મા બાપ થવું આકરું છે/ભૂખલપણું
| ← બાળકો બીકણ કેમ થાય છે | મા બાપ થવું આકરું છે ભૂખલપણું ગિજુભાઈ બધેકા |
કાકી ઘરમાં બોલાવે છે → |
બાલમંદિરમાં મારા પરિચયમાં ઘણાં બાળકો આવી ગયાં. કેટલાંએક મેં એવાં જોયાં કે જેમને નાસ્તો ખાવાની ગરજ જ ન હોય; આપણે તેમને બોલાવીએ તોપણ આવવાની પરવા નહિ. તેઓ એ વર્ગમાંનાં તો નથી જ કે જે જુદાં જુદાં કારણોથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત બીક કે ધ્યાન વખતે થતા અંધારાનો અણગમો વગેરેથી જમવાના ઓરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં માંદાં બાળકો માંહેનાં પણ નથી. માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વર્ગનાં બાળકો પણ નથી કે જેમને ઘેરથી કહેવામાં આવ્યું હોય કે અભડાઇ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઇશ નહિ.
આવાં બેપરવા બાળકો ઘણાં થોડાં જોવામાં આવે છે; છતાં તેનો એક ચોક્કસ વર્ગ તો લાગે જ છે. એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતો નથી. તેને મન પોતાનુ પેટ ભરેલું છે તે ધારે છે કે ઘેરથી ખાઇને આવેલ છું; ઘેર જઈને નાસ્તો ખાવાનો છે; આમાં શું છે ? આ વર્ગમાં કેવળ શ્રીમંતનાં બાળકો જ છે એમ નથી; ગરીબનાં બાળકો પણ છે.
બાળકોનો એક બીજો વર્ગ સાવ એટલો બધો બેપરવા નથી. તે જમવાને વખતે હાજર થાય છે. મંત્ર બોલાય છે તે વખતે જ ખાય છે. આજે નવું ખાવાનું શું છે તે રકાબી ઉપાડીને જોઈ લીધા પછી તેનું ધ્યાન ખાવામાં નથી રહેતું. આ બાળકો ઓરડામાં ચાલતી કસરત, વાતો, વાર્તા, આદર્શવાચન, વગેરેમાં લક્ષપૂર્વક રસ લે છે. તેમને બીજી રમતો કે કામ ગમી ગયું હોય છે તો તેઓ ખાવામાં મોડાં પણ થાય છે; વખતે ખાવામાંથી રહી જવાય કે ખાવાનું ન મળે તો તેઓ બેફિકર રહે છે. મોડાં થવાની બીક રમત કે કામ ઝટપટ પતાવતાં નથી. વખતસર હાજર થવાય તો ઠીક છે; ખાવાનું ખાધું તો યે ઠીક ને રહી ગયું તો યે ઠીક.
વળી એક વર્ગ એવો પણ છે કે જેને ભૂખ લાગે છે; ખાવાનું ભાવે છે. વખત થાય છે ત્યારે ખાવાનું સાંભરે છે, ને સાધારણ રીતે ખાવાનો વખત ન ચૂકવો તેવી નેમ ધરાવે છે. આ વર્ગ વખત થતાં હાથમોં ધોઇને બારણા પર હાજર થાય છે. શું પીરસાયું છે તે જાણ્યા પછી ખાવાનુંં મળવાનું તો છે જ એવી ખાતરી હોવાથી ચાલતી રમતગમતો ને વાતચીતોમાં ધ્યાન રાખે છે અથવા તે ન ગમે તો વાતચીત કે ગડબડ કરે છે. તેઓ વધારે પીરસાય છે તો ખુશીથી લે છે; વાદે વાદે વધારે પણ લે છે. કોઈ ‘અમને’ એમ બોલે છે તો આ વર્ગ ‘અમને, અમને’ એમ પણ બોલે છે. પરંતુ તેમને જે દિવસે ‘ખાવાની રજા’ હોય છે તે દિવસે આઘાત પહોંચતો નથી. તેઓ ખાવાનો વખત થયો કે નહિ તેની પૂછપરછ નથી કરતાં. શું આવ્યું છે તે જાણવાની ખાસ કાળજી પણ નથી રાખતાં. ધારો કે તેમને ખાવા ન આપ્યું તો તેઓ નારાજ થશે પણ દુઃખી નહિ થાય; તેમને ખાવું ગમે છે પણ તેઓ ખાવા પાછળ નથી. વધારે મળશે તો તેઓ પણ ખાશે, પણ વધારેને માટે મનમાં વિચાર રાખી પાછળથી નિરાશ થશે નહિ.
