મા બાપ થવું આકરું છે/શામજીભાઈને ઘેર
| ← કાકી ઘરમાં બોલાવે છે | મા બાપ થવું આકરું છે શામજીભાઈને ઘેર ગિજુભાઈ બધેકા |
તું સાંભળતી નથી → |
થાળીઓ નખાઈ, પાટલા મુકાયા, પાણીના લોટા ભરાયા
અને કહેવામાં આવ્યું : “ચાલો જમવાનો વખત થયો.”
શામજીભાઈને ત્યાં આજે ચંપા અને તેની બા મહેમાન હતાં.
શામજીભાઈ અને શાંતાબેનને ત્રણ બાળકો હતાં: એક છોકરો ને બે છોકરીઓ.
શામજીભાઇએ ઇશારેથી પોતાનાં ત્રણ બાળકોને પાટલા પર બેસવા કહ્યું. તેઓની પાસે ચોથો પાટલો ચંપાનો હતો.
ચંપા કહે : “બા ! હું તો તારી પાસે જ બેસું; ત્યાં નહિ બેસું.”
ચંપાની બા, શાંતાબેન, ગૌરી વગેરે મોટાંના પાટલા એક બાજુએ હતા અને બાળકોની મંડળી જુદી હતી.
ચંપાની બાએ કહ્યું : “ચંપા ! ત્યાં સૌની સાથે બેસીએ. જો, આ ભાઈ–બહેનો કેવા બેઠાં છે ? તારો પાટલો ત્યાં જ છે.”
“ના. એં...હું તારી પાસે જ બેસીશ ! તારી પાસે; એં.....તારી પાસે !”
“મારી પાસે જગા નથી; ત્યાં જ બેસવું પડે.”
“ના. પેલો પાટલો છે ત્યાં હું બેસીશ.” ચંપાએ હઠ લીધી.
એ પાટલો ગૌરીબેનનો હતો. શામજીભાઈએ તોડ કાઢ્યો : “ચંપાબેન! ત્યારે તમે તમારી બા પાસે બેસો. ગૌરીબેન ! તમે ચંપાની જગાએ આવો ને?”
જગા બદલાઈ. ચંપાની બાના મનમાં સારું ન લાગ્યું. ચંપા સામે તેણે નારાજીથી જોયું. પણ નારાજી દબાવી. તેના મનમાં થયું : “આ ટેવ સારી નહિ.”
પિરસાવા માંડ્યું. ચંપા કહે : “બા ! તું પડિયો થોભી રાખ.” “બા ! આ શાક સરખું કરી દે.” “ બા ! આ પૂરી સરખી ગોઠવી દે.” “બા જોને, રાઈતાનો રેલો ચાલ્યો, બધું લૂછી દે ”
બા કહે : “ચંપા ! જો, પેલાં બાળકો કેવાં પોતાની મેળે કરે છે? તું પણ કરી શકે. તું તો પેલી દેવીથી અને રમુથી જરાક મોટી છે!”
ચંપા કહે: “તે તું કરી દે ને? તને કરતાં ક્યાં નથી આવડતું? રોજ તો કરી જ દે છે.”
ચંપાની બા શું બોલે ? પણ મનમાં થયુ : “ચંપામાં આવી ટેવો ન જોઇએ. મારે તેનો ઉપાય લેવો જોઈએ. મારા વિના ચાલે નહિ, હું કરી દઉં તો જ ચંપા રાજી ને મારા પર જ આધાર, એ સારું નહિ.”
કેળાં આવ્યાં. ચંપા કહે : “મા ! મારે બે જોશે મારે બે... મારે બે!”
સૌને એક એક મૂક્યું હતું.
બા કહે : “એ તો સૌને સરખાં જ હોય.”
ચંંપા કહે: “ ત્યરે તારું કેળું હું ખાઇશ”
બાએ જરા કડકાઈથી કહ્યું : “એમ ન થાય; તારું તારે ખાવું ને મારુંં મારે ખાવું.”
“એં....એમ કાંઈ હોય ? મારે તો બે કેળાં ખાવાં છે. નહિ આપ તો તારું ઉપાડી લઇશ ને ખાઈશ.”
