લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/તેડકાં બાળકો

વિકિસ્રોતમાંથી
← અપાવી દે મા બાપ થવું આકરું છે
તેડકાં બાળકો
ગિજુભાઈ બધેકા
વહેમનું શિક્ષણ →


[ ૧૬ ]
તેડકાં બાળકો
 

ઘરમાં વાતો ચાલતી હતી. ચંપાની બાએ પૂછ્યું : “આ રમુ નાની હતી ત્યારે ‘ટેલો’ તેડો, તેડો, કરતી; ગંગાની પણ એવી જ ટેવ હતી; નટુ પણ એમ જ કરતો. એક આ ચંપા એમ નથી કરતી. એ તો ઊલટી જ્યારે એને તેડીએ છીએ ત્યારે પગ તડફડાવીને કહે છે : ‘માલે હેઠે ઊટલવું છે, માલે હેઠે ઊટલવું છે.’ રવિ નાનો હતો ત્યારે એને તેડીએ તે ન ગમતું. આનું શું કારણ હશે ?”

જરા વિચાર કરી ઇંદુએ કહ્યું : “એક કારણ તો ચોખ્ખું જ છે. મને તો આપણાં બાળકો પરત્વે એ એક જ કારણ લાગે છે. બીજાઓના અનુભવો જાણવા મળે તો વધારે ચોકસાઇથી કહી શકાય.”

ચંપાની બા : “કહો જોઇએ ?”

ઇંદુ : “મને તો એ નોકરોનું કારણ લાગે છે. રવિ જ્યારે નાનો હતો ત્યારે આપણે પટાવાળો ન હતો. આપણે એને ફરવા લઈ જતાં ત્યાં પણ એ પગ હલાવી હેઠે ઊતરતો ને આપણે એને ચાલવા દેતાં. તે દિવસ આટલું બધું કામ પણ નહોતું કે ઝટ ફરીને પાછું જવાનું હોય, ને તેથી તેની પાછળ પાછળ આપણે ન ચાલીએ. રવિ ઘરમાં પહેલો ને તેથી બહુ લાડકો હતો. આપણે તે દિવસ બાળઉછેરમાં બહુ ન સમજતાં, પણ એની નાની નાની ને કાલી કાલી ગમ્મતો જોવાની આપણને બહુ મજા પડતી. તે નાની નાની ટાંટુડીઓ ટેકાવતો ટેકાવતો આગળ ચાલતો ને આપણે તેની પાછળ ચાલતાં. તે કીડી જોવા ઊભો રહેતો, આપણે તેની પાછળ ઊભાં રહેતાં, મોર જોવા તળાવની પાળે બેસતો તો આપણે પણ સાથે જ બેસતાં. એને તેડવાની જરૂર નહોતી ને આપણે એને તેડતાં નહિ. એથી એ તેડકો ન થયો. પણ આ રમુ આવી ત્યારે ઘરમાં નોકર આવેલા. બીજાઓના નોકરો છોકરાંઓને તેડીને ફરવા જતા જોઇને તને પણ મોહ થયેલો કે આપણા બાળકને પગે ન ચલાવાય; નોકર છોકરું તેડીને પાછળ પાછળ ચાલે એમાં તેં શોભા અને સભ્યતા માની. છોકરું પણ તેથી જ વધારે રાજી થશે એમ લાગેલું. મનમાં નોકરની મોટાઈ એટલે આ ભૂત વળગેલું. રમુને ચાલવાનો કેટલો બધો શોખ હતો તે આપણે નજરે જોયું છે. ઘર પાસેનાં પગથિયાં ઉપર તે કેટલી બધી વાર ચડઊતર કરતી ? પણ નોકરે તેડવા માંડી ત્યારથી તેડાઈને તેના પગ હરામના થઇ ગયા. તેણે પગે ચાલવાનો આનંદ અને શક્તિ બંને ગુમાવ્યાં! તળિયાં સુંવાળાં થયાં. નોકર તેડે તેમાં કંઈક મોટાપણું છે, તેનો તેને પણ ભાસ થયો; તેથી તન સાથે મન પણ હરામી થયું અને પછીથી તો તે ઘરમાં પણ કહેતી : ‘તેલો, તેલો !’ એ ટેવ મુકાવતાં તેને કેટલી બધી વાર રોવું પડતું? આપણને કેટલી બધી મુશ્કેલી પડેલી ?”