વળી એક બીજો વર્ગ પણ છે. આ વર્ગનાં બાળકો બાલમંદિરમાં નાસ્તામાં શું લાવ્યા છે તેની ખાસ તપાસ રાખે છે. વખતે વખતે ખાવાનું મૂકવાની જગ્યાએ જઇ તે ઉપર કૃપાકટાક્ષ કરી આવે છે; જરાક પ્રસન્નતા લઇ આવે છે. સારું ખાવાનું આવ્યું હોય તો તે દિવસે તેમને ઉત્સવ જેવું લાગે છે. ‘આજે જલેબી છે.’ ‘આજે ગુલાબજાંબુ છે.’ એવી વાતો તેઓ રસથી કરે છે, ને તેવી વાતો ફેલાવવામાં આનંદ લે છે. વળી તેઓ ખાવાની પાસે રહેવા માગે છે, તેથી તેઓ પીરસવાનાં ઉમેદવાર હોય છે; અગર તેમને પીરસવાનું કહેતાં કદી પણ ના પાડતાં જ નથી. બીજાં બાળકોની પેઠે પીરસવાની ગોઠવણમાં તેમને થોડો જ રસ છે; બીજાં કેટલાંએકની પેઠે પીરસતાં શીખવામાં–જેમ કે દૂધનું એક ટીપું ન પડે તેમ પીરસવું વગેરેમાં તેમને ખાસ મજા નથી; તેમની મજા નાસ્તો જોવામાં, તેનું નિકટત્વ સાધવામાં, ને કદાચ લાગ આવે તો ગળ્યું મોઢું કરી લેવામાં છે. બીજાં પેઠે તે ખાવામાંથી ગેરહાજર તો ભાગ્યે જ રહે છે. તેમને ગેરહાજર રાખવાં એ જ તેમને માટે જો દંડ કરવાનું હોય, તો દંડ ગણાય. એ વર્ગમાંના એક બાળકને એક વાર બીજાંઓથી જુદું પાડીને મૂકવામાં આવ્યું. જ્યાં સુધી તેને નાસ્તો મળ્યા કર્યો ત્યાં સુધી એકાકીપણાની સ્પષ્ટતા તેના મગજ ઉપર બેઠી નહિ; પણ જ્યારે તેને નાસ્તો આપવાનું બંધ કર્યું ત્યારે તેને એકાકીપણું ભારે લાગ્યું. આ વર્ગ જમવાનો વખત ભાગ્યે જ ચૂકે. ‘જે આટલું ભણી આપે તે જમે.’ એવું ઠરાવ્યું હોય તો તેઓ જરૂર જ્યાં સુધી જમવાનો વખત થાય ત્યાં સુધી ઊંચું માથું કર્યા વિના ભણ્યા જ કરે કામધંધો ન હોય માટે જ જમવાના ઓરડા આગળ તેઓ એકઠાં થતાં નથી, પણ ક્યારે નાસ્તભેગાં થઈએ એવું એમના મનમાં હોય છે. તેઓ બીજાની પેઠે એકલાં એકલાં પીરસતાં હોય તો છાનુંમાનું જરાક મોંમાં નાખ્યાના દાખલાઓ પણ છે. જમતી વખતે તેઓ રાંકના ગોળ જેમ ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે. કોઈ વાર જાહેર તો કોઈ વાર ખાનગી ઉઠંગી પણ કરે છે. જમતી વખતે મારી પાસે બેઠેલી એક છોકરીએ મારી નજર બીજે ગઇ ત્યાં મારી રકાબીમાંથી પેંડો ઉપાડી લીધેલો ! બીજી વધારે બુદ્ધિવાળી છોકરીએ ઉપરથી તો કામ કરવાના દેખાવ કરી જમેલાં વાસણો ઊંચકવાનું રાખેલુ, પણ અંદરનો હેતુ તો એંઠો ચેવડો ખાવાનો હતો ! બેશક છેક નાનાં અને નવાં બાળકો જેઓ એંઠાજૂઠામાં કશું સમજતાં નથી, તેઓ શીંગ લેવાનું કરે છે; કોઇના પ્યાલામાંથી અથવા નીચે પડેલી કે કોઇના હાથમાંથી આંચકીને ચીજ ખાઈ જાય છે. વળી જેઓ એકાદ ગમતી વસ્તુ પાછળ જ છે-નહિ કે જેઓનું મન જે દેખે તે ખાવામાં ભટક્યા કરે છે, ને જ્યાંથી લાગ આવે ત્યાંથી ખાવાનું જ કરે છે - તેવાં બાળકોને આપણે જુદાં પાડીએ છીએ. તેમના વિષે અહીં કશું જ કહેવામાં આવ્યું નથી.
