લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/બાળકમાં અશ્રદ્ધા

વિકિસ્રોતમાંથી
← લાગી જાત મા બાપ થવું આકરું છે
બાળકમાં અશ્રદ્ધા
ગિજુભાઈ બધેકા
ટોકણી →





[૧૩]
બાળકમાં અશ્રદ્વા
 


નાનું છોકરું પોતાનામાં શક્તિ આવી છે એની ખાતરી રાખી તપેલું લઈને માને દેવા જાય છે. મા કહે છે: “મૂકી દે; તારાથી નહિ લેવાય.”

છોકરો મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી એ પગથિયાં પછી ત્રીજે પગથિયે ચડવા જાય છે ત્યાં બાપ કહે છે: “હેઠો ઊતર; હજી ચડ્યા જેવડો નથી. પડીશ તો હાડકાં રંગાઈ જશે.”

છોકરું પોતાની આંગળીની સંભાળ રાખીને શાક સુધારે છે કે પેન્સિલની અણી કાઢે છે. બાપ ખિજાઈને કહે છે: “છરી હેઠે મૂકી દે; નાને પંડે નાનો ને મોટાંનું કામ કરવા જાય છે?”

છોકરું કહે છે : “હું તો હવે આવડો મોટો ખાડો ટપી જાઉં. હવે તો હું આવડો મોટો પથરો ઉપાડું.” ઘરમાંથી કોઈ કહેશે : “બાપુ! મકોડાની કડ સંભાળજે.”

બારણું ન ઊઘડતું હોય ને છોકરું કહેશે : “લાવો હું ઉઘાડી દઉં.” બધાં એને ભોંઠું પાડીને કહેશે : “કાંઈ છોકરાથી તે છાશ પિવાતી હશે?”

મોટાંઓ કોઈ મુશ્કેલીના પ્રસંગે કોઈ ગૂંચ ઉકેલતાં હોય છે એટલામાં છોકરું આવીને પોતાની દૃષ્ટિએ કાંઈક માર્ગ બતાવવા બોલે છે. બધાં કહે છે : “આ જોને, કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં!”

છોકરી દાળશાક વઘારવા માગે. બા કહેશે : “દાઝી જઈશ.” છોકરી કહેશે : ચોખા સમા કરવા આપો.” બા કહેશે : “ઢોળી નાખીશ; આવડે નહિ.”

આમ ને આમ કહીને આપણે બાળકમાં તેની જાત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ. બાળકો અમુક વખતે અમુક કામ શીખવા માગે છે. તે વખતનો તેમનો ઉત્સાહ જબ્બર હોય છે. નવું જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે, ને તેથી તેઓ પોતાનું કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરે છે. તે વખતે તેઓ જાતને સંભાળવાની કાળજી રાખી શકે છે; તે વખતે અમુક આમ થાય અને અમુક તેમ થાય એમ બતાવવામાં આવે છે તો તેઓ ભૂલ ન થાય માટે અસાધારણ ચિંતા રાખીને કામ બજાવે છે. તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હોવાથી તેમના ચહેરા ઉપર આનંદ હોય છે; શરીરમાં ચેતન હોય છે. પ્રત્યેક પળે તેએ જેમ જેમ કામ કરતાં જાય છે, તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતો જાય છે. એ વધેલા વિશ્વાસને લીધે આપણને તે કહે છે : “કરી શકીશ; મને કરવા દ્યો. મને આવડે છે!” અને જો કરવા નથી દેતાં તા ઘણી વાર કજિયા કરે છે, ને માર પણ ખાય છે.

પણ વારંવાર ના પાડવાથી અને નહિ થાય એમ કહેવાથી બાળક પેાતાની જાતમાં વિશ્વાસ ખોઈ બેસે છે. પછીથી પોતે કામ કરતાં જ ડરે છે. કામ કરવા જતાં માબાપનું વચન તેને સાંભરે છે ને તે મૂકી દે છે. પોતે એમ જ માને છે કે ચોક્કસ પોતાથી નહિ થાય. તેને જો કોઈ કહે છે : “પાટલો લાવ ને ?” તો તે ના પાડે છે. પરાણે ઊપડાવે છે તા પાટલો પડી જાય છે. ત્યારે રડે છે. કારણ પૂછતાં જણાય છે કે તે એમ માને છે કે “પોતાથી તે ન બની શકે. પોતે કેમ કરી શકે ?”

મારા અનુભવમાં આવા ઘણા દાખલાઓ આવ્યા છે. તેમાંનો એક બસ થશે. ચંદુભાઈની માએ એનામાં અવિશ્વાસનું ઈન્જેક્શન કરેલું. તેને મેં કહ્યું: “ભાઈ ! ચાલો આ પુલ ઉપર.”

તે કહે : “મારાથી નહિ અવાય. ડૂબી જાઉં.”

મેં કહ્યું : “કોણ કહે છે?”

“મારી બા કહેતી હતી.”

“ચંદુભાઈ! પેલો પથરા લાવો.”

“હું નહિ લાવું.”

“કેમ?”

“મારાથી નહિ ઊપડે.”

“કેમ જાણ્યું?”

“મારી મા કહે છે કે મારાથી ન ઊપડે.”

“પણ હુંં કહું છું કે ઊપડશે. ચાલો, આપણે ઉપાડી જોઇએ.”

છેવટે મેં એની સાથે રહી એ કામ થઇ શકે છે એવી તેને ખાતરી કરાવી ત્યારે તે હસ્યો ને પછી વિચારમાં પડ્યો.

તે દિવસથી તે છોકરામાં ઘણો ફેરફાર થયો. ગયેલી શ્રદ્ધાનું કિરણ તેનામાં ફરી વાર પ્રગટ્યું.

આપણે બાળકોમાં અશ્રદ્ધા પેદા કરી તેમને અશક્ત કરી નાખીએ છીએ. ખરી રીતે બાળકોમાં આપણો અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણા પોતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે. આપણે બાળકોમાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઇએ. થોડી પણ શ્રદ્ધા રાખશું તો જરૂર તેઓ આપણને ખાતરી કરી જ આપશે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે. બાળક નાનું છે પણ મનુષ્ય છે; તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું છે. આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં મદદ કરવાનું છે. આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ.