લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/નહાવાની ના પાડી છે

વિકિસ્રોતમાંથી
← માનતો નથી તે મરી જઈશ ? મા બાપ થવું આકરું છે
નહાવાની ના પાડી છે
ગિજુભાઈ બધેકા
લાગી જાત →



[૧૧]
નાહવાની ના પાડી છે
 


થોડાએક વખત પહેલાં અમે નાનાં બાળકોને લઈને એક નદીએ નાહવા ગયેલાં. બાળમંદિરનાં ઘણાં બાળકો આવ્યાં હતાં

નદીનું પાણી ખળખળ વહી જતું હતું. નાનાં બાળકો ગોઠણસમા પાણીમાં નાહી રહ્યાં હતા; સામસામે પાણી ઉડાડી હસતાં હતાં; ચત્તાં પડી આકાશની સામે જોઈ રહ્યાં હતાં; કોઈ કોઈ માછલી જેમ પાણીમાં તણાતાં હતાં. બાળકોની સુંદર જલક્રીડા ચાલી રહી હતી.

હું ત્યાંથી નીકળ્યો. એક ભાઈ કાંઠે ઊભા ઊભા આ બધું જોતા હતા. મેં તેને પૂછ્યું :

“કેમ ભાઈ ! નાહી લીધું ?”

“ના.”

મેં કહ્યું : “ચાલો ત્યારે નાહીએ.”

તે રડવા લાગ્યા ને બોલ્યા: “પણ મારી બાએ નાહવાની ના પાડી છે.”

“શું કામ ?”

મેં ઘણો આગ્રહ કર્યો પણ તે ભાઇ નાહવા ન પડ્યા. હું વિચાર કરવા લાગ્યો :

“શા માટે બાએ ના પાડી હશે?”

મને લાગ્યું માને બાળક ખોટનું કે બહુ પ્રિય હશે; ને સાથે જ તેને થયું હશે કે રખે ને મારો દીકરો પાણીમાં પડે ને ડૂબીને તણાઈ જાય !

બેશક અહીં માનો તો પુત્ર પ્રત્યે પ્રેમ જ છે; તેની સાચવણુ માટે જ તેણે બાળકને પાણીમાં પડવાની ના પાડી છે. અને ખરેખર બાળક પાણીમાં પડ્યા વિના ઘેર પહેાંચશે એટલે માને તો પોતાની શિખામણ આપીને મોકલવાની કે મનાઇહુકમ કાઢવાની રીતિમાં વધારે વિશ્વાસ બેસશે. પણ આ તો માતાની દૃષ્ટિએ.

બાળકની દૃષ્ટિએ માતાનો જે આ પ્રેમ છે તેની પાછળ હૃદયની લાગણી છે તેનો ઇન્કાર ન કરી શકાય. છતાં એમાં અજ્ઞાન છે અગર તો પ્રેમની લાગણીની વિકૃતિ છે. માના મનમાં સહજ હોય છે કે પોતાનું બાળક સુરક્ષિત રહે; પણ એ સાથે જ માનું મન માગે છે તે માગવું જ જોઇએ કે મારું બાળક શરીર, મન અને સર્વ શક્તિમાં વિકાસ પામે. બાળક પરત્વેનું અતિ મમત્વ આડે આવી તેના જ વિકાસમાં ઊભું રહે તો તે માતૃપ્રેમ નથી પણ માતૃસ્વાર્થ છે. બાળકને કશી ઇજા થાય એ જોવા મા ન માગે; પણ સાથે જ બાળક નિષ્ક્રિય અને અશક્ત રહે તેની ચિંંતા મા ન રાખે તો માની બુદ્ધિ અને લાગણી અણવિકસી અને અંધ ગણાય.

ધારો કે પેલા ભાઇ વીશ વર્ષની ઉંમરે તરતાં ન આવડવાને કારણે જ એકાદ પૂરમાં તણાઇ જાય છે, જ્યારે તેના સાથીઓ નદીમાં પડીને નિર્ભય બની આસ્તે આસ્તે તરતાં શીખ્યા છે તેથી તેઓ બચી જાય છે. તે વખતે આ માતાના મનને શું થશે ? તે કપાળ કૂટી કહેશે: “અરે, હું કેવી ટૂંકી મતિની કે મારા બાળકને મેં પોતે જ શક્તિમાન થતું અટકાવ્યું ? મેં પોતે જ તેના હાથ-પગ કાપી નાખ્યા, અગર બાંધી રાખ્યા ?”

અતિકાળજી રાખનારી માતાનાં બાળકો સંબંધે આવું જ બને છે; ને બનવું સહજ છે. બાળકનો મૂળ સ્વભાવ સ્વયં પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ શુભચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધું પોતે કરે છે અગર કરાવી દે છે, ત્યારે બાળક અક્રિય રહી સડે છે. તેની શક્તિનો થનગનાટ થોડો વખત ઊછળી પાછો પડે છે. તેનું પોતાનું વ્યકિતત્વ વારંવાર રડી રડીને પછડાયા પછી ટાઢું પડે છે ને આખરે બાળક હતાશ થઈ અશક્તિને માર્ગે જાય છે. ધીરે ધીરે તે પોતાની જ જાતમાં વિશ્વાસ ખોઈ નાખે છે તેને મા એકજ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન લાગે છે; તેનો બોલ એક જ શાસ્ત્રવચન થઈ પડે છે. પોતે વિચાર અને ક્રિયા ખોઈ બેઠેલું છે. તે વારંવાર માને પૂછે છે : “આ કરું? પેલુંં કરું ?” માની ‘ હા, ના’ ઉપર તે રહે છે. તેનામાં પોતાપણું કશું રહેતું જ નથી. લોકો તેને ‘માબાઈ’ કે ‘માવડિયો’ કહે છે અને પાછળથી તે જ ‘માવડિયાને’ મા કહે છે : “રોયા ! આવો નમાલો ક્યાંથી થયો ? રોયા ! બહુ સાચવીને રાખ્યો તે બગડી ગયો ?” વગેરે પણ પાછળથી આ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું રહે છે.

માને બાળકની ચિંતા રહેવી જ જોઈએ. પણ તે ચિંંતા બાળકને સદૈવ ઉપકારક થાય તેવી જોઈએ. તે ચિંતા કલ્પિત ન જોઈએ; તે ચિંતા અકારણ ન હોવી જોઇએ.

માએ બાળકને એમ કહેવું જોઈતું હતું કે “બાપુ ! તારા શિક્ષક કહે ત્યાં નાહજે. સૌ નાહતાં હોય ત્યાં નાહજે; રજા વિના આટલા પાણીની પેલી બાજુ ન જતો.”

અને માએ શિક્ષકને પોતાના બાળક પરત્વે ભલામણ કરવી હતી. બાળકને લઈ જનાર ઉપર ભલે આપણો પૂર્ણ વિશ્વાસ હોય છતાં માનું મન ભલામણ કર્યા વિના નથી રહેવાનું; માટે ભલામણ અવશ્ય થાય. પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સોંપેલ હાય તેના ઉપર અને સર્વથી મોટા ગુરુ ભગવાન ઉપર ભરોસો રાખતાં શીખવું જોઈએ.

બધી માતાઓના મનમાં હંમેશાં એવું હોતું નથી કે કોઈનો ભરોસો જ ન કરવો. કોઈનો માતૃપ્રેમ ભરોસા પર નભતા હેાય છે, છતાં બાળક સંબંધે બેફિકર નથી રહી શકતા; પણ એ લાગણીની કોમળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણ કરવી પડે. અને એ કઠણ થયેલી કોમળતા જ ખરી લાગણી છે-સમતોલ લાગણી છે, એમ સમજવું પડે. ઘણી માતાઓ પોતાનાં બાળકોને આવી નબળી લાગણીને લીધે નબળાં રાખે છે, ને આખરે તેમને ગુમાવે છે.

જ્યારે પેલા ભાઈના ગોઠિયાઓ નદીમાં નાહીને મજા કરતા હતા, પાણીના પ્રથમ પરિચયનો આનંદ લેતા હતા, તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મવિશ્વાસ ને સ્વાતંત્ર્ય અનુભવતા હતા, ત્યારે આ ભાઈ કાંઠે ઊભા ઊભા રોતા હતા! કારણકે પોતાને નાહવું હતું પણ માનો મનાઈહુકમ હતો. પોતે વિકસવાને બદલે અટક્યા હતા; પોતે માની આજ્ઞાને લીધે જીવંત મટી પથ્થર થઈ ગયા હતા. માએ તેને આવી ના ન પાડી હોત તો ?

પેલા બીજા બાળકો ઘેર જઈ બાને અને બાપાને કહેશે : “અમે તો આમ નાહ્યા ને તેમ નાહ્યા. અમને તરતાં આવડ્યું. અમે પાણીમાં ડૂબકી ખાતા હતા. અને પાણી ઉડાડતા હતા!” બા અને બાપાને તે સાંભળી આનંદ થવાનો.

હવે આ ભાઈ ઘેર જઈને શું કહેશે ? મા પૂછશે : “પાણીમાં નાહ્યો તો નહોતો ના?” બાળક કહેશે: “ના.” પરંતુ તેને પેલી નદી વગેરે યાદ આવશે ત્યારે તો તે રડી પડશે. તે કહેશે : “તેં મને નાહવાની ના પાડી’તી !”

મા ઊલટી વઢશે ને કહેશે : “શું કામ રડે છે? ન નાહ્યો એ જ સારુ કર્યું. મારું માન્યું તો કેવો ડાહ્યો કહેવાય! એ તો કોઈ તણાઈ ન ગયું, પણ વખતે તણાઈ ગયું હોત તો ?”

બાળક માતાની ઝેરી દલીલમાં પાછો સપડાશે. રડવાનું સમાધાન થશે. તે કહેશે : “હાશ ! ઠીક થયું. ડૂબી તો ન ગયો !”

તે મોટો થશે; કદી ડૂબી જશે જ નહિ. તે પોતાનાં બાળકોને પણ પાણીમાં જવા દેશે જ નહિ; કારણકે તે ડૂબી જાય !