પેલી મારી પાસે બેઠેલી છોકરી જ્યારે મારો પેંડો ખાઈ ગઈ ત્યારે મને માઠું લાગ્યું. છોકરી સારી હતી; હેતાળ હતી. મને તેની દયા આવી. છતાં મેં જે બધાંની દેખતાં તેની જરા નાલેશી કરી, ‘આ ખરાબ!’ એમ મેં કહ્યું, એ પણ અયોગ્ય જ હતું. એમ મને પાછળથી લાગ્યું. એ ને હું માંદી જ ગણું. એની મારે માનસિક દવા કરવી જોઈએ એમ લાગે છે. રોગનું કારણ અંદર હોય ત્યાં બહારથી વઢવું શા કામનું ?
બીજી છોકરી જે ચેવડો ખાઈ જતી હતી તેની સાથે મેં વાતચીત કરી ત્યારે મને જણાયું કે તેને ઘરમાં પૂરું ખાવાનું મળતું નથી; ખાવાનું આપે છે તે થોડું થોડું, અને ‘હે ઝાડા થશે !’ ‘હે બહુ ખાય છે!’ એમ કહીને આપે છે. છોકરી વાત કરતાં કરતાં હિજરાઇ ગયેલી ને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તે જ્યારે કામમાં લાગેલી ન હોય, બેચેન ફરતી હોય, કોઇના તરફ ચિડાતી હોય ત્યારે હું તેને પૂછું: “આજે જમી છો?” મને અચૂક જવાબ મળતો “આજે બા વઢી છે ને ખાવા નથી આપ્યુંં” બધી અવ્યવસ્થાનું કારણ ક્યાં છે તે હું તરત જ જાણી શકતો.
ઉપચાર તરીકે મેં એને બે પ્યાલા પિરસાવ્યા, પણ તેણે બે પ્યાલા એક જ દિવસ ખાધા; બીજે દિવસે તે શરમાઈ. બીજાં બાળકોએ તેના મનમાં આ શરમ નાખેલી. શરમની મારી તે મંદિરમાં ખાતાં અટકી, પરંતુ તેની મૂળ વૃત્તિ તો ત્યાં જ રહી. શરમભરમથી બહુ બહુ તો ઉપરનું ફળ આવે; તેથી તો ઉપરનો ખરો માણસ ઊંડો જાય. એટલે વિકૃતિ અંદર જતાં તેને સુધારવાની કે સુધરવાની તક દિવસે દિવસે ઓછી થાય. ધીમે ધીમે માણસ પોતાની વૃત્તિને પિછાનવાનું પણ ભૂલી જાય, અગર બહારથી દબાઇને સંતાઈ ગયેલી વૃત્તિને સંયમિત થઈ ગઈ છે એમ માની લે; જ્યારે પેલી વિકૃત વૃત્તિ તો એક અથવા બીજે રૂપે પાછી રોગ બનીને ફાટી નીકળવાની જ !
પેલા ભાઈબંધ જેને એકાકી કરવામાં આવ્યા હતા તેઓ બે દિવસ પહેલાં એંઠા પ્યાલામાં પડેલી ‘જલેબી’ સામે ભૂખની આંખથી જોઈ રહ્યા હતા; કોઈની નજર ન હોય તો ઉઠાવી લેવાની તૈયારીમાં હતા એટલામાં મારી નજર પડી ને ભાઇ ખસીને ચાલ્યા ગયા !
આ અતૃપ્ત મંડળી જ્યારે મારા ઓરડામાં પીરસવાનું કામ કરે છે ત્યારે તેઓ ઝટઝટ પીરસે છે, વ્યવસ્થા રાખી દેખાડે છે, છોકરાંઓને ઓરડામાં દાખલ કરવાનું કામ કરે છે, મારી સામે પ્રસન્ન દેખાય છે અને મને આજ્ઞાંકિત પણ દેખાય છે. આ બધું મને બેચેન બનાવે છે. આવી રીતે પીરસી–કરાવીને તેઓ ખાવાની ઇચ્છા તૃપ્ત કરે છે; અર્થાત્ ઘરમાં ભૂખ્યા રહે છે તેનો બદલો આવી રીતે મેળવી લઈને કંઇક રાજી થાય છે. એ જોતાં મનને દુઃખ થાય છે. એટલા જ માટે તેઓ પીરસવા દોડે, એમાં પ્રસન્ન રહે, મારું કહ્યું માને, અને કેળવણીની દૃષ્ટિએ અર્થાત્ આંતર કારણે તેઓ પીરસવું, ગોઠવવું, હાથ જોવા, બેસારવું વગેરે ન કરે- અંતરના વિકાસ માટે ન કરે પણ ખાવાની ચીજોની નજીક રહેવા માટે કરે, એમાં કેળવણી નથી, એમાં પ્રગતિ નથી; એમાં બધી જાતની હાનિ છે !
આપણે આપણાં બાળકોને ભૂખે મારવા નથી જ માગતા. કોઇની તેવી ઈચ્છા દુષ્ટ જ ગણાય. પરંતુ આપણે તેમને ઘણાં જુદાં જુદાં કારણોથી ‘ધરાઈને’ ‘રાજી થાય તેમ’ ‘હાશ ખાધું’ ‘પેટપૂરું’ ખાવા દેતા નથી એ વાત ખોટી નથી. આપણે તેને પેટપૂરું ખાવા નથી આપતાં તેને લીધે જો બાળકમાં ‘ભૂખલપણું’ આવે તો શી નવાઇ?
ખરી રીતે બાળક ‘ભૂખલ’ જન્મતું નથી. દરેક બાળકને ભૂખ લાગે છે; ભૂખ લાગે ત્યારે તેને ખાવું જ જોઈએ; ભૂખ ખાવા માટે જ લાગે છે. પરંતુ જો ભૂખને, સાચી ભૂખને યોગ્ય ખોરાક પૂરતો ખોરાક આપવાની ના પાડીએ, તેમાં આડે આવીએ તો ભૂખ કે જે તંદુરસ્ત માણસમાં હોવી જોઇએ અને જે જ્યારે નથી હોતી ત્યારે ઊલટી ચિંતા થાય છે, તે જ ભૂખ વિકૃતિ પામીને ભૂખલપણાના રોગનું કારણ થઈ પડે છે. લાગે છે કે બાળકના ભૂખલપણા માટે આપણે પોતે જ જવાબદાર છીએ.
બાળકો હરહંમેશા બહુ ખાતાં નથી; આપણો એ વહેમ છે. તેમ તેઓ જાતજાતનાં તે નિત નવાં ખાવાનાંજ માંગ્યા કરે છે એમ પણ નથી. પરંતુ તેમને થોડી થોડી વિવિધતાભર્યો, ભૂખ શમે અને પોષણ મળે તેવો, ને ધરાઈને ખવાય તેટલા ખોરાકો મળે તો બાળકો પાતે જ પોતાના ખોરાક અને એનું માપ આપણને કહી આપશે. તેમને પોતાના જ અનુભવમાંથી ખબર પડશે કે આમ થાય માટે આ ન ખાવું જોઇએ, વગેરે. આરોગ્યદાયક ખોરાકની પસંદગી આપણી પાસે રાખ્યા પછી બાળકની ખરી ભૂખને જો તૃપ્ત કરવાની તક આપ્યા કરશું તો બાળક જરૂર ભૂખલપણામાંથી બચશે.
છેક નાનાં અણસમજણાં બાળકોથી આ પ્રયોગ કરી શકીએ. બાળકો ભૂખલ ન થાય તેની વાત આપણા-માબાપના હાથમાં છે. માબાપો બાળકને ખવરાવવા–પિવરાવવામાં કાળજી લેશે તો ખૂબ ખાઈ જઇને માંદા પડવાના, એંઠું ખાઈ જવાના, ખાઉં ખાઉં કરતા ભૂખલપણાના, તે એવા ‘રોગ’માંથી બાળકો અવશ્ય મુક્ત થશે.