુકસાનકારક છે, ને તે વધારવા જેવી નથી. ) પરંતુ નહિતર તો બા ચૂલે ગરમ રાખી મૂકેલી રસોઇ સૌને હેતપ્રીતથી સૌની માગણી પ્રમાણે પીરસે એ જ સારું છે. એક વિચાર એવો છે કે બાએ રસોઇ તૈયાર કરવી ને પછી તેણે પણ સાથે બેસવું ને સૌએ સાથે જમવું. નાનું એવું કુટુંબ હોય તો બા બેઠી બેઠી પીરસે અને બીજાં આજુબાજુ જમે. બાને પીરસવું ગમે છે કારણકે તે બા છે, કારણકે તે પોષણ આપનારી છે. બાળકોને-જગત આખાને પ્રથમ તો પોતાનામાંથી પોષણ આપે છે. એ જ અન્નદાતા, અન્નપૂર્ણા મા સીધી રીતે નહિ તો રાંધી-પીરસીને આપણને પોષવાની વૃત્તિ તૃપ્ત કરે છે; એમાં તે પ્રસન્ન રહે છે; એમાં તે પળે પળે માતૃત્વની સંપૂર્ણતા કેળવે છે અને તેનો આનંદ અનુભવે છે.

જેમ બાને ધવરાવતાં ધવરાવતાં બાળક ઉપર ઉમળકો આવે છે ને ધાવણ અમૃતરૂપ થાય છે, તેમ પીરસતાં પીરસતાં બાનું હૈયું કોળે છે અને તેના મનમાં આનંદના ઉમળકા આવે છે. એમ કહેવાય છે કે ભલે રોટલા ને મીઠું પણ બા ખવરાવતી હોય ને વાંસા ઉપર હાથ ફેરવતી જતી હોય, તો છોકરાંને શેર લોહી ચડે છે ! ખવરાવતી વખતે બાળકોને પંપાળવાની-ચાટવાની કુદરતી ટેવ ઢોરોમાં પણ છે. બાના પીરસવાનો-ખવરાવવાનો હક બા પાસેથી દુરાગ્રહથી છોડાવવો ઠીક નથી; બાની જગ્યા રસોયો લઈ લે ને બા માત્ર એક જમનારી શેઠાણી થઇ બેસે એવું બાને ગમે તો બાનું બા-પણું ઓછું થાય છે કે નહિ તે વિચારવા જેવું છે છતાં તે પ્રશ્નનો વિચાર બાને જ સોંપીએ. એમ જ, બા માત્ર ભઠિયારી બની જાય અને બાળકો માત્ર જમનારાં થઇ પડે એ પણ સારું નથી; એ ખરાબ જ છે. રસોઇ રસોયો કરી શકે, પરંતુ બાનો પીરસવાના-ખવરાવવાનો હક કાયમ રહેવો જોઇએ.

એવું પણ જોવામાં આવે છે કે બા રસોઇ કરતી નથી; અગર કરે છે તો જમવા પહેલાં. જમવાને વખતે બા એક મધ્યસ્થ વ્યક્તિની જેમ બિરાજે છે, ને પોતાની પાસે તમામ વાનીઓ રાખી પીરસતી જાય છે અને જમતી જાય છે. સાથે જમવાના આનંદને તે ગરમાગરમ રોટલી ઉતારીને આપી દેવા કરતાં વધારે ગણે છે, અને સાચે જ તેમ છે. બા સાથે જમે, જમતી જમતી હેતથી પીરસતી જાય, નવી નવી વાતો કરતી જાય, હસાવતી જાય, એ ચિત્ર પ્રિય લાગે છે. ઘણી સંસ્કારી માતાઓ એ ઢબે બાળકોને જમાડે છે. બા દેખરેખ રાખી રસોઈ કરાવે ને પછી જમતી વખતે અન્નપૂર્ણા થઇને બેસે એ ખોટું નથી, પણ સારું છે; એમ થતાં બા પોતાનાં બાળકોને વધારે જીવંત અને પ્રેરક લાગશે.

કેટલાંએક મોટાં કુટુંબોમાં બાને બીજી ઘણી પ્રવૃત્તિ હોય ત્યાં રસોઈ રસોયો કરે છે, ભલે તેમ થતું હોય બા, બાપા, બાળકો સૌ સાથે બેસે છે અને સાથે વાર્તાલાપ કરતાં કરતાં જમે છે; બાપા કરતાં બાની નજર બાળકોના થાળ પર વધારે દોડે છે; પ્રેમભરી દૃષ્ટિથી તે બાળકોને પીરસવાનું કે જમવાનું કહ્યા કરે છે. અને જ્યાં રસોયો કુશળ, સભ્ય અને ખાનદાન પીરસનારો હોય ત્યાં તો બા પૌષ્ટિક ખોરાકમાં પોતાની મીઠી વાતોથી પૂર્તિ કરે છે, ને ખોરાક અને પાચનમાં મદદ કરે છે. આવું પણ પોસાય ત્યાં કબૂલ રાખવા જેવું છે; એટલું જ નહિ પણ વખાણવા જેવું છે.

