લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/માનતો નથી તે મરી જઈશ ?

વિકિસ્રોતમાંથી
← હમણાં ગોળો ફોડશે મા બાપ થવું આકરું છે
માનતો નથી તે મરી જઈશ ?
ગિજુભાઈ બધેકા
નહાવાની ના પાડી છે →


[૧૦]
માનતો નથી તે મરી જઇશ?
 
: ૧ :

મા રોજ કહેતી : “મારા રોયા ! મારુ માનતો નથી તે કો’ક દીનો મરી જવાનો છો.”

પણ છોકરો ઊંધી ખોપરીનો. રોજ નિતનવા હાલા હલવે. કોઇથી ડરે તો કે? આખું ગામ ઊંચું લે એવો.

ગામ બહાર તળાવ હતું. મા રોજ કહે: “રોયા ! ત્યાં જઇશ મા. જોજે, મારું કહ્યું ન કર્યું તો તારી કાકી ખાઈ જવી છે ! ત્યાં મોટી મગર રહે છે.”

પણ છોકરો ક્યાં બીએ એવો હતો ? એ તો કહેતો :“ચાલ ને, જોઉં તો ખરો કે મગર કાકી કેવી છે !”

છેાકરો કહેઃ “મા ! પાણી પા ને?”

“ઊભો રહે; ધાડ શી આવી છે?”

“મા! પાણી આપ ને?”

“લઈ લે ને; તારા હાથપગ ભાંગી ગયા છે?”

છોકરો કહે: “ત્યારે હું તો મારે આ ચાલ્યો. તળાવે જઈને પાણી પીશ.”

છોકરો ચાલી નીકળ્યો.

મા કહે : “એ રોયા ! પાછો વળ, પાછો વળ! આ મારું કહેવું નથી માનતો તે મરી જવો છે.”

છોકરાને તો મગર જોવી હતી. કાંઠે જઈને પાણી પીવા જાય ત્યાં તો મગરે બહાર નીકળીને એનો પગ પકડ્યો. છોકરાના શા ભાર ? મગર તો છોકરાને ગળી ગઈ.

મા તો દૂરથી જોઈ રહી. પણ મગર રહે ત્યાં જાય શી રીતે ?

એ તો રોવા ને કકળવા લાગી. આડોશીપાડોથી ભેગાં થયાં. બધાં કહે : “ના નો’તી પાડવી ? ત્યાં શું દાટ્યું હતું તે જવા દીધો?”

મા કહે : “અરે બાઈ ! મેં તો ઘણી યે ના પાડી. ના કહીને તો જીભના કૂચા વળી ગયા. પણ રોયો માને એવો ક્યાં છે? આ લ્યો, માબાનું ન માને તે આમ જ થાય ના ?”

પાડોશીઓ કહે : “હા બાપુ ! રોયાં આજકાલનાં છોકરાં જ એવાં થઈ ગયાં છે. માબાપનું તો માને જ શાનાં? ને પછી આવા જ હાલ થાય ના ?”

છોકરો તો મગરના પેટમાં ગયો. પણ કાંઈ કાચો ન હતા. કેડે છરી તે કાઢીને મગરનુ પેટ કાપ્યું ને ભાઇસાહેબ બહાર નીકળ્યા ! દોડતા દોડતા ઘેર આવ્યા ને માને કહે : “કાં, કહેતી’તી ને કે માનતો નથી તે મરી જઇશ ?”

: ૨ :

આફ્રિકામાં ચાલતી એ એક વાર્તા છે. વાર્તા સાવ ખોટી છે. પણ તેમાં રહસ્ય છે. આપણે ત્યાંના દાખલા લઇએ. છોકરો કહે છે : “બા ! મારે નિસરણીએ ચડવું છે.” બા કહે છે : “નથી ચડવું.” છોકરો માનું કહેવું માનતો નથી ને ચડવા લાગે છે. મા કહે છે : “રોયા ! પડી જઇશ, હો!” છેાકરો ચડીને પાછો ઊતરે છે, ને કહે છે : કાં, કહેતી’તી ને કે પડી જઈશ ?”

નાનું બાળક કહે છે : “બા ! હું પાટલી લાવું ? દૂધની ટબૂડી લાવું ? ફલાણુ લાવું ? ફલાણું લાવું ?” મા કહેશે: “ના, નથી લાવવું, તારા હાથમાંથી પડી જાય.” બાળક કહે છે : “ના, હું તો લાવીશ.” “રહેવા દે, ભાઈ ! પડી જઈશ ને પગ ભાંગશે.”

