લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/બાળકનું દૃષ્ટિબિંદુ

વિકિસ્રોતમાંથી
← ખાનગી વાતો મા બાપ થવું આકરું છે
બાળકનું દૃષ્ટિબિંદુ
ગિજુભાઈ બધેકા
બાળકોને શું ગમે છે? →


[ ૨૯ ]
બાળકનું દૃષ્ટિબિંદુ
 


“અરે, વિનું ! આ ચાક કોણે બગાડ્યો ?”

વિનુ કહે : “એ તો ચાકનાં ચીતર કાઢ્યાં છે.”

બા પૂછે છે : “અલી વિજુ ! ત્યાં ઠામ કેમ પછાડે છે ?”

વિજુ કહે છે : "ઠામ નથી પછાડતી; એ તો અવાજ સાંભળું છું.

“કાં ભાઈ ! રમકડાં કાં ભાંગી નાખે છે?”

“એ તો અંદર શું છે, એ જોઉં છું.”

“ત્યાં બેઠો બેઠો બગાસાં કા મારે છે ?”

“બગાસાં નથી મારતો; આ કીડીઓ દરમાં જાય છે એ જોઉં છું.”

માબાપો અને બાળકો વચ્ચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દઈને સાંભળીશું તો આવા કેટલાયે સંવાદો જડશે.

ઉપર અપાયા છે તેવા ચિત્રવિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણને આપે છે ત્યારે કાં તો આપણે તે લક્ષમાં જ લેતાં નથી, કાં તો તેમાં બાળકની બાલિશતા જોઈ હસી કાઢીએ છીએ. ઘણી વાર એવા જવાબોથી આપણે ચિડાઇને બાળકને ધમકાવીએ છીએ, પરંતુ બાળકે એવો જવાબ શા માટે આપ્યો તેનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ.

જરાક વિચાર કરીશું તો આ બધી વાતો આપણને બતાવશે કે આપણી અને બાળકની દૃષ્ટિમાં ક્યાં અને કેવો ભેદ છે. પણ આપણને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી. એવી નમાલી બાબતો પર વિચાર કરવાનું પણ શું હોય ? આપણી ઉતાવળમાં અથવા મોટાઈમાં આપણે સાંભળ્યું, ન સાંભળ્યું કરીએ છીએ. ઘણી વાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે આપણા પોતાના વિચાર આરોપીએ છીએ, ને આરોપેલા વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ !

બાળક ચાક વાપરે છે તે આપણા મનને બગાડરૂપ છે. આપણી નજરે ચાકનો ઉપયોગ અમુક જ પ્રકારનો છે. બાળકે કાઢેલા ચાકના આડાઅવળા લીટા આપણી નજરે નિરર્થક છે જ્યારે બાળકને મન એ ચિત્રો છે; આપણી દૃષ્ટિએ ત્યાં વ્યય છે, ખાળકની દૃષ્ટિએ કિંમતી ઉપયોગ છે. બાળકો જોડાથી રમે છે, તેને સરખા કરી મૂકે છે, તેમાં પગ નાખી ચાલે છે, કોઇકના જોડા પહેરી મલકાય છે, ત્યારે આપણને એમાં અસભ્યતા, ગંદાપણું, ખોટો ધંધો વગેરે લાગે છે. બાળકોની સામે જોડાઓ પદાર્થોની સરખામણી અને ભેદ જોવાનાં માપ કાઢવાનાં અને સમતોલતા અસમતોલતા જાણવાનાં સાધનો છે. બાળકો જોડાઓથી રમીને પણ નાનામોટા માપના ખ્યાલો લે છે. પગમાં નાખીને ચાલી જોવામાં પડવાની ચાલવાની ગમ્મત લે છે. રમતમાં શરીરના કાબૂનો અનુભવ મળે છે. વાધરી અને બુતાન બીડવા-છોડવામાં આંખ અને આંગળાંની કસરત છે.

આમ બાળકની દૃષ્ટિએ તેમની નાની નજીવી પ્રવૃત્તિમાં પણ ઘણું છે, જ્યારે આપણી દૃષ્ટિએ કશું નથી. ખરી વાત આપણી નહિ પણ બાળકની દૃષ્ટિ હોવી જોઇએ. જેને પોતાની આંખ છે તેને પોતાની દૃષ્ટિ હોવી જોઇએ. જેને પોતાની જીભ છે તેને પોતાના સ્વાદની પરવા જોઈએ. જેને બુદ્ધિ છે તેને પોતાની જ બુદ્ધિના વપરાશની કિંમત છે. જે બીજાને પોતાની આંખ આપી બીજાની આંખ બંધ કરે છે, જે પોતાની બુદ્ધિનું આસ્તરણ પાથરી બીજાની બુદ્ધિને ઢાંકે છે તેઓ બીજાની ઉન્નતિના દ્રોહી છે. આપણું કર્તવ્ય બાળકની દૃષ્ટિ સમજવામાં છે. બાળકનો ઉદ્ધાર તેમાં જ છે. બાળકને પણ જગત અને જીવન પ્રત્યે અમુક ચોક્કસ દૃષ્ટિ છે અને તે હોવી જોઇએ, એમ જો સ્વીકારીએ, અને પછીથી એ દૃષ્ટિને આડે ન આવીએ પણ તેને સહાનુભૂતિપૂર્વક સમજવા યત્ન કરી તેની પ્રવૃત્તિઓને થવા દઇએ, તો આપણે બાળકને તેની દૃષ્ટિથી સમજશું; તો બાળક આપણી દૃષ્ટિ પણ સમજશે. આ રીતે પરસ્પરની દૃષ્ટિએ સમજાતાં વધારે વિશ્વાસ આવશે, અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે.