લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/વાણીમાં અતિશયોક્તિ

વિકિસ્રોતમાંથી
← આપણા હુકમો મા બાપ થવું આકરું છે
વાણીમાં અતિશયોક્તિ
ગિજુભાઈ બધેકા
આપણને બોલતાં આવડે છે? →


[૨૬]
વાણીમાં અતિશયોક્તિ
 

રમુને બાપાએ બોલાવ્યો. ઉતાવળથી જતાં દૂધના કળશાને જરાક ઠોકર લાગી; દૂધની ઝાલક ઊડી ને પાવળું દૂધ ઢોળાયું.

મા કહે : “રોયો આંધળો ! આ શેર એક દૂધ ઢોળી નાખ્યું.”



વીજુ થાળી લઈ જમવા આવતી હતી. હાથમાંથી થાળી પડી ગઈ.

કાકી કહે : “અરર ! મારા તો કાન ફૂટી ગયા.” ફઈ કહે : “આમ તો વાસણ ફૂટી જાય. એલી વીજુડી! સરખાં થોભતી હો તો ? હાથ ભાંગલા છે ?”

આવા અતિશયોક્તિના અનેક દાખલાઓ આપી શકાય.

આ દાખલાઓમાં અતિશયોક્તિ છે; બાળકોની શક્તિ– અશક્તિનાં કારણોનું અજ્ઞાન અને ગેરસમજણ પણ છે,

ચાલવું – હાલવું એવી રીતે કે અથડાઇએ નહિ ને ઠેસ ન આવે, એમાં ચાલવાનો કાબૂ બરાબર જોઇએ છે. નવા સાઇકલશિખાઉ સાઈકલ વાંકીચૂકી કરીને અકસ્માત કરે છે, એનું કારણ એ છે કે હૅન્ડલ ઉપર તેનો પૂરો કાબૂ નથી. શરીરને સમતોલપણે ચલાવી શકાય તે માટે બાળકને યોગ્ય એવી ડ્રીલ જેવી કસરતની જરૂર છે.

લશ્કરને તાલીમ આપવાનો હેતુ સમૂહગત હિલચાલનું વ્યવસ્થિતપણું કેળવવાનો છે.

આપણે બાળકને શરીરની સમતોલતા કેળવવાના પ્રસંગો ન આપીએ ને ભૂલો કાઢીએ તો બાળકની ભૂલો સુધરશે નહિ અને આપણને પણ અસંતાષ રહેશે.

વળી અતિશયોક્તિથી બોલવાની આપણી ટેવથી બાળક આપણા કથનની નૈતિક કિંમત ગણતું નથી. તેના મનમાં આપણે વિષે પ્રશ્ન ઊઠે છે કે મોટાંઓ આવું ખોટું કેમ બોલતાં હશે ? ભાષાદૃષ્ટિએ પણ આવી અતિશયોક્તિ માફ ન કરી શકાય. બાળક એની બોલવાની બાબતમાં બેદરકાર બને છે. આપણું કથન હમેશાં અતિશયોક્તિથી ભરેલું છે એવી છાપ થઈ જતાં બાળક તેને લગભગ ગણકારતું નથી. ધીરે ધીરે તે રીઢું થઇ જાય છે. પ્રથમ જેમાં તેને અસત્યભાસ થતો હતો, જે અતિશયોક્તિ અતિશય લાગતી હતી, તેને બદલે પાછળથી તે રીઢું થતાં તેવી જ અશિક્તવાળું વચન પોતે બીજા પ્રત્યે તેમ જ પોતાનાં બાળકો પ્રત્યે પણ કાઢતાં શીખે છે. આમ અતિશયોક્તિની પરંપરા ચાલી આવે છે. જરાક જો કાળજી રાખીએ તો આપણે અને બાળકો આવી અતિશયોક્તિમાંથી અને તેના નુકસાનમાંથી છૂટી જઇએ.