લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/બાપાને ક્યારે મળશું?

વિકિસ્રોતમાંથી
← મારી સાથે કેમ નહિ ? મા બાપ થવું આકરું છે
બાપાને ક્યારે મળશું?
ગિજુભાઈ બધેકા
અડધો દિવસ બગડ્યો ! →




[ ર ]
બાપાને ક્યારે મળશું ?
 


લક્ષ્મીદાસ ડૉક્ટર હતા. ધીકતી પ્રેક્ટીસ હતી; એક ઘડીની ફુરસદ ન હતી. સવારે ઊઠે ત્યાં તો કોઈ ને કોઈ બોલાવવા આવ્યું જ હોય | તેમને આ જ કારણે બાળકો ઊઠે તે પહેલાં નાહીધોઈ, દૂધ પી તૈયાર થઈ જવું પડતું.

એકવાર સવારે ઘરમાંથી બહાર નીકળ્યા પછી તેઓ બાર–સાડાબાર વાગે માંડ માંડ પાછા આવતા. દરદીઓની તપાસ કરતાં કરતાં તે પોતાના ખાનગી દવાખાને દસ વાગે પહેાંચતા, અને ત્યાં પહોંચતા ત્યારે દરદીઓ ક્યારના કંટાળતા બેઠા હોય.

દસથી અઢી કલાક ક્યાં જાય તેની લક્ષ્મીદાસને ખબર જ ન રહેતી; એટલું બધું કામ રહેતું.

બાર સાડાબાર વાગે તે ઘેર આવતા. તેમને માટે જમવાનું ખાસ ઊનું રાખવામાં આવતું. ઘરનાં બાળકોને અગિયાર વાગે બાલમંદિરે જવુ પડતું.

બપોરે બે અઢી કલાક લક્ષ્મીદાસ વિશ્રાંતિ લેતા; પણ ચાર વાગ્યા પછી તો તે ભાગ્યે જ ઘરમાં મળે. વળી પાછી દરદીઓની તપાસ કરવા આવવાની માગણી; વળી પાછું સાંજે પાંચથી છ સુધી પોતાનું દવાખાનું.

લક્ષ્મીદાસ ક્લબના શોખીન હતા. દરદીને ભૂલે પણ ક્લબને ન ભૂલે. બ્રીજ અને બિલિયર્ડ તે કદી પણ પડવા ન દે, રમવામાં અને રમવામાં રોજ તો રાત્રિના નવ વાગે જ; પણ કોઈ કોઈ વાર તો દશ પણ થઈ જાય !

લક્ષ્મીદાસભાઈનો સાંજનો જમવાનો વખત સૌથી છેલ્લો અને મોડો રહેતો. સાંજે પણ રસોઈ ઢાંકી રાખવી પડતી. નાનાં છોકરાને ઊંઘ આવતી હોય ને મોટાંઓને ભૂખ લાગી હોય એટલે ઘરમાં રસોઈ તો વહેલી થઈ જતી.

આ પ્રમાણે લક્ષ્મીદાસભાઈનો દૈનિક કાર્યક્રમ હતો.

પણ લક્ષ્મીદાસભાઈ રવિવાર પાળતા; તે દિવસે સાંજે દવાખાનું બંધ રાખતા, ને ક્લબમાં પણ ન જતા. પણ બાળકોને તથા કુટુંબને લઈ ઘણું ખરું ફરવા જતા, અથવા ઘરમાં કંઈ કંઈ જાતની ગમ્મતો રમતો ચલાવતા.

ઘરમાં સૌથી નાનો રસિક હતો. લક્ષ્મીદાસને તે બહુ વહાલો હતો. લક્ષ્મીદાસ રાત્રે આવે ત્યારે તે સૂતો હોય અને જાય ત્યારે પણ ઊંઘતો હોય; એટલે લક્ષ્મીદાસ તેના પર હંમેશ હાથ ફેરવે, તેને બચી લે, તેની કાલીઘેલી વાતો તેની બા પાસેથી સાંભળી સંતોષ લે. બીજા નાનાંમોટાં છોકરાં તો કોઈ કોઈ સવારે વહેલાં ઊઠે, કોઈ કોઈ મોડાં સૂએ એટલે લક્ષ્મીદાસની સાથે વાતો કરવાનું, ગમ્મત કરવાનું તેમને મળતું. લક્ષ્મીદાસ ખરેખરા આનંદી સ્વભાવના હતા; ઘરમાં આવતા ત્યારે તો દવાખાનું અને પ્રેક્ટીસ, બધું ભૂલી જતા.

રવિવારની સાંજ હતી. અગાશીમાં બેઠાં બેઠાં સૌ ગમ્મત કરતાં હતાં. નાનો રસિક પણ લક્ષ્મીદાસના ખોળામાં બેઠો હતો. તેને ત્રણ વર્ષ થયાં હતાં. તે ઘણો ચાલાક હતો; બહુ બોલકો હતા. મોન્ટીસોરી શાળામાં તેની મોટી બેન સાથે કજિયા કરીને રોજ જતો, ને ત્યાંના શિક્ષકોને પણ પ્રિય થઈ પડ્યો હતો.

રમતાં રમતાં બાપાની દાઢીએ હાથ ફેરવી રસિકે લક્ષ્મીદાસને પૂછ્યું : “લખુભાઈ ! તમે કોઈક કોઈક વાર જ કેમ આવો છો ? તમે અમારા બાલમંદિરમાં સોમવારે રજા હોય છે તે દિવસે સવારથી આવતા હો, તો કેવી મજા પડે ? તો તો આખો દિવસ ગમ્મત થાય.”

લક્ષ્મીદાસ : “લે, ગાંડા ! હું તો રોજ અહીં જ છું; અહીં જ રહું છું.”

રસિક : “ના ના, ખોટી વાત; ખોટું બોલો છો. તો તો હું તમને દેખું ના !”

લક્ષ્મીદાસ : “એ તો તું રોજ સૂતો હોય છે તે પહેલા મારે બહાર જવું પડે છે.”

રસિક : “એટલું બધું વહેલું ?”

લક્ષ્મીદાસ : “હાસ્તો દરદીઓને તપાસવા સારુ વહેલાં જવું પડે છે.”

રસિક : “ઠીક; પણ તમે અહીં રહેતા હો તો પાછા ક્યારે આવો છો ?”

લક્ષ્મીદાસ : “બપોરે જમવા આવું છું, પણ તે વખતે તમે બધાં નિશાળે ગયાં હો છો.”

રસિકે બા તરફ જોઈને પૂછ્યું : “હેં બા ! સાચી વાત ?”

બા કંઈ બોલી નહિ.

રસિક કહે : “એ તો કોણ જાણે. એકવાર બાલમંદિરમાં નહિ જાઉં એટલે ખબર પડશે.”

લક્ષ્મીદાસ : “પણ સોમવારે તારે રજા હોય જ છે ના ? તે દિવસે હું બપોરે ઘેર જ હોઉં છું ના ?”

રસિક : “મારે હવે જોવું જોઈશે. ગયા સોમવારે અમે સવારથી સાંજ સુધી માશીને ત્યાં ગયા હતા; અને પહેલાંના સોમવારે અમારે બાલમંદિર હતું.”

વચ્ચે બાએ કહ્યું : “તે પહેલાંના બે સામવારે તો તમારે જ બહારગામ જવાનું બન્યું હતું. રસિકનું કહેવું ખરું છે; લગભગ દોઢ બે માસથી સોમવારે બપોરે તમે કોઈ ભેગા થયા જ નથી.”

લક્ષ્મીદાસે ભવાં ચડાવી ડોકું ધુણાવ્યું.

