મા બાપ થવું આકરું છે/લાગી જાત
| ← નહાવાની ના પાડી છે | મા બાપ થવું આકરું છે લાગી જાત ગિજુભાઈ બધેકા |
બાળકમાં અશ્રદ્ધા → |
હું એક મિત્રને ત્યાં બેઠો હતો. નાના બાળકનું ઉપરાણું લેતાં એમનાં માતુશ્રી અમારી પાસે આવ્યાં ને કહ્યું : “આ ઓલ્યા લખુને ધમકાવો. આપણી નાનીને એવી રીતે દોડાવી કે એ પડી જાત ને એને લાગત.”
મિત્ર સમજુ હતા. માતુશ્રીના ક્રોધને જોઈ લીધો, નાનીની આંખમાંનો ફરિયાદનો જુસ્સો પણ જોઈ લીધો, ને ધીરેથી હસીને કહ્યું : “પણ લાગ્યું તો નથી ના ? બસ; હવે પત્યું ?” માતુશ્રી ચિડાયાં : “પણ લાગી જાત તો ? હાથપગ ભાંગી જાત ના? આપણે એ ન ચાલે. લખુ લાડકો હોય તો એના ઘરનો !”
મિત્રે વળી હસીને કહ્યું : “પણ લાગ્યું તો નથી ના ?”
“પણ લાગત એનું શું ?” માતુશ્રી વધારે ચિડાયાં અને બબડતાં ચાલ્યાં ગયાં. “આવવા દે લખુડાને કાલે અહીં. હું જ એને ઘઘલાવીશ !”
મારા મિત્રનું વર્તન યોગ્ય હતું; એમ જ જોઈએ. “ફલાણું આમ થઈ જાત.” તે ઉપર લડવું વઢવું એ કેટલું મૂર્ખાઈ ભરેલું છે, પણ આપણને સ્પષ્ટ નથી. બે બાળકો વચ્ચે આવા કોઇ પ્રસંગો બને છે કે તુરત જ આપણે “આમ થાત, આમ થાત, આમ થાત.” એમ કહીને પોકાર કરી ઊઠીએ છીએ, બળાપો કરીએ છીએ, ને પરસ્પર વચ્ચે કલહનું બીજ રોપીએ છીએ. અને ખરેખર, આવાં નજીવાં કારણો માટે જ ઘણાં પાડોશીઓ લડતાં જોવામાં આવે છે.
આ જાતની ટેવ આપણી વસ્તુ જોવા પરત્વેની દૃષ્ટિમાં ફરક છે તેનું ફળ છે. આપણે મોટાંઓ જીવનમાં “આમ થાય તો ? આમ થાય તો? અરે, આમ થઈ જાય આમ થઈ જાય!” વગેરેની કલ્પના કરીને હલકી ઊઠીએ છીએ; ને ખરેખર વાસ્તવિક દુઃખ નથી હોતું ત્યાં દુઃખ અનુભવીએ છીએ. એમાંથી આપણે “આમ થાત”નો ભય લીધો છે. એ હમેશની પ્રકૃતિ કજિયાનું કારણ છે. પણ જો આપણામાં ચોખ્ખી બુદ્ધિથી જોવાનું ડહાપણ હોય તો આપણે એમ વિચારીએ કે “આમ ન થયું તે જ સારું થયું. લાગ્યું નહિ તે જ ફાયદો થયો. દીવાસળી સળગી પણ આગ ન થઇ એ જ મોટો લાભ થયો. ભૂલથી છરી પર પગ આવ્યો પણ લાગી નહિ એ જ મોટું હાંસલ થયું. ઘા લાગ્યો નહિ ને બાજુ પર પડ્યો એ જ લાભમાં લેખું.”
બે બાજુમાંથી આપણે સારી બાજુ-સવળી બાજુ જોઇએ તો સુખી થઇએ. બાળકોનાં ઉપરાણાં લઈ “આમ થાત” કહીને લડવા ન જઈએ.
બેશક આનો અર્થ એમ નથી કે ગમે તેમ થવા દેવા માટે આપણે બેદરકાર રહેવું, અથવા થવાનો સંભવ હોય ત્યાં દૂરંદેશી ન વાપરવી. વાત ‘થવા દેવા’ની નથી; થયા પછી યોગ્ય ઉપાય તો લેવો જ જોઇએ. થઈ ન બેસે તેની ચિંંતા–કાળજી રાખવી જોઇએ. પણ થયું ન હોય છતાં થાત તેનો ભય અને ચિંતા કરીને ન તો આપણે દુઃખી થવું, અથવા બાળકો કે માબાપો સાથે લડવું.