લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/વહેમનું શિક્ષણ

વિકિસ્રોતમાંથી
← તેડકાં બાળકો મા બાપ થવું આકરું છે
વહેમનું શિક્ષણ
ગિજુભાઈ બધેકા
બાળકો બીકણ કેમ થાય છે →



[૧૭]
વહેમનું શિક્ષણ
 

ઘરને ખોરડે હોલું ઘૂઘવે છે.

બા કહેશે : “સાંભળ્યું કે, ખોરડે હોલું બોલે છે. રોજ ખોરડે હોલું બોલે તે નહિ સારું.”

બાપા પથ્થર મારીને હોલું ઉડાડે છે. નાનું છોકરું જોઈ રહે છે.

ગામમાંથી બાપા આવીને કહે છે : “ધરમધક્કો થયો. હું જાણતો જ હતો કે કાંઇ વળશે નહિ; સામી વિધવા મળી હતી.”

રાત પડી; ચીખરી ચખચમી. બા કહે : “અરરર ! ચીખરી તો કોણ જાણે કેવી યે બોલે છે. કાલ કોણ જાણે કેવી યે પડશે. ચીબરી રોજ વાંસે લાગી છે!”

પાડોશણ કૃતરાં હાંકતી કહે છે : “આ જો ને કૂતરાં! કાંઈ રોવે છે. કાંઈક માઠું થવા બેઠું છે.”

ફઈબા કહે છે : “આજે તો તાવડી હસી; હમણાં મહેમાન આવશે.”

સાંજે વાળુ કરી શેરીમાં બૈરાં એકઠાં થયાં છે. નિતનવાં ગપ્પાં મારે છે. “ના, બા ! ઇ વડાનાં કૂંડાળાં કર્યાં હોય એમાં છોકરાંને પગ ન મૂકવા દ્ઈએ.” “આ મારું ઘર કોણ જાણે કેવું યે છે! કોઇને શરીરે સજાપો જ ન રહે.” “હનુડીની નજર બહુ કડવી. આજ દૂધપાક ખાતી હતી ત્યાં તો ઓચિંતેથી આવી. કહે : ‘બાપુ! દૂધપાક બહુ સારો લાગે છે.’ એટલું કહી એ તો ગઈ; પણ રાંડની કાંઈ નજર ! હું તો ઓકીને નહા થઈ ગઈ.”

ઘરમાં માબાપ છોકરાને કહેશે : “અત્યારે એલા ગધેડાનું નામ ન લેવાય.” “સવારમાં ઊઠીને સાયલાનું નામ ક્યાં લીધું ? સાંજ સુધી રોટલા નહિ મળે.” “એલા છનકા! આ સંધ્યાકાળે ઓતરાદો ક્યાં સૂતો ? ઊઠ, ઊભો થા.”

આ બધા નર્યા વહેમો છે. આપણી આસપાસ અને વચ્ચે વસતાં આપણાં બાળકોને આપણે એ વહેમ પળેપળે પાઇએ છીએ. માબાપો પાસેથી આ વહેમો આપણને મળ્યા: આપણે એ જ વહેમો પેઢી દરપેઢી જાણેઅજાણે બાળકોમાં ઉતારી રહ્યાં છીએ. આપણે માબાપોને પૂછ્યું : “સાપ આડો ઊતરે એમાં આપણને નુકસાન શાનું થાય ?” આપણને જવાબ મળ્યો : “એમાં તમે શું સમજો! ઘરડાં અમથાં કહી ગયાં હશે ?” આપણને બાળકો પૂછશે : “પગ હલાવીએ તો મા શાને મરી જાય ?” આપણે કહીશું : “લે રાખ, બહુ ડાહ્યો થયો તે! પગ ન હલાવીએ, એટલું યે નથી સમજતો ?”

પરિણામે આપણે વહેમી થયાં, આપણાં બાળકો વહેમી થશે, તેનાં બાળકો વહેમી થશે; ને એમ પેઢી દરપેઢી વહેમ ઊતરશે !

વહેમી માણસ એટલે બીકણ માણસ. “જમણી આંખ ફરકી; હાયહાય !હવે શું થશે ?” ઘી ઢોળાયું; કાંઇક આફત આવશે.” શિયાળ રોયું; આજ ખાતર તો નહિ પડે ને ?” “રાતે મેળવણ દઈશ તો મારી ગાય વસુકી જશે, તો ?” આ બધા વહેમો માણસના વિચારોમાં છે.

