લખાણ પર જાઓ

મા બાપ થવું આકરું છે/હમણાં ગોળો ફોડશે

વિકિસ્રોતમાંથી
← આનું તે કરવું શું ? મા બાપ થવું આકરું છે
હમણાં ગોળો ફોડશે
ગિજુભાઈ બધેકા
માનતો નથી તે મરી જઈશ ? →



[ ૯ ]
હમણાં ગોળો ફોડશે
 


અમારા ઘર સામે એક ખવાસનું ઘર હતું. માદીકરો સાથે રહે; મા ક્રોધી અને દીકરો દારૂડિયો; દીકરો રાતે દારૂ પીને આવે; મા ચિડાઈ જાય. દીકરો ગોળે પાણી પીવા જાય. માના મનમાં થાય કે દીકરા દારૂના નશામાં ગોળો ફોડશે. પોતે ન આપે પાણી કે ન તેને હળવેથી કહે કે “ભાઈ ! સાચવીને લે.” પણ કહે : “આવ્યો મારો રોયો ! એ હમણાં ગોળો ફોડશે!” દીકરો ગાળ સાંભળે ને ઉશ્કેરાય અને તરત જ ધડ દઇને ગોળો ફોડી નાખે. ગોળો ફોડ્યા પછી મા કહેતી નથી કે “હશે ભા ! સૂઈ જા."” એ તો વધારે ચિડાઈને બોલે છે: “લે હવે તો મારો રોયો કાચનાં વાસણ ફોડશે.” ત્યારે તો ધડ ધડ અભરાઈ ઉપરથી કાચનાં વાસણ પડ્યાં જ છે ! મા તો કહે : “રોયો ! આ મને ય મારશે ક્યાંક લાકડી લઈને મારે નહિ ?” ત્યાં તો ડોશી ઉપર ધડ ધડ બે ઘા થયા જ છે !

બાળકો દારૂ પીધેલાં નથી; પણ ઘણી વાર માતાઓની વાણી ઉપરની માના જેવી હોય છે. તેના શબ્દો જ બાળકને ભૂલ તરફ લઈ જનારા હોય છે. બાળકની એક ભૂલ થાય છે ત્યારે આપણે જ તેને બીજા શબ્દથી બીજી ભૂલમાં ખેંચીએ છીએ, ને એમ આપણી મારફત જ બાળક ભૂલની પરંપરામાં ઊતરે છે.

બાળક હાથમાં લાકડી લઈને ફરતું હોય તો માતા બોલી ઊઠે છે : “એ હમણાં ગોળો ફોડશે કે પ્યાલો ફોડશે !” પછી કહે છે : “એ હમણાં ભાઈ ને મારશે.” બાળક ગોળા ઉપર લાકડી મારવા કે ભાઈને મારવા દોડે છે. માતા ઉશ્કેરાય છે ને સાથે પોતાની વાણીથી બાળકને ઉશ્કેરે છે.

“એ હમણાં રડશે.” “એ તો કજિયા કરશે.” “હઠ લેશે.” “તેડી લેવાનું કહેશે.” “ખાવાનું માગશે.” વગેરે અનેક વાક્યો આપણે જ પહેલાં કહીને બાળકે શું કરવું તે તેને સૂચવીએ છીએ. બાળક ઉશ્કેરાય છે ને તેમ કરવાની લતમાં જાય છે. એક ભૂલ થઈ એટલે ભૂલ અટકે એવા રસ્તા તેને બતાવવાને બદલે ઊલટું તે ભૂલને માર્ગે જાય તેવા ખેલ ખેલીએ છીએ. પરિણામે બાળક ખોટે રસ્તે ચડીને પેલી ડોશીના દીકરાની પેઠે નુકસાન કરવામાં અથવા કજિયો કરવામાં આગળ વધે છે.

આ બાબતમાં માબાપોએ વિચાર કરવાનો છે. જરાક સાવધાન રહી પોતે જે બોલે છે તે પોતે સાંભળશે, તો પેલી ડોશી અને દીકરાની વાત તેને જરૂર યાદ આવશે.