લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/બાળકો બીકણ કેમ થાય છે

વિકિસ્રોતમાંથી
← વહેમનું શિક્ષણ મા બાપ થવું આકરું છે
બાળકો બીકણ કેમ થાય છે
ગિજુભાઈ બધેકા
ભૂખલપણું →



[ ૧૮ ]
બાળકો બીકણ કેમ થાય છે ?
 


: ૧ :

“બચીબેન ! જરા દૂર જઈને પેશાબ કરો ને ?”

“ના ના; બાવો લઈ જાય ના ! મારી બા કહેતી હતી કે દૂર જઇએ તો બાવો લઈ જાય. દૂર ન જવાય.”

હું હબકી ગયો ! “માબાપ બાળકોને શું કામ બીવરાવતાં હશે ?”

પણ બીવરાવવું એ તો સાધારણ વાત છે. માબાપોને એમ લાગતું જ નથી કે એથી કાંઇ હાનિ છે.

બાળકે બરફ ખાવાનો કજિયો કર્યો; કજિયો કેમે ઓલાય નહિ. મા કહેશે : “છાનું રહે છે કે નહિ ? મકોડાની કોઠીમાં નાખી દઈશ ! નહિતર આ અંધારી કોટડીમાં પૂરી દઇશ. ઓલ્યા કાળા ગરનાળા પાસે મૂકી આવીશ, ને નહિતર સિપાઈને બોલાવીશ.”

છોકરીને બાએ ઘરેણાં પહેરાવ્યાં. છોકરીને રમવા જવું છે. કાકો કહે છે : “એલી બહાર ન જઈશ, હો કે ? નહિતર બાવો લઈ જશે ઓલ્યો કાબલી ભાળ્યો છે ? નાનાં છોકરાંને તો ચોરણામાં ઘાલીને લઇ જાય છે.”

કોણ જાણે શા ય કારણથી નાનું બાળક રાતે રડે છે. મા તેને ધબ્બો મારી ડરાવે છે: “સૂઈ જાય છે કે નહિ ? ઓલ્યું શિયાળ બોલે છે તેને ખવરાવી દઈશ!”

છોકરાઓ રાતે રમવા નીકળે છે. મોટાં મા કહે છે: “એલા છેાકરા ! પેલા પીપળા હેઠે જશો મા; ત્યાં તો ભૂત થાય છે. ભરખી જશે.”

છોકરાને બાપે માર્યો છે. તે રડે છે એટલે ફઈ કહે છે: “એલા મોઢું ફાડીને રડે છે તે વીંછી આવીને મોઢામાં ફટકાવશે, હો કે ?”

વરસાદ આવ્યો ને છોકરો નાહવા દોડ્યો. મોટીબહેન કહે છે: “બાપાને આવવા દે, તારાં હાડકાં ભંગાવું!”

નાના કાકા કહે છે: “એ રમુડા | પાઠ કરવા બેસ, નહિતર માસ્તરનો માર ખવરાવીશ.”

મોટા બાપા કહે છે: “એલા કૂવા પાસે જશો તો મરી જ જશો !”

હરખા ભાભા કહે છે : “એલા કૂતરાને રમાડો છો ? બચકું ભરશે હો કે ?”

માબાપ કહે છે: “ખોટું બોલીશ તો નરકમાં પડીશ ને કોઢ નીકળશે.”

બા કહે છે : “રાંધતાં રાધતાં ખાઈએ તો આવતા ભવમાં વડવાંગળી થઇએ.”

દાદા કહે છે : “એલા હનુમાનને પગે ન લાગીએ તો હનુમાન કોપે ના ? ”

બાપા કહે છે : “એલા ગાંધીજીકી જે ન બોલાય. વંદે માતરમ્‌ બોલીએ તો સરકાર જેલમાં નાખે!”

કેટલીયે જાતની બીકો: બાવાની બીક, ભૂતપલીતની બીક, વાઘવરુની બીક, સિપાઈ-શિક્ષકની બીક, સરકારની બીક : બધે બીક, બીક ને બીક! પરિણામે બાળક કેવળ નામર્દ, બાયલું, ડરપોક અને નાદાન બને છે.

“દૂર જઈશ તો વાઘ ખાઈ જશે.” એ બીક નાનપણમાં લાગે. બાળક મોટું થાય ત્યારે માસ્તરથી બીએ. માસ્તરથી બીએ તે સિપાઇથી બીએ; સિપાઇથી બીએ તે સત્તાથી બીએ. સત્તા જાણે મોટો વાઘદીપડો ! જાણે મોટો હાઉ!

અંધારાની બીક નાનપણમાં લાગી. મોટું થતાં ભૂતની બીક; આગળ જતાં વીરની બીક; ત્યાર પછી માતા–મેલડીની બીક; એમ કરતાં ભગવાનની બીક. એ ચાલી બીકપરંપરા ! બીક શરીરને નિઃસત્ત્વ કરે છે; મનને નબળું કરે છે. બીધેલું બાળક આખો બંધ કરે છે. તે બળહીન બને છે; તેનું હૈયું થડકે છે; પરસેવે રેબઝેબ બને છે; મળમૂત્ર પણ કરી નાખે છે ! પ્રત્યેક બીકરામણીના પ્રસંગે બાળકના મોં સામે જોવું ને છાતીએ હાથ મૂકવો. બીકની ભયંકરતા સમજાશે.

: ૨ :

એકવાર મારા ઘરના મોભમાં ઉંદર બોલતો હતો: ‘ચૂં ચૂં ચૂં.’ ઉંદરને બોલતા બંધ કરવા માટે હું એક બારી પાસે ગયો અને જોરથી બારી ભટકાવી. જાણે કે ઉંદરની સામે થતો હોઉં એમ ‘સીસ’ ‘સીસ’ સિસોટી વગાડી. મારા હાથમાં બે વરસની ટીકુ હતી. અગાઉ ઉંદરના ‘ચું ચું’ થી તે બીતી જાણવામાં આવી નહોતી પરંતુ ઉંદરને હાંકતી વખતનો મારો દેખાવ, બારીનું જોરથી ભટકાવું, ક્રોધયુક્ત સીટીનું વગાડવું : એકંદર ભયની સામે થતો હોઉં એવો મારા દેખાવ અને વર્તનથી ટીકુના ઉપર સજ્જડ ભયની છાપ પડી. પહેલાં જેની બીક તેના મનમાં નહોતી તેનાથી તે બીધી. તેના મોઢા ઉપર ભયનાં ચિહ્નો દેખાયાં. તે વખતે મારું ધ્યાન એના તરફ એટલું બધું ગયેલું નહિ. થોડી વારે મેં ટીકુને જેમ પ્રાણીઓ ભયને પ્રસગે આંખ બંધ કરીને જે થવાનું હશે તે થશે એમ ધારી ઊંધાં સૂઈ જાય છે, એમ ધોયેલાં કપડાંમાં આંખો મીંચીને ઊંધી પડેલી જોઈ. તપાસતાં તરત માલૂમ પડ્યું કે તે ઉંદરથી બીતી હતી. ભયને લીધે તે આટલી ઉઘાડી રીતે પણ આંખ બંધ કરીને સંતાઈ હતી.

મારી ભૂલ મને સમજાઈ. હું તેને ફરી વાર બારી પાસે લઇ ગયો. ભય ટાળવા મેં કહ્યું : “એ તો ઉંદર હતો; હું તેને કાઢતો હતો.” પણ તેની બીક ગઈ નહિ. મેં ઉપર કહ્યું તેમ મારી ઉંદર કાઢવાની રીતથી તે ઉંદરથી બી ગઈ હતી. ત્યાર પછી તે ભીંત સામે જોઈને ‘ઉંદર’ એમ કહીને બીતી; ઘોડિયામાં સૂતી હોય તો ભીંત સામે જોઈને બેચેન થતી; ખાટલામાં હોય તો ઉંદરની બીકે તે પાસે આવતી ને મૂંગી મૂંગી પડી રહેતી; આંખ ફાડી રાખતી ને હાલતીચાલતી નહિ. આખરે મેં ઉંદર નાસી ગયો છે, મેં તેને કાઢી મૂક્યો છે, હવે તે નથી જ કારણકે ‘ચૂં ચૂં’ બોલતો નથી, એવી ખાતરી કરી આપી અને તેને ભયમાંથી મુક્ત કરી.

ઘણી વાર આવી રીતે જેમાં કશું બીવાપણું હોતું જ નથી તેનાથી પણ આપણી પોતાની વર્તવાની રીતને લીધે બાળકો બીતાં શીખે છે. ઘરમાં કૂતરું પેસે ને બા કે ભાઈ હાથમાં લાકડી લઈને જુસ્સાથી બેધડકપણે તેને હાંકી કાઢશે તો બાળક તે પ્રમાણે કૂતરાને હાંકી કાઢતાં શીખશે; પણ જો બા કે ભાઈ તેનાથી ‘ઓયવોય’ બોલીને ડરીને ભાગશે તો બાળક પણ ડરતાં શીખશે, મોટાંઓને અંધારામાં ઝઝકતાં જોઈને કે ‘બીઉં છું’ કહેતાં સાંભળીને કે ભાગી જતાં જોઈને બાળક પણ બીતાં શીખે છે. મોટાંઓ બિહામણે ચહેરે ને ભયભીત અવાજે રાક્ષસની અને ભૂતપ્રેતની કે બીજી વાતો પોતે પણ બીતાં બીતાં કરે છે, ત્યારે બાળક તેમાંથી બીતાં જ શીખે છે.

બાળકમાં બીક સ્વાભાવિક છે. પરવશતા અને અજ્ઞાન એ આનાં કારણો છે. એનો ઉપાય કરવાને બદલે ઊલટું જ્યાં ખરેખર બીકનું કારણ નથી હોતું ત્યાં પણ આપણે જ બીને બાળકમાં બીકનું આરોપણ કરીએ છીએ. તેમાં આપણે બાળકને નુકસાન કરીએ છીએ. વીંછી નીકળે ત્યારે “વોય બાપરે!” એમ કરીને આપણે ભાગીએ નહિ ને પગ ધ્રુજાવતા આઘે ઊભા રહીએ નહિ, પણ તેને ઝડપ દઈને સંભાળથી સાંણસીથી પકડીએ તો બાળક સમજી લેશે કે એમાં કશું બીવા જેવું નથી; માત્ર સાવચેતી રાખવાની જરૂર છે સિંહ, વાઘ કે સાપ : જેનો ભય રાખવાની જરૂર છે તેની સામે પણ નીડરપણે કેમ થઈ શકાય તેની વાત કરીએ, આવા પ્રસંગે રક્ષણની સંભાળ લઈ નિર્ભય વર્તન બતાવીએ, તો બાળક ખરેખરા ભયમાં પણ બીધા વિના રક્ષણ કરતાં શીખશે. રાક્ષસ સાથે લડીને બળ હોય તો તેને પણ મારી શકાય, એવી રીતમાં રાક્ષસની વાત બાળક પાસે આવે તો તે રાક્ષસની બીકમાંથી ઊગરે. ટૂંકમાં જે પ્રસંગોએ ખરેખર બીવા જેવું નથી હોતું તે તે પ્રસંગોએ આપણા વર્તનથી ઘણી વાર બાળક બીતું થઇ જાય છે. તેમ ન થાય તે માટે આપણે કાળજી લેવી જોઇએ. ઉપરાંત સહીસલામતીની ખાતર જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નિર્ભયપણે કાળજી કેમ રખાય તેનો વિચાર બાળકમાં મૂકીએ તો બાળક ખરે વખતે બીકણ થઈને નાસી જવાને બદલે, અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.