‘હા’ ‘ના’ ચાલુ હોય છે એટલામાં બાળક વસ્તુ લાવે છે ને કહે છે : “કાં, કહેતી’તી ને કે પગ ભાંગશે ? પગ તો કાંઇ ન ભાંગ્યો.”

આવું હમેશાં ઘરોમાં બન્યા જ કરે છે. મા ‘ના’ કહે છે; છોકરો કરવા જાય છે. મા ‘ના’નું કારણ બતાવે છે; છોકરો તે ખોટું પાડી બતાવે છે. માને લાગે છે કે છોકરું કહેવું માનતું નથી ને બાંગરુ થઇ ગયું છે. છોકરાને થાય છે કે મા નકામી ના પાડે છે ને વળી ખેાટું સમજાવે છે. મા કહે છે કે ‘આમ થશે ને તેમ થશે.’ છોકરું સિદ્ધ કરે છે કે ‘તેમ ન થયું.’ મા છોકરાને કામ કરતું રોકવા જાય છે; છોકરું માને કામ કરી પાછી પાડે છે. પરિણામે માને ના કહ્યા કરવાની અને છોકરાને ન માનવાની ટેવ પડે છે.

આપણને આપણું કહેવું મનાવવાનો અજબ જેવો શોખ છે. એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ, મારીએ છીએ. વખતે વખતે લાલચ આપીએ છીએ. કહેવું ન માનનારના આ હાલ થયા ને તે હાલ થયા, એવી ‘માખી અને તેનું બચ્ચું’ની વાર્તાઓ કહીને તેના ઉપર ઠસાવવા માગીએ છીએ કે બાળકે મોટાનું માનવું જ જોઇએ; જો ન માને તો પાપ થાય, નદી તાણી જાય, અથવા ઊના ઉનામણામાં પડીને મરી જાય, કે તેને મગર ખાઇ જાય. પરંતુ ‘ના’ની ઉપરવટ થઇને કામ કરતું બાળક તુરત જ શોધી કાઢે છે કે માબાપનું કહેવું સાવ બનાવટી છે. કદાચ માબાપના કહેવા પ્રમાણે થાય છે તો ત્યાં પણ બાળક પોતાના અનુભવથી સમજી શકે છે કે આ તો પોતાને ચાલતાં ન આવડ્યું તેથી પડાયું, નહિ કે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું માટે તેમ થયું. કોઇ કોઈ બાળક આવે વખતે એમ પણ માને છે કે બાનું કહેવું ન માન્યું માટે પડ્યું. પણ આ માન્યતા લાંબો વખત ન ટકી શકે. કદાચ ટકે તો બાળકમાં કાર્યકારણને ખોટી રીતે જોડવાની પદ્ધતિ ઊભી થાય; માબાપનું ન માનવાથી કંઈક નુકસાન થાય જ એવો વહેમ પેસે અને વહેમ એટલે બુદ્ધિનો અંધકાર !

બાળકોને આપણે ખોટી રીતે સમજાવવાં નહિ જોઇએ. એમ કરવાથી તેમનામાં અશ્રદ્ધા ને અનાજ્ઞાંકિતપણું આપણે જ દાખલ કરીએ છીએ. જ્યાં બાળકના ખરેખરા સંરક્ષણ માટે યોગ્ય રુકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાં જ ‘ના’ પાડીએ. અને ના પાડી સીધી રુકાવટ સાથે બાળક સમજી શકે ત્યાં સુધી બારાબર સાચેસાચાં કારણો બાળકને આપીએ. છેક નાનાં બાળકો પણ ધીરેથી તેઓ સમજે તેવાં કારણો આપીએ તો સમજી શકે છે.

છોકરે માનું કહ્યું ન માન્યું માટે મરી ગયો એવું આપણા લોક-કેળવણીકારો આવી જાતની વાર્તાઓ દ્વારા બતાવે છે. આફ્રિકાના લોક-કેળવણીકારો ઉક્ત વાર્તા દ્વારા માને એવું શિક્ષણ આપતા દેખાય છે કે માએ એવી રીતે ‘ના’ પાડીને બાળકને જ્યાંત્યાં જતું રોકવુ નહિ!