ચંપાએ કેળું ઉપાડ્યું, પણ શામજીભાઇએ બીજું મંગાવ્યું ને ચંપાને બે કેળાં મળી ગયાં.
પણ ચંપાની બા તો ખૂબ શરમાયાં; મનમાં લાજી મર્યાં !
પેલાં છોકરાં તો શાંતિથી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં; ઝીણું ઝીણુંં હસતાં હતાં; જે આવતું હતું તે ગોઠવીને મૂકતાં હતાં.
જમવા લાગ્યાં એટલે ચંપા કહે : “આ તો મને તીખું લાગે છે; તું લઈ લે.”
બા કહે : “તું તારા ભાણામાં જ રહેવા દે.”
“પણ મને એ ન ગમે, તું લઈ લે, નીકર પછી હેઠે નાખીશ.”
ચંપાની બા કંઈ બોલ્યાં નહિ ને ચંપાએ શાક બાની થાળીમાં નાખ્યું.
ચંપાની બા મૂંઝાતાં હતાં. શામજીભાઈનાં છોકરાં સુંદર રીતે ખાતાં હતાં, ન ભાવે તેને અડતાં ન હતાં, અને અંદર અંદર વાત કરતાં હતાં.
શામજીભાઈ, શાંતાબેન અને ગૌરી વાતો કરતાં હતાં; ચંપાની બા પણ તેમાં ભાગ લેતાં હતાં.
ચંપા કહે : “બા | મારી વાત તો સાંભળ ? તું મારી વાત તો સાંભળતી જ નથી !”
ચંપાની બાએ ધ્યાન ન આપ્યું એટલે તો ચંપાએ એઠા હાથ બાને લગાડી કહ્યું: “મારી વાત સાંભળવી છે કે નહિ?”
ચંપાની બા જરા ખસિયાણી પડી. તેને થયું : “આ છોકરી તે કેવી થઈ છે !”
શામજીભાઈ ચતુર હતા. તેમણે છોકરાંઓ સાથે વાત માંડી ને ચંપાનું તે તરફ ધ્યાન ગયું એટલે બાની મુશ્કેલી ટળી.
ચંપાની બાને થયું: “આપણે કાં તો કોઇને ત્યાં જમવા ન જવું, ને કાંં તો ચંપાને સુધારવી.” વળી મનમાં ગણગણી: “પણ એમાં ચંપાના શો વાંક છે ? જેમ ઘરમાં મારી પાસે અને એના બાપા પાસે રોજ જમતી વખતે કરે છે, તેમ અહીં પણ કરે છે. જેવી ટેવ પડી છે તેવી દેખાય છે. હવે હું કંટાળુ કે આંખ કાઢું તેમાં શું વળે ?”
ચંપાએ જમતાં જમતાં બે હાથ એંઠા કરી નાખ્યા હતા; દાળના છાંટા જ્યાં ત્યાં પડ્યા હતા; હાથનું ઠેબું આવ્યું હતું તે એક વાર તો પડિયો જ ઢળી ગયો હતો, ને થાળી આખી ગંદી ગંદી થઈ હતી ! મોઢું પણ ઠીક ઠીક બગડ્યું હતું.
ચંપાની બા તો પેલાં છોકરાં સામે જુએ ને ચંપા સામે જુએ.
જમીને ઊઠ્યાં. બીજાં છોકરાં નળે ગયાં; હાથ ધોયા, મોં ધોયું, કોગળા કર્યા ને હાથ લૂછ્યા.
ચંપા તો કહે : “એ બા હાથ ધોવરાવને ?” અને પછી રૂમાલ હાજર હતો છતાં પોતાના પોલકે ઝટ દઈને હાથ લૂછી નાખ્યા.
શામજીભાઈ આ બધું જોતા હતા. બોલવે ઠાવકા હતા; ચંપાની બની મૂંઝવણ પણ સમજતા હતા. એ એના મામાની દીકરી થતી હતી.