રસિક કહે : “પણ રાતે ય તમે નથી દેખાતા. કાકા, મોટા ભાઈ, મોટીબેન, બધાં ય અમે સાથે જ જમીએ છીએ; પણ તમે નથી હોતા.”

બાએ જરા કટાક્ષમાં કહ્યું : “એ તો રાતે રોજ ક્લબમાં જાય છે. તું ઊંઘી જાય ત્યારે આવે છે; કોઈ વાર તો બહુ મોડા આવે છે.”

બાને ક્લબ નહોતી ગમતી. આખો દિવસ પ્રેક્ટીસ માટે બહાર રહેવું પડે એ તો ઠીક, પણ મોડી રાત સુધી પાછું ક્લબમાં રહેવું તેને સારું નહોતું લાગતું. બાએ આ પ્રસંગે લાગ જોઈને આટલો કટાક્ષ કર્યો.

પણ લક્ષ્મીદાસને માટે આટલો કટાક્ષ પણ બસ હતો; અગર તેટલાની પણ તેને જરૂર ન હતી. રસિકે પહેલો પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ તેણે અંતરમાં વિચાર કરવા માંડ્યો જ હતો; તેની આંખ આગળ તેનું આખા દિવસનું કાર્ય તર્યું. એક વાત તેને સ્પષ્ટ દેખાઈ; જે બાળકો માટે પોતે આખો દિવસ કમાયા કરે છે, તેમને પૂરું મળાતું પણ નથી ! રસિક સૂતો હોય ત્યારે બહાર જવાનું અને ઊંઘતો હોય ત્યારે ઘેર આવવાનું; એ સ્થિતિ કેવી શોચનીય અને ભયંકર ! “આમાં ક્યાં હું એના ઊછળતા બાલજીવનમાં આનંદ અને રસ ભરી શકું ? મારાં પ્રિય ફરજંદોની સાથે રમવા–ખેલવા અને તેમની સાથે આનંદ અનુભવવાનો લહાવો હું હાથે કરીને જ છોડી દઉં છું!”

રસિકે ફરી વાર બાપાની દાઢીએ હાથ ફેરવી કહ્યું : “બાપુ! કેમ બોલતા નથી ? ચાલો એક ગમ્મત કરી હસાવો. પાછા તમે તો કેટલા યે દિવસે દેખાશો.”

રસિકના છેલ્લા બોલે લાગેલું તીર લક્ષ્મીદાસની છાતીમાં વધારે ઊંડુ ઊતર્યુંં, ને અંતરને ભેદી નાખ્યું.

લક્ષ્મીદાસે કહ્યું : “ત્યારે હું રોજ સાંજે આવું ને રોજ આપણે ગમ્મત કરીએ, તો ?”

રસિકના ગાલ લાલ થઈ ગયા. તેણે ગળે બાઝી પડી કહ્યું : “તો હું તમને રોજ રોજ એક એક ટીકડી આપીશ !”

સૌ હસી પડ્યાં

લાગણીથી ઘેરાયેલું વાતાવરણ એ હાસ્યથી જરા હળવું થયું.

લક્ષ્મીદાસે કહ્યું : “જો, રસિક! હવેથી હું ક્લબમાં નહિ જાઉં, અને દવાખાનેથી સીધો ઘેર આવીશ. પછી આપણે સૌ સાંજે ફરવા જઈશું. હવે છે કાંઈ ?”

રસિકને સારું લાગ્યું; રસિકની બાને તો મનમાં હાશ થયું.

તે દિવસથી જ લક્ષ્મીદાસભાઈએ ક્લબમાં જવાનું બંધ કર્યું; એટલું જ નહિ પણ પ્રેક્ટીસને બહુ વિશાળ કરવાનું માંડી વાળી કાંઈક ઘરમાં રહેવું, બાળબચ્ચાં સાથે આનંદ લેવો, એ તરફ જવાનું શરૂ કર્યું.