વિચારો અંતે એમ દોડે છે કે રસોડામાં બા એક અજાણ વ્યક્તિ ન બનવી જોઇએ. બાએ રસોઈ બનાવવાની ખટપટમાં એટલાં બધાં ન પડવું જોઈએ કે નાની લલીઓના શબ્દો તેને સંભળાય જ નહિ; બાએ રસોડામાંથી એટલી હદે નીકળી ન જવું જોઇએ કે છોકરાંને માટે રાંધનાર તો રસોયો ને જમાડનાર તો આયા અથવા ચાકરડી ! બાએ અને બાપાએ એ બાબત પર ધ્યાન રાખવું જોઇએ કે મોટાંઓની વાતો આડે બાળકોને કોઈ સાંભળે જ નહિ, અથવા નાની લલીઓની ઝીણી ઝીણી વાતો મોટા ઘોંઘાટમાં તો ક્યાંઈ પડી રહે, એવું ન બની જાય !

બાળકોને પહેલાં જમાડી લઈ પછી માબાપોએ જમવું કે કેમ એ સવાલ વિચારવા જેવો છે. કેટલાંએક માબાપોનો શોખ એવો છે કે બાળકો અને પોતે સાથે જમે તે તેમને ગમે. એમાં માબાપોની કુટુંબભાવના પ્રધાન છે. સાથે જમવા બેસવું એ એક કુટુંબગત આનંદ છે. જ્યાં બાળકોને અને માબાપોને સાથે બેસવાની સારી વ્યવસ્થા હોય, જ્યાં માબાપો જમતી વખતે માત્ર સાથે ખાય એમ નહિ, પણ સાચે જ સાથે જમે – એટલે બાળકોની દુનિયા સાથે ભળી જઈ તેમના આનંદમાં વધારો કરીને જમે, ત્યાં આ રીત સુંદર છે. ઉદ્યોગી માબાપો એકીસાથે બાળકોના પ્રસંગમાં દિવસ આખામાં થોડાં આવે છે. ત્યાં જમવાનો પ્રસંગ સૌને એક સામાન્ય આનંદનો બની શકે. બુદ્ધિશાળી અને ભાવનાશાળી માબાપો જમવાના સ્થળને ભારે આકર્ષક અને પ્રેરાણાત્મક બનાવી શકે-બાળકોને માટે શરીરનો તેમ જ મનનો ખોરાક મેળવવાનું સ્થાન બનાવી શકે.

બાળકોને જમાડી દેવાનાં પણ કેટલાંએક કારણો તપાસીએ. માબાપોને મોડું જમવાનુ રહેતું હોય અગર માબાપો સાથે ઇતર જમનારાંઓ હોય, અર્થાત્‌ જ્યારે બાળકોને માબાપ સાથે જમાડવાનુ અનુકૂળ ન હોય, ત્યારે બાળકોને વહેલાં જમાડવાનું જરૂરનું છે. બાળકો માબાપો સાથે જ એમ વળગી રહેવાની જરૂર નથી. પણ બાળકોને જમાડવાં એટલે એક ઉપાધિમાંથી મુક્ત થવું અને પછી નિરાંતે, શાંતિથી આનંદથી ફડાકા મારતાં જમવું, એ ખરાબ વૃત્તિ છે. બાળકો આપણને જમવામાં કનડે છે માટે કાઢો તેમને જુદાં, એ સ્વાર્થદૃષ્ટિ ત્યાજ્ય હોય તો તો બાળકોને સુવ્યવસ્થિતપણે, શાંતિથી, સફાઇથી જમતાં શીખવવાની અને સાથે જ બેસવાની આપણી ફરજ છે. આપણે માટે જેમ જમવું આવશ્યક ક્રિયા છે, તેમ જ બાળકો પરત્વે સમજવું. ઉપરાંત બીજાં કારણોસર બાળક આગળપાછળ બેસી શકે છતાં જમવાની વ્યવસ્થા, શાંતિ, બાની પ્રેમપ્રેરણા, બાપાનો ઉત્સાહ વગેરે તો તેમને મળવાં જ જોઈએ, છતાં બા જમાડનાર હોય ને બાળક જમનાર હોય એમ બનતું અટકવું ન જોઈએ. બાની કે બાપાની હાજરી અને દેખરેખ તો અવશ્ય જોઇએ જ જોઇએ. બાળકો જમે એ બસ નથી; પરંતુ બાળકો સંસ્કારી વાતાવરણમાં, હૂંફમાં વાર્તાવિનાદ સાથે જમે એ જરૂરનું છે; નાની લલીની ઝીણી ઝીણી વાતો જ્યાં સંભળાય તેમ જમે એ જરૂરનું છે.

નાની લલીના થોડાએક શબ્દોએ મારી પાસે જે છૂટાછવાયા વિચારો કરાવ્યા તે અહીં ટાંક્યાં છે. માબાપો તે વાંચે અને પોતાના વિચાર ઘડે.