જમ્યા પછી સૌને માટે પાન-સોપારી આવ્યાં. ચંપાએ મૂઠો ભરી ધાણા ઉપાડ્યા, ને બે પાનનો ડૂચો માર્યો; પણ પછી ડચૂરો વળ્યો ને ચંપાની આંખો ને ગાલ લાલ લાલ થઇ ગયાં.
ચંપાની બાને આજે વધારે બેસવું ગમતું ન હતું. તેણે ઝટઝટ શામજીભાઈની રજા માગી, ને ઘેર જવાની તૈયારી કરી.
શામજીભાઈ કહે : “બેસ બેસ ! આ ચંપલી બહુ કવરાવતી લાગે છે, ખરું?”
ચંપાની બાની આંખમાં આંસુ આવ્યાં.
શામજીભાઇએ કહ્યું : “જો બેન ! એ તો બાળકોને નાનપણથી વ્યવસ્થિત થવાનો રસ્તો બતાવીએ અને પહેલેથી આ આમ થાય, આ તેમ થાય, આમ બેસાય, આમ ખવાય, આમ હાથ ધોવાય, એમ કરી બતાવીને કરવા દઇએ, અને શરૂઆતમાં તો જેવું થાય કે કરે તેવું ચલવી લઇએ, તો જ બાળકો ધીરે ધીરે આવું બધું તેં નજરે જોયું તેમ કરતાં શીખી જાય છે. આને હું ભોજનનો આચાર કહું છું. બાળકો જમતી વખતે ઘોંઘાટ કરે, વારે વારે રડી ઊઠે, અહીંં ન ગમે ને ત્યાં ન ગમે, કાં તો માની ને કાં તો બાપાની પડખે ઘૂસે, એ બધું નથી ગમતું ને આપણે એમ કરવા દઈએ છીએ એટલે તો થકવી નાખે છે ! મેં તો પહેલેથી જ રિવાજ કાઢ્યો છે કે આ પાટલાઓ નાનાના, આ થાળીઓ નાનાની, આ એમની જગા, આ એમના ચમચા, આ એમની ટબૂડીઓ, અહીં હાથ ધોવાનું, આ એમના ટુવાલ વગેરે, અને એમને માટે જે બધુ મેં રાખ્યું છે તે તેમને માફકનું, તેઓ ઉપાડી શકે તેવું ને તેમને ગમે તેવું રાખ્યું છે.
“જમતી વખતના નિયમો પણ આપ્યા છે. કોઈ ચીજ આવે તો લેવી હોય તો આંગળી ઊંચી કરે; ન ભાવતું આવી જાય તો પાસે જ એક રકાબી રાખું છું તેમાં મૂકે; વગેરે. અનુભવથી વ્યવસ્થાના જે નિયમો ઠીક લાગ્યા છે તે રાખ્યા છે. બધું જોહુકમીથી કરાવવાનું નહિ; ન કરે તેને દંડ પણ નહિ; પણ તેમને રોજ રોજ તેમ કરવા દઇને, ને રોજ ને રોજ કરવાની ટેવ પાડીને શીખવા દઉંં છું. તેમને હું ખોટાં લાડ લડાવતો જ નથી. ખોટી રીતે તેમની માગણી કે એવું હોય છે ત્યારે તે વખતે ધ્યાન આપતો નથી; પણ તેમની મુશ્કેલી સમજી બીજે દિવસે એનો નિકાલ આણું છું.”
“હું બાળકો સાથે વાતો કરવાની ને તેમને સમજવાની તક લઉં છું; તેમનાં નાનાં સુખદુઃખો ઉપર ધ્યાન આપું છું; તેમને માટે ચિંતા રાખું છું. પણ તેમને મારા જેવાં સ્વાધીન અને સ્વતંત્ર તેમ જ આનંદી બનાવવા મહેનત કરું છું.”
ચંપાની બા કહે: “ત્યારે, ભાઈ! હું તારે ત્યાં થોડા દિવસ રહેવા આવું ને તું કેમ ચલવે છે તે નજરે જોઉં, તો ખબર પડે.”
શામજીભાઈ કહે : “ભલે, આવતે અઠવાડિયે જ આવ ને રહે. ઘર તો તારું જ છે ને !”
ચંપાની બાનું હૈયું કંઇક હેઠે બેઠું.