લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/બચી

વિકિસ્રોતમાંથી
← આને બદલે આ કરું મા બાપ થવું આકરું છે
બચી
ગિજુભાઈ બધેકા
બાળકો અને મહેમાનો →


[ ૩૪ ]
બચી
 

બધાં બહારથી ફરીને આવ્યાં ને બાએ કહ્યું: “ચાલો, છોકરાંઓ ! પગ ધોઈ લ્યો. રસ્તાની ધૂળ લાગી હશે.”

બા આરોગ્યની દૃષ્ટિએ નાની નાની બાબતોની સારી કાળજી રાખતાં. રોજના મહાવરાથી બાળકો પણ ગંદકી ને સ્વચ્છતાનો તફાવત સમજ્યાં હતાં, અને તેમને પણ કેટલીએક ગંદી બાબતો ગમતી નહિ.

બચુએ કહ્યું : “આ રસુનું જરા મોં પણ ધોવરાવજે. એને કાકીએ એમને ત્યાં ગયાં હતાં તે બચી લીધી હતી. કાકીને તાવ આવતો હતો.”

રસુએ કહ્યું : “અહીં બચી લીધી હતી; અહીં ધોવું પડશે.”

બાળકોએ હાથમોં ધોઈ નાંખ્યાં. હું એ જોઈને મનમાં પ્રસન્ન થયો. ખાસ કરીને મારું ધ્યાન બચુના ઉદ્‌ગાર તરફ ખેંચાયું.

બચુનું કહેવું બરાબર હતું. સાથે મારા મનમાં બાળકોને બચી લેવા ન લેવાની બાબતમાં કેટલાએક વિચારો આવ્યા.

મને લાગ્યું કે ઘણી વાર ગમે તે માણસ સારાં બાળકોને બચી લેવા લલચાય છે, ને થોડોએક પરિચય હોય છે ત્યાં બચી લઇ પણ લે છે, આવો તેને અધિકાર છે? સાફ નહિ. કોઇના બાળકને બચી લેવાનો બીજાને અધિકાર નથી જ.

કોઈનાં રૂપાળાં બાળકોને જોઈને બચી લેવા કેમ લલચાવાયું ? આપણી પ્રીતિ કાંઈ એ બાળકો ઉપર નથી પણ એમના રૂપ ઉપર છે, અને રૂપને જ માત્ર બચી લેવાની આપણી વૃત્તિનું પૃથક્કરણ આપણે કરી લેવું જોઇએ. કાળીમેશ એવી દીકરીને મા બચી લે છે ત્યાં માતૃપ્રેમ છે. પણ જ્યાં આપણામાં નૈસર્ગિક સ્નેહસંબંધ નથી છતાં રૂપથી આકર્ષાઇ આપણે બચી લેવા દોડીએ છીએ, ત્યાં મનમાં વિચારવું પડે છે. નાનાં બાળકોને આપને બચી લઇએ ત્યાં તેઓ તો નિર્દોષ જ છે; પણ તેથી આપણે નિર્દોષ છીએ કે નહિ તે જોઇ લેવું જોઇએ.

સગાંસંબંધીઓને પણ સગાંવહાલાનાં બાળકોને બચી લેવાનો અધિકાર તો ન જ હોય. પ્રેમના પ્રદર્શન રૂપે બાળકોને સગાંઓ બચી લે છે, તેના કરતાં એ એક જાતની પ્રેમદર્શનની ખોટી રૂઢિ છે. એવો પ્રેમ સગાંસંબંધીઓમાં ઊભરાતો નહોય તોપણ ઘણી વાર સગાંઓને જાણે કે બચી લેવી પડે છે, કેમકે તે એક પ્રકારનું પ્રીતિદર્શનનું કાર્ય છે. પરતુ સગાંસંબંધીઓએ પણ પોતાની બચી પાછળ અજાણપણે પોતે કેવી માનસિક સ્થિતિમાં છે તે ધીરે ધીરે જાણતાં શીખવું જોઇએ.

બચીનો અધિકાર હોય કે ન હોય, બચી પાછળ વિકૃત માનસ હોય કે ન હોય, છતાં બચી લેતાં પહેલાં આરોગ્યની દૃષ્ટિને કદી પણ ભૂલવી ન જોઈએ. સગી મા પણ જો પોતાને ક્ષયરોગ હોય તો તે પોતાના બાળકને ભૂલે ચૂકે પણ બચી ન જ લઈ શકે. બચી લઈને પોતાનો રોગ તે બાળકને આપે તેના જેવું ખરાબ કામ બીજું કયું હોઇ શકે ? અને બચી દ્વારા રોગો ફેલાય છે એ બાબતમાં આજે દાક્તરોનો મત મજબૂત છે. બાળકોમાં કેટલા ચે રોગો બચી દ્વારા જ ફેલાય છે.

