મા બાપ થવું આકરું છે/બાળકો અને મહેમાનો
| ← બચી | મા બાપ થવું આકરું છે બાળકો અને મહેમાનો ગિજુભાઈ બધેકા |
ચંદ્રકાંત પિતા હતો → |
ઘરની નાનીશી દુનિયામાં નાનાં બાળકા સામે નવો
માણસ ‘મહેમાન’ છે. આ મહેમાન બાળકોનું ધ્યાન તુરત
જ ખેંચે છે, બાળકોની કુતૂહલવૃત્તિ જગાડે છે અને
બાળકોને તે અભ્યાસ રૂપ થઈ પડે છે. પરિણામે મહેમાન
બાળકને જાગૃત કરી જાય છે, સારીમાઠી બાબતોની છાપો
પાડી જાય છે, બાળકોના કુમળાં જીવનમાં તાત્કાલિક અને
કેટલીએક વાર કાયમી નુકસાનનાં બીજો રોપી જાય છે.
બાળકો તેને પોતાનાં માબાપના જાણીતો, મિત્ર રૂપ, સગો કે સ્નેહી સમજીને તેની પાસે જાય છે, તેની સાથે વાતો કરે છે, તેને પોતાની વાર્તા કહે છે, ઘરની વાર્તા કહે છે, બા અને બાપાની વાત પણ કહે છે; ઉપરાંત તેઓ મહેમાનો પાસેથી વાતો સાંભળે છે.
તેઓ જાણતાં નથી કે મહેમાનો જે વર્તન રાખે છે તે ઇષ્ટ છે કે અનિષ્ટ; મહેમાન જે વાતો કહે છે તે સારી ગણાય કે નઠારી; મહેમાન જે રીતે તેમની સાથે વર્તે છે તે સારું સારું ગણાય કે નઠારું; કારણકે બાળકો મહેમાનોને અત્યંત વિશ્વાસથી પોતાના ગણે છે. ઉપરાંત ‘મહેમાન’ એક નવી જ વ્યક્તિ હોવાથી તેનું બધું નવું જ લાગે છે, અને તે નવીનતાને કારણે બાળકો તે જોવા-જાણવા લલચાય છે. અજાણ બાળકોને ખ્યાલ નથી હોતો કે બધી નવીનતા સારી નથી હોતી; ઘણી વાર તો તે ભયંકર હાય છે.
મહેમાનો બાળકોને પરાણે પરાણે પાસે બોલાવે છે; તેમનો હાથ પકડે છે, તેમને ગલીપચી કરે છે, તેમને ખોળામાં બેસાડે છે, તેમને કુદાવે છે, નચાવે છે. આ બધું તેમના અધિકારની બહાર જ છે એ વાત જુદી છે; પણ ભલાં બાળકો એમ માને છે કે જ્યારે બા કે બાપાના આ મહેમાનો છે, મહેમાનો મોટા માણસ છે, બા અને બાપા તેમને માન આપે છે, ત્યારે તો તેઓ સારા જ હશે. તેઓ જે કરતા હશે તે સારું જ કરતા હશે. તેઓ જે કરે તે ન ગમે તો કોઈને કહેવાય નહિ કે બોલાય નહિ.
બાળકોને ઘણા મહેમાનોના ત્રાસરૂપ લાગે છે, તેમને કઢંગા અને જંગલી જેવા લાગે છે. સંસ્કારી બાળકો તેમનાથી દૂર જ રહે છે. છતાં મહેમાનો તેમને પાસે લે છે, રમાડે છે, ત્યારે તે મૂંગાં રહે છે કે કોઇ વાર રડી પડે છે. આવે વખતે માબાપો ઊલટાં બાળકોને કહે છેઃ “જો, એમ ન થાય. વાત કરો, બેટા ! એ તા આપણે ફલાણા છે. એમ ન થાય. વાત કરો, બેટા ! એ તો આપણે ફલાણા છે. એમ કાંઇ થાય ? એમ ન રડાય.”
પણ માબાપોને બાળકો મહેમાનોની દુર્ગંધ સમજાવી શકતાં હોત તો માબાપોની આંખ તુરત ઊઘડત, અને તેમનાથી બાળકોને તેઓ બચાવી લેત.
બાળકોને મહેમાનોની વાસ તીવ્રપણે આવે છે. તેઓ સારાનરસા મહેમાનોને ઓળખી કાઢે છે અને તે પ્રમાણે પરિચય લેવા રાજીકરાજી હોય છે. છતાં જ્યારે એકવાર તેઓ મહેમાનોની બદીનાં ભોગ થઈ પડે છે, ત્યારે તેઓ પણ મહેમાનપ્રિય થઇ જાય છે, અને મહેમાનોને પસંદ કરે છે. પછી તો ઘણા મહેમાનો પાસેથી બાળકો ન સમજે તેમ ચારિત્ર્યની હીનતાની દૂર દૂરની ભયંકરતાનો અસ્પષ્ટ એવો પરિચય મેળવે છે, અને પોતે ન સમજે તેમ તેનો એક પ્રકારનો આનંદ મેળવે છે.
