મા બાપ થવું આકરું છે/પણ એ મારું ક્યાં માને છે ?
| ← એટલો બધો કયા કામમાં હતો ? | મા બાપ થવું આકરું છે પણ એ મારું ક્યાં માને છે ? ગિજુભાઈ બધેકા |
એ તો રોયો નીંભરો છે → |
એકવાર મા અને બાપ બંનેએ સાથે પોતાનાં બાળકો વિષે ફરિયાદ રજૂ કરી ! “બાળકો અમારું માનતાં નથી.” બા કહે : “મારું માનતાં નથી.” બાપા કહે : “મારું માનતાં નથી. આનું શું કરવું ?”
મેં જવાબ આપ્યો : “મારો તમને એક સામો સવાલ છે. તમે એકબીજાનું માનો છો?”
માબાપો ઝંખવાણાં પડી ગયાં.
બા કહે : “હું તો માનું છું પણ એ ક્યાં મારું માને છે ?”
બાપ કહે : “મારું કહેવું પણ એ જ છે; હું એનું કહેવું માનું છું, પણ એ મારું કહેવું ક્યાં માને છે ?”
મેં તુરત જ કહ્યું : આ સ્થિતિ જ તમારાં બાળકોને અનાજ્ઞાંકિત કરે છે.”
બાળકા ઘણાં જુદાં જુદાં કારણે અનાજ્ઞાંકિત બને છે. તેમાંનું એક કારણ એ છે કે માબાપો ઘરમાં એકબીજાં એકબીજાનું માનતાં નથી એવું બાળકોને દેખાયા કરે છે. બાળકો નાનાં છે; તેમનો આદર્શ આપણે મોટાં છીએ. તે આપણા પ્રમાણે આચરે તો દોષ કોનો ?
જો સ્ત્રીપુરુષ હમેશાં એકબીજાનું ન માનતાં હોય તો દુનિયા ચાલે જ નહિ. એકબીજાં એકબીજાનું માને છે એમાંથી જ આ સંસાર ચાલે છે. પણ એટલું છે કે વારંવાર તેઓ અથડાઈ પડે છે. આ અથડામણ પરસ્પર વધારે નજીક આવવા માટે પણ હોય છે; એકબીજાંનો વધારે મજબૂત સાથ અને ટેકો મેળવવા માટે પણ હોય છે. ઘણી વાર એક અથવા બીજાનું અજ્ઞાન, ટૂંકી બુદ્ધિ, વગેરે કારણો પણ અથડામણની પાછળ હોય છે. અથડામણ એ સ્વાભાવિક છે; પણ તેનો ગેરલાભ બાળકોને ન મળવો જોઇએ.
માબાપોના બધા વ્યવહારો બાળકોને જણાવવા જોઇએ, એ બાળકેળવણીનું સૂત્ર નથી અગર સત્યની ઉપાસનાનું તત્ત્વ નથી. ઘણી બાબતો એવી છે કે જે બાળકો યથાકાળે જ જાણે. માબાપોની અથડામણ પણ માબાપો જ જાણે; પોતાની અથડામણ બાળકો ન જાણે એમ થવું જોઇએ; અર્થાત્ બાળકો સમક્ષ માબાપોએ ઉતાવળાં થઈ મતભેદને કારણે કે ગમે તે કારણે સામસામે લડી પડવું ન જોઇએ, અગર એકબીજાંથી વિમુખ થઈ બેસવું ન જોઈએ, અગર એકબીજાંનો તિરસ્કાર કરી એકબીજાંને અનાજ્ઞાંકિત ન બનવું જોઈએ કેમકે માબાપોના મનમાં ઊભા થયેલા વિસંવાદનાં કારણો ઘેરાયેલા આકાશનાં વાદળાંની જેમ ગમે ત્યારે વીંખાઈ જાય છે, અને આખરે તો પરસ્પરમાં રહેલો નિર્મળ આકાશ જેવો પ્રેમ ઊઘડે છે; પણ બાળકો તો તેમને પેલાં વાદળાંના અંધકાર અને ગડગડાટથી જ ઓળખે છે, અને તે રીતે તેમનો ન્યાય તોળે છે. આથી ઘણી વાર ગેરસમજણને કારણે બાળકો માબાપો પ્રત્યેથી વિમુખ થાય છે, ઘણી વાર તેમને ધિક્કારતાં બને છે, અને તેમના પરત્વે અનાજ્ઞાંકિત બને છે. માબાપોએ પોતાની અથડામણ સાચવી લેવી એ ઢોંગ નથી પણ વાજબીપણું છે. એમ સાચવતાં સાચવતાં કદાચ માબાપો એવી અથડામણમાંથી મુક્ત પણ થઈ જશે. અર્થાત્ બાળકો આગળ તો માબાપનાં જે સાચાં પ્રેમાળ અંતઃકરણો છે, જે શુદ્ધ આકાશ છે, તે જ આખરે આવવું જોઇએ-કારણ કે તે સત્ય છે, શાશ્વત છે, જ્યારે વાદળાં તો ક્ષણિક છે.