ચંપાની બા : “વાત તો સાચી છે.”

ઇંદુ: “આપણને એક વાર અનુભવ થયો હતો છતાં ગંગુ અને નટુ એવાં જ તેડકાં થઈ ગયાં હતાં. રમુની બાબતમાં થોડો ઘણો ગેરલાભ જાણ્યો હતો છતાં આપણા ઘરમાં પાડોશીની દેખાદેખીથી નોકરોનું શરણ એવું ને એવું જ રહ્યું. આપણે પણ જરા વધારે કામકાજમાં પડ્યાં. આપણે એમ માન્યું કે નોકરો બાળકને સાચવી લે તો આપણે આપણું કામ વધારે અને સારું કરીએ: આપણે ગંગુ નટુને એ રીતે નોકરના હાથમાં વધારે જવા દીધાં. નોકરોને તો બધું કામ પતાવીને બરાબર વખતસર પહોંચી વળવાનું. તે છોકરાંઓનું મન જોઈને તેમની પાછળ ચાલે તો આપણે જ કહીએ : ‘જો, નકામો વખત ગુમાવે છે !’ પછીથી તો નોકરને જ્યાં ત્યાં બાળકને તેડીને પહોંચે જ છૂટકો. બાળકને એક ખોટી ટેવ પાડી; એ જ વસ્તુ એને વૈભવરૂપ લાગી. બાળક વૈભવનું દાસ બન્યું. પછી નોકર ન તેડે તો તેને રડવાનું જ રહ્યું. આપણે પણ બાળકો રડે માટે નોકરને વઢવાનાં જ. આવી રીતે બાળકો તેડકાં થાય છે. આપણાં બાળકો પણ એ જ ઢબે ઊછર્યાં ને ગુલામ બન્યાં હતાં.”

ચંપાની બા: “વાત તો ખરી; બન્યું પણ એમ જ હતું.”

ઇંદુ : “પછી નોકરોથી આપણે છૂટ્યાં ને નોકરો ( આપણાં ) બાળકોથી છૂટ્યાં. ચંપાને કોઈ તેડનાર નથી, અને આપણે એને નાનપણથી જ્યાં ચાલવું હોય ત્યાં બની શકે ત્યાં ચાલવા જ દીધી છે. એટલે તે ચાલવાની શોખીન થઈ છે. બીજાં બાળકોને તેડેલાં જોઈ ચંપા કોઇ વાર કજિયો કરે છે, પણ આપણે તેડતાં નથી એટલે તે ઘડીક કજિયો કરી રસ્તે આવે છે. કોઈ કોઈ વાર તો વળી તે કોઇ તેડે છે તો ‘ઉતારો’ ‘ઉતારો’ એમ કહી હાથપગ હલાવે છે. ઘણી વાર ઉતાવળ અને ઝડપથી જતી વખતે આપણે એને તેડવી પડે છે ત્યારે તેને અગાઉથી સમજાવી દઇએ છીએ, એટલે તે વખતે તેને તેડવાનું બંધન નથી લાગતું. ચંપા તો તેડાવવાની ટેવમાંથી બચી ગઇ; કારણ કે આપણે હવે અનુભવે ઘડાયાં છીએ ને ઘરમાં નોકર પણ નથી. હવે તો નોકર મળે તો પણ ચંપાને તેડવા ન જ દઇએ. બાળકો નાનપણમાં ચાલવાની પ્રવૃત્તિ કરી મનમાં આનંદ સાથે શરીરને વ્યાયામ આપે છે, જે આટલા સુદૃઢ પગોથી આપણે કેટલુંયે ચાલી શકીએ છીએ તે પગોને નાનપણમાં ઘડાવાનું છે, અને તે ચાલીને જ. એ માટે બાળકને છૂટ જોઇએ. પુષ્કળ જગા જોઈએ. જ્યાં જ્યાં માબાપો બાળકોને ચાલવા દેવાને બદલે તેડીને ફરે છે, ને તેમાં બાળક પ્રત્યેનો પ્રેમ સમજે છે, ત્યાં ત્યાં બાળકને તો નુકસાન જ થાય છે. કોઇ કોઇ પ્રસંગે જેમ કે માંદગી વખતે કે ઉતાવળથી સ્ટેશને પહેાંચવું હોય ત્યાં બાળકને તેડાય એ જુદી વાત છે.”

ચંપાની બા : “સાચી વાત છે.”