બધા મહેમાનોનો ઉપરલખ્યો લાભ નથી મળતો; પણ કેટલાએક હલકા મહેમાનો આવા લાભ આપવા શક્તિવાન હોય છે.
મહેમાનોના વર્ગો પાડીએ તો મિત્રો, સગાંઓ, ફાલતુ આવતાજતા આડતિયાઓ, ભલામણથી આવેલા વટેમાર્ગુઓ, વગેરે વર્ગો પડે. અંગ્રેજીમાં કહેવત છે કે “ખુદા આપણને આપણા મિત્રોથી બચાવે.” એ કહેવત વધારે સારી રીતે આપણે એમ સમજવી જોઈએ કે “ખુદા આપણાં બાળકોને આપણા મિત્રોથી બચાવે” આપણા મિત્રો એટલે વધારે નજીકના વધારે હક્ક ધરાવનારાઓ, વધારે માનનીય માણસો. તેઓ બીડી પીતાં પીતાં બાળકોને રમાડે તો બાળકોએ તેમના ધુમાડા સહન કરવા ! તે ગંધાતા મોઢે બાળકોને બચી લે તો બાળકોએ તે કબૂલ રાખવી ! તેઓ બાળકોના વાંસા થાબડે તો બાળકોએ તે માન્ય રાખવું ! તેઓ તેમને બે પગ વચ્ચે કે હાથ વચ્ચે દાબીને ભીંસે તો બાળકોએ તે ગમાડવું ! માબાપોએ પોતાના મિત્રોને આ કુટેવમાંથી છોડાવવા જ જોઇએ.
સગાંસંબંધીઓ તથા મહેમાનોની લાગણીનો બહુ લાભ બાળકોને આપવાની જરૂર નથી. તે બાળકો ઉપર જે કૌટુંબિક હક્ક ધરાવે છે તેનો પટ્ટો હવે પૂરો થયો છે એમ માબાપે વિચારી લેવું. સગાંસંબંધીઓ બાળકો માટે આદર્શ રૂપ છે એવું બાળકો કદી ન સમજે તે જોવું. આપણે આવા મહેમાનોની ટેવો, વિચારો વગેરે વિષે ઘરમાં છૂટથી બાળકો સમક્ષ વાર્તા કરીએ જ. “તારી બા આવી છે; તારી માશી તો આવી છે; ફલાણીએ ફલાણાંને એમ કહ્યું હતું; તું નાનો હતો કે તું ધાવણી હતી ત્યારે આમ બન્યું હતું ને તેમ બન્યું હતું; તારા બાપ કે બા પરણ્યાં ત્યારે અમે આમ કર્યું હતું ને તેમ કર્યું હતું.” વગેરે વાતો હવેથી સગાંસંબંધીઓ બાળકોને કરતાં અટકે તે માટે ખૂબ કાળજી લેવી. સગાંસંબંધીઓ આપણાં માન, મમતા ને આપણી મહેમાનગતીનાં અધિકારી છે; પણ તેઓનો બાળકો સાથે વાતો કરવાનો ચાલુ થયેલો હક્ક અતિથિસત્કારની યાદીમાંથી કાઢી નાખવો જોઈએ.
આપણે ત્યાં આવતા-જતા આડતિયાઓ વગેરે માણસો અગર વટેમાર્ગુઓ સાથે આપણાં બાળકોને પરિચય હોવો જ ન જોઈએ. આપણાં બાળકોને એમ જ કહી રાખવું ઘટે, કે આપણે તેમની સાથે કામ ન પડાય; આપણે તેમની પાસે જવાની અને બેસવાની જરૂર ન હોય. બાળકોને એવી રીતે રાખવાં અને મહેમાનોને એવી રીતે ગોઠવવા કે તેમની વચ્ચે પરિચય થવાનો અવકાશ ન રહે. ધીમે ધીમે બાળકોમાં મહેમાન મહેમાન વચ્ચેનો તફાવત સમજવાની સૂક્ષ્મ ભેદવાળી સંસ્કારિતા કેળવવી. બાળકો સાથે વારંવાર વાતો કરવાથી અને તેમનું વર્તન દોરવાથી બાળકોમાં આ સમજણ પેદા થશે, બાળકો અભિમાની ન થાય, સૂગવાળાં ન થાય, અતિથિ પ્રત્યે ઘૃણાવાળાં ન થાય, તેવી રીતે તેમને ખ્યાલ આવવા દેવો કે આપણાથી અમુક માણસો સાથે એકદમ હળાય-મળાય નહિ. અમુક માણસો સાથે બેસાય–ઉઠાય નહિ. બાળકોના પોતાના દરજ્જાથી એ નીચું જ ગણાય એમ તેમના મનમાં ઉતારવું જોઈએ. આ ઉતારવાની રીત દરેક વિચારી અને સંસ્કારી માતાપિતા પોતાની મેળે જ શોધી શકે છે. અને તે તેમણે શોધી કાઢવી.
