મા બાપ થવું આકરું છે/પહેલાં અને હમણાં
| ← આગળ બુતાન | મા બાપ થવું આકરું છે પહેલાં અને હમણાં ગિજુભાઈ બધેકા |
આને બદલે આ કરું → |
: ૧ :
પહેલાં લલીને પાણી પીવા આપવું પડતું. પાણી આપતાં વાર લાગતી તો લલી રડતી હું કામમાં હોઉં ને લલી ‘પાણી આપો, પાણી આપો!’ કહેતી તો હું ખિજાતો. પાણી ન આપું તો લલીને તરસ્યાં બેસવું પડતું કે તે કનડતી. વારે વારે પાણી આપીને હું કંટાળતો ને કહેતો : “આ છોડી જોને, વારે વારે પાણી માગ માગ જ કરે છે!” તે વખતે ગોળો પાણિયારે રહેતો; લલી અંબાઈ શકતી નહિ; મારા ઉપર તેનો આધાર હતો. તે પરાવલંબી હતી તેથી હાથપગ હોવા છતાં અપંગ હતી. અપંગની ચાકરી કરવામાં હું પોતે પણ પરતંત્ર બનતો; એમ નહિ તો અપ્રિય તો થતો જ.
હમણાં ગોળો નીચે માંડ્યો છે; તેની પાસે એક પ્યાલો મૂક્યો છે. પાણી પીને પ્યાલો ધોવાનું બતાવ્યું છે. વધેલું પાણી નાખી દેવા બાલદી મૂકી છે. હવે લલી પાણી માગવા નથી આવતી. તે માટે તેને રડવું નથી પડતું. મને તેની એ બાબતમાં અડચણ નથી આવતી. મને ખબર પણ પડતી નથી કે લલી પાણી ક્યારે પીએ છે. લલી પોતે જાતે પાણી લે છે, ને પીએ છે; ઊલટો હું પોતે પણ તેની પાસે પાણી મગાવું છું ને લલી હોંશે હોંશે લાવે છે. હવે તે સ્વાધીન બની છે. મારો આધાર મટી ગયો છે. મારે તેની ચાકરી નથી કરવી પડતી. પહેલાં તે રડતી પણ હવે તે પ્રસન્ન છે. હવે આ બાબતમાં મારે તેના પર ખિજાવું પડતું નથી ને હું એને અપ્રિય લાગતો નથી.
: ૨ :
પહેલાં બાળકોના હાથ ધોવરાવવાની ભારે પંચાત પડતી. એક જમીને ઊઠે ને કહેશે: “હાથ ધાવરાવો ને?” એકને ધોવરાવીએ ત્યાં બીજી કહેશે: “મારા હાથ ધોવરાવો ને ?” બા કહેશે : “હમણાં બધાં ખાઇ રહીએ ત્યાં સુધી બેસી રહો. સૌના હાથ સાથે સાથે ધોવાશે ” બાળકો ઊંચાંનીચાં થાય ને ગડબડ મચાવે, ખાઇ રહ્યાં હોય એટલે શાકદાળ-રોટલી ચૂંથે. એમ કરવાની ના પાડીએ એટલે કંઈક બહાનું કાઢી ‘એં એં’ શરૂ કરે. બા વઢે એટલે ચૂપચાપ થઈ મોં ચડાવે. મારે પોતે હાથ ધોવરાવવા ઊઠવું પડે. બાળકને હાથ ધરવો પડતો; હું ઘસું ત્યાં સુધી ખમવું પડતું. વખતે મારું ધોવું ગમતું ને વખતે ન પણ ગમતું. ન ગમે તો બાળકો રડતાં પૂરા હાથ ન ધુએ તો એંઠું રહે એ કેમ પાલવે ? એમને ઢોર જેમ ધમારવાં એ પણ કંટાળો આવે. અમે કંટાળ્યાં. જમીને હાથ ધોઈ લીધા પછી તે લૂવાનુંં ભારે દુઃખ હતું. વિનુ પેરણે હાથ લૂવે એટલે એની બા વઢે; કુસુમ ઘાઘરીએ હાથ લૂવે ને ઘાઘરીને હળદરના ડાઘ પાડે; લીલુ એમ ને એમ હાથે જ મોં લૂવે; કમળા જે આવ્યું તેનાથી હાથ લૂવા દોડે. એની બાને એ જરાયે ન ગમે. તે સૌને ધમકાવે, પોતે ચિડાય ને વખતે કોઇને મારી પણ દે ! કહેશે : “મારે એવા ડાઘ શી રીતે ધોવા ? હું કાંઈ તમારી ધોબણ છું ? હું ક્યાં ધોવા નવરી છું ?” બહુ બહુ તો બાથી બીને છોકરાં જમીને પૂછે : “હાથ શેણે લૂઇએ ?” એક દી બા કહેશે : “ઓલી કાલવાળી ધોવાની ઘાઘરીએ.” બીજે દી કહેશે : “જુઓ તો, પણે ચીંથરાં પડ્યાં એનાથી લૂવો.” ત્રીજે દી કહેશે : “ઢેઢડીને આપી દેવાનો પેલો સાડલો પડ્યો છે તેનાથી લૂવો.” છોકરાંઓને રોજ નવા માર્ગે ચાલવુ પડતું; ગોતમગોતાં થતી! તેઓ કંટાળતાં ને અમે પણ કંટાળતાં.
હમણાં બે ફેરફારો દાખલ કર્યા છે. હાથ ધેાવા માટે ફળિયામાં એક પવાલું મૂક્યું છે; હાથ લોવા માટે બારણાની સાંકળે એક રૂમાલ બાંધ્યો છે. કુસુમ જમીને ઊઠે છે ને પવાલા પાસે જાય છે, ને ચકલી ખોલી બે હાથ ભેગા કરી ઘસીને નિરાંતે હાથમોં ધુએ છે. “ધોવરાવોને ધોવરાવોને ?” એમ કોઈને કહેવું પડતું નથી. સૌ એક પછી એક હાથ ધોવા જાય છે એટલે ગડબડ થતી નથી, ને બાને વઢવું પડતું નથી; છોકરાંનાં મોં પણ ચડતાં નથી, ને મારે ઊઠબેસ કરવી પડતી નથી. બાળકોને હાથ કેમ ઘસવા એ બતાવ્યું છે. પોતે હાથ ઘસી લે છે; કચરો કાઢે છે ને એઠું રહેવા દેતાં નથી હાથ ધોઈ રૂમાલે હાથ લૂવા તેઓ જાય છે. એક રૂમાલ રાતો, પીળો, કાળો થાય છે, પણ કોઇનાં ઘાઘરી-પોલકાં બગડતાં નથી; હાથ ચીકણા રહેતા નથી; મા-બાપોને ચિડાવું પડતું નથી. લૂગડાના કટકા માટે ગોતાગોત થતી નથી ને જમીને મોં ચડાવવાને બદલે કૃદતાં કૂદતાં ને રમતાં રમતાં બાળકો આંટા મારે છે. અમારા મનને ક્લેશ થતો નથી. બાળકો અમારાથી ને અમે બાળકોથી સ્વતંત્ર થઈ ગયાં છીએ. એક પવાલું અને એક ટુવાલ બાળકોને આશીર્વાદરૂપ થઇ પડ્યાં છે.