લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/સાચો બનાવ

વિકિસ્રોતમાંથી
← અડધો દિવસ બગડ્યો ! મા બાપ થવું આકરું છે
સાચો બનાવ
ગિજુભાઈ બધેકા
એટલો બધો કયા કામમાં હતો ? →


[૪]
સાચો બનાવ
 

ધારો કે એ દવા તો આખરે નિર્દોષ નીવડી ને રંભાને કંઈ ન થયું. પણ એ શીશીમાં ઝેર જ હોત, અને અનેક ઉપચારો કર્યા છતાં રંભા મરણશરણ થઈ હોત, તો ? અગર ભયંકર માંદગીની ભોગ થઈ પડી હોત, તો ?

તો તે દિવસની બેદરકારી એ ગુનાઈત કૃત્ય ન ગણાત ? અને ન ગણાત કે ગણાત એનો પ્રશ્ન જ ક્યાં છે ? એ કૃત્ય ગુનાઈત જ ગણાય. કારણ કે એમાં કેટલું બધું જોખમ ભર્યું હતું તે તો અડધો કલાક થઈ રહેલી મૂંઝવણ જ કહી બતાવે છે.

એ શરમાવનારી અને ગુનાઈત હકીકત આ પ્રમાણે બનેલી:

રંભાને તાવ આવતો હતો; મૅલેરિયા હતો. રંભાની બા પુષ્પાબેને રામનાથને કહ્યું : “આજે પણ રંભા બેચેન છે. એક ક્વિનાઈનનો ડોઝ આપો જોઇએ?” પુષ્પાબેને તાજું આવેલું માસિક પત્ર ઉઘાડ્યું હતું, ને તે ઉપર તે નજર નાખતા હતાં; રમાનાથ ઉતાવળમાં હતા; નોકરી પર જવાનો વખત થઈ જવા આવ્યો હતો. તેઓ ક્વિનાઈનના ડોઝની શીશી જ્યાંત્યાં શેાધવા લાગ્યા. આ ઓરડીમાં, પેલી ઓરડીમાં, સૂવાના ખંડમાં, વાચનાલયમાં, બધે ય ઝટઝટ આંટો મારી આવ્યા; બાટલી ન જડી. રમાનાથ કહે : “જુઓ તો જરા, બાટલી ક્યાં હશે ? મને તો નથી જડતી.”

પુષ્પાબેને રસાડામાં જતાં જતાં કહ્યું : “જરા ફરી વખત જુઓ ને? હું કામમાં છું.”

રમાનાથ અધીરો થઇ ગયો હતો. ઉતાવળમાં બીજી વાર ચક્કર માર્યું; એક બાટલી હાથ લાગી. રંભાને પરાણે મોં ફડાવી દવા રેડી.

રંભા કહે : “હાશ, આજ તો જરા યે કડવું ન લાગ્યું. આજ તો સોપારી યે નહિ ખાવું પડે ને પાણી યે નહિ પીવું પડે.”

રમાનાથ ચમક્યો : “અરે ! આ શું ! ક્વિનાઇન નહિ ? ત્યારે મેં શું પાયું ?”

રમાનાથ વિચારમાં પડ્યો ને ગભરાયો.

પુષ્પાબેન કહે : “લ્યો દોડો હવે દવાખાને ! એટલી બધી શી ઉતાવળ હતી કે ઝટ ઝટ જે શીશી આવી તે ઉપાડી ?”

રમાનાથને સામે ચિડાવાની નવરાશ ન હતી. તે તો દવાખાને દોડ્યો. પુષ્પાબેન ઉતાવળની નિંદા કરતાં બેઠાં, ને “હાય, હાય ! હવે રંભાને શું થશે ?” એમ રડવા લાગ્યાં.

“કેમ, રમાનાથ! દોડતા કેમ આવ્યા?”

“અરે આ શીશી તો જુઓ ? એમાં શી દવા છે ? ભૂલથી એકને બદલે આ અપાઈ છે.”

ડૉક્ટર કહે: “ કોણે આપી?”

રમાનાથ કહે: “મેં મારે હાથે આપી.”

ડૉક્ટર કહે: “ઠીક, એ તો પછી. પણ ઝટ દરદીને લાવો. દવાને જોઇને શું કરવું છે ? દરદીની સ્થિતિ જોવી જોઇશે.”

રમાનાથ ઊભે પગે દોડ્યો. વરસાદ વરસતો હતો, પણ દોડ્યો. દરદીને તેડીને દોડતો દોડતો પાછો આવ્યો. મનમાં થતું હતું કે કોણ જાણે શું યે થયું ને શું યે થશે !

ડૉક્ટરે રંભાને તપાસી. આંખો જોઇ; પેટ જોયું; હાથ, નખ, બધું જોયું. તેજાબ નાખી દવા તપાસી જોઈ; રંગ જોયો, સ્વાદ જોયો, બધું જોયું.

ડૉક્ટર કહે: “બરાબર ખબર નથી પડતી કે શી દવા છે; પણ ઝેર તો નથી જણાતું. દરદીને પણ કશી ખરાબ અસર નથી.”

રમાનાથને હાશ થયું; તેના મોં પર જરા હોંશ આવી.

ડૉક્ટર કહે : “જુઓ, રમાનાથ ! આ તો જાણે થઇ ગયું. પણ તમારા જેવા ભણેલાને શો ઠપકો આપવો ? તમે એટલું પણ ન કરો કે દવાની શીશી પર દરદીનું નામ રાખો ? તમે સમજુ છો, વાંચનાર છો, ભાષણ કરો છો, લેખ લખો છો ને આટલી સાદી વાત ન કરો? પુષ્પાબેન પણ ભણેલાંગણેલાં છે; એ પણ એટલું ન કરે? આ તો જાણે ઠીક થયું; પણ આવામાં તો મરણ થાય ને બાળક હાથમાંથી જાય !”

રમાનાથ શરમાઇ ગયા. ડૉક્ટરનું કહેવું સાચું હતું.