વહેમી મન વહેમ પડતાં ડરી જાય છે; અમંગળની ચિંતામાં ધ્રૂજી ઊઠે છે; ભયભીત થઈ પરસેવાથી નાહી જાય છે. ઘડીકમાં તો કલ્પનામાં તે કેટલું ય દુઃખ અનુભવી લે છે.

વહેમી એટલે માની લે તેવો; પ્રમાણ માગ્યા વિના ગમે તે વાત સ્વીકારે તેવો. વહેમીને વહેમ નાખવો જોઈએ. આપણે કહીએ : “જોજે, હનુમાનને હાર નહિ ચડાવે તો હનુમાન કોપશે.” “મેલડીને લાપશી નહિ માન તો મેલડી નડશે.” “એ તો ચૂલો ઠાર્યો નહોતો એટલે શીતળા રૂઠ્યાં અને તેથી દીકરાને શીતળા નીકળ્યાં.” વહેમી બધું સાચું માનશે ને કહેશે : “આ તો સાચી વાત.

વહેમી માણસ એટલે નિર્મળ તર્કબુદ્ધિનો અસ્વીકાર કરનારા માણસ “એમ શા માટે ? મારી ખાતરી કરાવી આપો તો જ હું માનું.” એવું વહેમી માણસ નથી પૂછતો.

વહેમી માણસ એટલે અશાસ્રીય મનવાળો માણસ. “ગમે તેમ કહો પણ મારે તો જાતે તપાસવું જ પડશે. ન સમજાય ત્યાં સુધી તટસ્થ રહેવું હું પસંદ કરીશ.” એમ વહેમી કદી નથી કહેતો. વહેમી તાતો તપાસ્યા વિના જાદુખેલો વગેરેમાં મંત્રતંત્ર ભાળે છે, જ્યારે વહેમમુક્ત જાણી શકે છે કે તે બધું દવા વગેરેથી કે યુક્તિપ્રયુક્તિથી કે હાથચાલાકીથી બને છે.

વહેમી મન એટલે અંધશ્રદ્ધાવાળું મન. એટલે જ તો વહેમી માણસ શાસ્ત્રવચનને અફર વચન માને છે; દેવો અને પરીઓની વાતોને સાચી ન માનનારને નાસ્તિક ગણે છે; ભૂતપ્રેતની વાતોનો બીજો ખુલાસો શોધવાની ના પાડે છે.

મોટે ભાગે આપણે વહેમનું જીવન જીવીએ છીએ. અત્યારના ધર્મનો મોટો ભાગ એક વહેમ છે. પાખંડી લોકો ધર્મને નામે વહેમી પ્રકૃતિના લોકોનો ગેરલાભ ઉઠાવ્યા કરે છે.

આપણે બાપદાદાને કારણો પૂછ્યાં; જવાબ નથી મળ્યો; હવે આપણે પોતે જ આપણા અનેક વહેમોનાં કારણો પૂછીશું ? અને તે આપણે માટે નહિ તો આપણાં બાળકોને માટે પૂછીશું ? બાળકોના પ્રશ્નોના ઉત્તરમાં આપણે કારણો આપવા પ્રયત્ન કરીશું ?

વહેમો છેક ખોટા છે, એની ખાતરી આપણે જાતે જ કરી લઇએ. સાયલા એક ગામ છે; એનું રોજ નામ લઈ જોવાથી ખાતરી થશે કે એનું નામ લેવાથી કંઈ થતું નથી. ચીબરી પોતાના માટે જ બોલે છે. આંખ ફરકવાનું કારણ શારીરિક અવ્યવસ્થા જ હોય. આમ વહેમોને તપાસીએ તો આપણે આપણી બેઅક્કલ માટે હસીશું.

બાળકો આપણી પાસેથી ઘણું શીખે છે; આપણે શીખવીએ છીએ તેના કરનાં જીવીએ છીએ તેમાંથી તેઓ ઘણું વધારે શીખે છે. માર્ગમાં જે વહેમો છે તે નિશાળમાંથી નહિ પણ ઘરમાંથી માબાપના પ્રત્યક્ષ વહેમોમાંથી આવ્યા છે. આપણે આપણાં બાળકોને વહેમનું શિક્ષણ આપવું છે ? તેમને બીકણ અને માની લે તેવાં બનાવવાં છે ? તેમને શાસ્ત્રીય દૃષ્ટિ વિનાનાં અને તર્ક રહિત બુદ્ધિવાળાં બનાવવાં છે?

એમ ન કરવું હોય તો આપણે એક પણ વહેમમાં માનીએ નહિ, ને કોઈને મનાવીએ નહિ.