માબાપનો પ્રીતિનો ઉમળકો બચીથી શમે છે. બચી એ એક કુદરતની બક્ષિસ છે, ઊછળતા હૈયાનો આવિર્ભાવ છે, પ્રેમથી હલમલી રહેલા જ્ઞાનતંતુઓનો વિરામ છે, પ્રેમના અંતરની શાંતિ છે, પ્રેમપાત્ર પર અંતરનો અભિષેક છે ! ટૂંકમાં બચી એ અંતરને અંતર આપવાનો પ્રકાર છે-અને અતરને અંતરથી ઝીલવાનો પ્રકાર છે. આથી ઊભરાતા અંતર વાળી ગાય વાછરડાને ચાટવા લાગે છે; આથી મા પોતાના બાળકને રમતું-હસતું જોઇ હર્ષઘેલી થતાં પોતાનો ઉમળકો બાળક ઉપર એક બચી દ્વારા ઠાલવે છે, અને ન કહી શકાય તેવી અંતર–પ્રેમની ઊંડી કથા અને લાગણી બાળકને કહે છે; અને બાળક પણ જાણે કે સમજી જઈ તેને જાણે કે શેર લોહી ચડ્યું હોય તેમ તે બચીનો આનંદ લઈ પાછું વધારે રમવા લાગે છે.

આવા સ્વાભાવિક સ્નેહના પ્રસંગે બચીને અવકાશ છે. એમાં પણ સૂક્ષ્મ વિકૃત અવસ્થા હોય તોપણ તે ક્ષમ્ય છે; કારણકે એ રીતે મનુષ્ય હજી મનુષ્ય છે. પણ બચીને માબાપ પણ જ્યારે ફેશન કરે છે, તે બચીને જ્યારે એક લાલચ અથવા લાંચ બનાવે છે, અથવા બચીને ખોટા લાડનું રૂપ મળી જાય છે, ત્યારે તો બચી ત્યાજ્ય જ છે. અને જ્યારે માબાપને રોગ હોય છે છતાં તે બચી લે છે ત્યારે તો તે અજ્ઞાનને લીધે ભયંકર ગુનો જ કરે છે. અજ્ઞાનને લીધે જ, એમ એટલા માટે કહેવું પડે છે કે જો માબાપ જાણે કે બચી લેવાથી રોગ ચોંટે છે, તો તે ન જ લે; લેવાનું પણ તાન રોકવા તે પ્રયત્ન કરે જ.

બચી લેવામાં બાળકના શરીરનો તેમ જ માનસનો વિચાર કરવો જોઇએ. બાળક ઘણી વાર પ્રેમઘેલું થઈ બચી લેવરાવવા આવે છે. તેને આપણે બીજી રીતે અંતરાય ન હોય તો સંતોષ આપીએ, તેના અંતરના આવિષ્કરણને વધાવવો જોઈએ. આપણે બચીની સખત વિરુદ્ધ થઈ બાળકની સાહજિક આપણા પર પ્રેમ ઠલવવાની રીતનો પ્રતિકાર કરીએ તો બાળકને ધક્કો લાગે છે; તે હિજરાય છે. અનુભવીઓને ખબર છે કે જેમ સુખી અને તંદુરસ્ત બાળકને ખુશનુમા રમતું જોઇને મા તેને બચી લેવા દોડે છે, તેમ જ માને જોઇને બાળકને જુદા જુદા કારણે હેત ચડે છે, ને તે બચી લે છે. મા એટલે બાળપણ સમજવું. આ હેતને રોકવાથી હેતના પ્રવાહને અટકાવ્યો છે; અને હેતનો પ્રવાહ અટકાવવાથી માણસમાં મંદતા, ખિન્નતા, નિરાશા અને કોઈ કોઈ વાર ખીજ અને ધિક્કાર કે તિરસ્કારની લાગણી જન્મે છે. બાળકને પણ માબાપને હેત કરવાનો કુદરતી હક્ક છે. જે કુદરતે માબાપ અને બાળકનો સંબંધ જોડ્યો છે, જે સ્ત્રીપુરુષના પ્રેમાકર્ષણથી બાળકનું આગમન છે, તે કુદરતી આકર્ષણનો વિરોધ ન કરવો જોઇએ.

પણ બાળકને હમેશાં બચી લેવરાવવી કે લેવી ગમતી નથી. બાળકને કોઈ કોઈ વાર બચી લઈએ છીએ ત્યારે તે અત્યંત ત્રાસ પામે છે. એમ જ કોઇ વાર આપણે તેની પાસે બચી લેવરાવીએ છીએ તો તે ના પાડે છે, ને પરાણે બચી લેતાં તે હિજરાય છે. માટે પરસ્પરના પ્રેમાકર્ષણને લીધે જ્યારે બચી લેવા પરસ્પર દોડે ત્યારે જ તેને ખરો અવકાશ છે; ત્યારે જ માબાપને અને બાળકને આનંદઅનુભવ થાય છે. અને છતાં આપણે બાળકને પોતાને ઉમળકો આવે ત્યારે આપણને બચી લઇ લેવાના હક્ક આપીએ. કેમકે નકાર કરવાથી તેને કેટલું નુકસાન થશે તે આપણે સમજીએ છીએ. પણ બાળક અણસમજુ છે માટે તેની લાગણી દુખાય તેવું હોય ત્યારે આપણો તીવ્ર વેગ પણ અટકાવીએ, અને સંયમ વડે આપણી ઉત્કટતા ઊંચે ચડાવીએ.

આ બધું બચીની બાબતમાં વિચારવા જેવું લાગે છે. મથાળે આપેલા નાના એવા પ્રસંગને લીધે આટલું વિચારવાનું સૂઝ્યું.

એટલામાં તો બાળકોએ હાથમોં ધોઈ લીધાં હતાં, અને નાની રસુ પોતાનો ગાલ ઘસીને લૂતી હતી, કેમકે તેને કાકીની બચી બાની બચી જેવી મીઠી નહોતી લાગી; તેને તો બચીની હૂંફ લાગવાને બદલે થૂંક લાગ્યું હતું !