આડતિયાઓ અને વટેમાર્ગુ જેવા મહેમાનો આપણા તરફ સ્નેહ કે ઉપકારની લાગણી બતાવવા બાળકોને રમાડે છે, તેમને ભેટ આપે છે; ફરવા લઈ જવા કહે છે. આ બાબતમાં આપણું વલણુ બહુ સ્પષ્ટ અને કડક જ રહેવું જોઈએ. આપણે જ મહેમાનોને સ્પષ્ટ ના કહી દેવી જોઈએ. બાળકોના વલણને તેવે વખતે માન આપવાની જરૂર નથી, કેમકે તે વલણ મહેમાનોએ ઊભું કરેલું અને કૃત્રિમ છે. બાળકોને જોઇએ તે આપણે લઈ દઈએ, અગર તેમને ગમે ત્યાં ફરવા લઇ જઈએ; પણ મહેમાનોને તેમ કરવા ન દઈએ. બાળક ઘણી વાર આને લીધે લોભી અને લાલચુ બને છે. માબાપો પાસેથી ન મળતું બીજેથી મેળવવા યત્ન કરે છે, અને એમ હલકું બને છે.
આપણાં બાળકો અતડાં દેખાય તેની ચિંતા નહિ; આપણે જરા ગુમાની દેખાઈએ તેની પણ ચિંતા નહિ પણ બાળકોને ગમે તેવા મહેમાનો સાથે હળવામળવા કે રમવારઝળવા છૂટાં તો ન જ મૂકીએ. હા, આપણે બાળકોને મહેમાનોની નાની એવી સેવામાં પ્રંગોગાપાત્ત ગોઠવી શકીએ. જેમકે તેમને મહેમાનોને પીરસવા રાખીએ, મહેમાનોને માટે તેમની પાસે પાણી કે પાનસોપારી મગાવીએ, મહેમાનોને તેડવા જતાં કોઈ વાર તેમને સાથે લઈ જઈએ, અને એ રીતે અતિથિભાવના, અતિથિની કિંમત આપણે જરૂર તેમની પાસે મૂકીએ. પણ મહેમાનોનો ભોગ તો બાળકોને ન જ થવા દઇએ.
આપણે સૌ એકબીજાને ઘેર મહેમાનો તરીકે જઇએ છીએ. આપણે સૌ એકબીજાનાં બાળકો તરફના આપણા હકો અને મર્યાદાઓ સમજી લઇએ તો આપણે બાળકોને બચાવી લઈ શકીએ તેમ છીએ. મિત્રોનાં બાળકો પ્રત્યે કે સગાંનાં બાળકો પ્રત્યે આપણને મમતા હોય અને હોવી જોઇએ; તે પોષવી પણ જોઇએ. મિત્રોનાં બાળકો ધીમે ધીમે આપણાં બાળકોનાં મિત્રો થાય, એ મિત્રપરંપરા અથવા સગપણપરંપરા ઊતરે તે રૂડું છે, અને તે માટે જ આપણાં બાળકોની મૈત્રી બહુ સંભાળથી, બહુ આદરથી, બહુ યોગ્યતાપૂર્વક સાધીએ. આપણાથી મિત્રોનાં બાળકો દૂર રહે તો તેથી આપણે ખોટું ન લગાડીએ. મિત્રનાં બાળકો કે ખાનદાન કુટુંબનાં આપણા શેઠનાં બાળકો આપણી સાથે રમે, હળેમળે તો આપણને ગમે છે; આપણે તેમાં થોડીએક મોટાઇ પણ માનીએ છીએ. પણ તે બધું બાળકોના હિત ખાતર છોડી દઇએ. આજે બાળકો ખાતર સૌએ જેમ ઘણું છોડવાનું છે, બાળકો ખાતર પોતાની યોગ્યતા વધારવાની છે, તેમ જ આ બાબતમાં પણ અવશ્ય કરીએ.
આપણે માબાપો પણ મિત્રોનો સાચો અને સદુપયોગ કરીએ. મિત્રોની આવડતનો, બુદ્ધિનો, કલાપ્રિયતાનો ને સંસ્કારિતાનો લાભ આપણાં બાળકોને જરૂર અપાવીએ. એટલા માટે યોગ્યતાવાળા મિત્રોને ઘરમાં વધારે નજીકનું સ્થાન આપી તેમની વાર્તા, નાટકો, વાતચીત, ખેલો, ગમ્મત વગેરે સાંભળવા જોવાનું બાળકો માટે જરૂર ગોઠવીએ. બાળકો માણસોનાં કેટલેક અંશે ભૂખ્યાં છે; તેઓ બહિર્ જગતનો મહેમાન દ્વારા અભ્યાસ કરી શકે છે. પણ તે ભૂખ સારા અને સાજા ખોરાકથી ટળે તેવું આપણે કાળજીપૂર્વક ગોઠવવું, છતાં સારામાં સારા મહેમાનો વચ્ચે આપણાં બાળકોને કેવળ મૂકી દેવાં અને કેવળ ભરેાંસે ચલવી લેવું એ બહુ ઠીક નથી. સારી વસ્તુની શોધ માટેની ચીવટ અને અવિશ્વાસ એ બેમાં તફાવત છે. આપણા મહેમાન આપણા માથા પર છે; પણ આપણી ચીવટ તેથી કમી કરવાની જરૂર નથી.