મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ સાતમું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ છઠ્ઠું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ સાતમું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ આઠમું →પ્રકરણ સાતમું

સમશેરબહાદુરે આ બધી હકીકત વિષે બીજે દહાડે સાંભળ્યું અને મૂરખરાજની પાસે બીજી સવારે ગયો. તેણે પૂછ્યું : "તને સિપાઈઓ ક્યાંથી મળ્યા અને તેને તું ક્યાં લઈ ગયો. એ તું મને કહે."

મૂરખરાજ બોલ્યો : " તેની તારે શી પરવા?"

સમશેર બોલ્યો : " મારે શી પરવા ? સિપાઈઓ આપણી પાસે હોય તો આપણે ગમે તે કરી શકીએ. આપણે રાજ્ય સુદ્ધાં મેળવી શકીએ." મૂરખરાજને આશ્ચર્ય લાગ્યું અને બોલ્યો : " જો એમ જ છે તો મને તેં અગાડી કેમ ન કહ્યું ? તું કહે એટલા સિપાઈ હું બનાવી શકું એમ છું. ઠીક થયું કે બહેને અને મેં મળીને ડૂંડા ઠીક એકઠાં કર્યાં છે." પછી મૂર્ખો તેના ભાઈને કોઠાર પાસે લઈ ગયો, અને બોલ્યો : " જો હું સિપાઈ તો બનાવું છું, પણ તારે તેઓને તરત જ લઈ જવા પડશે. કારણ કે જો તેઓને ખવડાવવું પડે તો તેઓ એક દહાડામાં ગામનો દાણો પૂરો કરી નાખે."

સમશેરે સિપાઈઓને લઈ જવાનું વચન આપ્યું. મૂર્ખે સિપાઈ બનાવવાનું શરૂ કર્યું. ભોંય ઉપર એણે ડૂંડાની એક ભારી પછાડી અને એક પલટણ તૈયાર થઈ. બીજી ભારી પછાડી અને બીજી પલટણ ઊભી થઈ. આમ કરતાં આખું ખેતર ભરાઈ રહ્યું. પછી મૂર્ખે પૂછ્યું : "હવે તો બસ થયું કે નહીં?"

સમશેર ગાંડોતૂર થઈ બોલી ઊઠ્યો :"હવે બસ, ભાઈ, તારો હું પાડ માનું છું."

મૂર્ખે જવાબ વાળ્યો :" ઠેક, તને વધારે જોઈએ તો મારી પાએ આવજે અને હું વધારે બનાવી આપીશ. આ મોસમનો પાક સારો ઉતર્યો છે એટલે ડૂંડા પુષ્કળ છે." સમશેર આ પલટણનો સેનાપતિ બન્યો, અને લડાઈ કરવા ચાલ્યો. તેટલામાં ધન્વંતરિ આવ્યો. તેણે પણ ગયા દહાડાની વાત સાંભળી હતી અને હરખાતો હરખાતો તેના ભાઈને પૂછવા લાગ્યો : "તને સોનું ક્યાંથી મળે છે એ મને તું કહે. જો મારી પાસે ભરપૂર સોનું હોય તો હું તેમાંથી આખી દુનિયા ખરીદી લઉં."

મૂર્ખો તો વળી તાજુબ થયો અને બોલ્યો : " તેં મને પહેલું કહ્યું હોત તો તને હું સોનાના ઢલગા ને ઢગલા આપત. હવે પણ જોઈએ તેટલું માગ."

ધન્વંતરિ આ સાંભળી ગાંડોતૂર બની ગયો અને બોલી ઊઠ્યો : " હાલ તો તું મને ત્રણ ટોપલી ભરીને આપ એટલે બસ છે."

મૂર્ખે કહ્યું : "ઠીક છે. ત્યારે ચાલો આપણે ખેતરમાં જઈએ. હું ગાડી પણ જોડું. કેમ કે એટલું સોનું તારાથી કાંઈ ઊંચકી શકાશે નહીં."

પછી તેઓ ખેતર તરફ હાંકી ગયા. મૂરખાએ કેટલાંક પાતરાં ઘસ્યાં અને સોનાનો મોટો ઢગલો થયો. પછી ધન્વંતરિ તરફ જોઈ બોલ્યો : " આટલું બસ થશે કે નહીં?"

ધન્વંતરિ બોલ્યો : " તેં તો બહુ કરી. હાલ તુરતને સારુ તો એટલું સોનું બહુ થશે. તારો પાડ હું કદી ભૂલીશ નહીં." મૂર્ખે જવાબ દીધો : " મારી પાસે પાતરાં પુષ્કળ છે. વધારે ખપ પડે તો આવજે, એટલે બીજું સોનું ઘસી કાઢીશ." ધન્વંતરિ ઢગલો લઈ વેપાર કરવા ચાલ્યો.

આમ કહી એક તરફથી સમશેર લડાઈમાં અને ધન્વંતરિ વેપારમાં એમ બન્ને ભાઈ મચ્યા. સમશેરે એક રાજ્ય જીતી લીધું અને ધન્વંતરિએ પુષ્કળ દોલત મેળવી. બંને ભાઈ પછી ભેળા થયા અને સમશેરે ધન્વંતરિને પૂછ્યું : " મારી પાસે રાજ્ય તો છે, પણ સિપાઈઓને નિભાવવા જેટલા પૈસા નથી." ત્યારે ધન્વંતરિ બોલ્યો : " મારે પૈસાની ખોટ નથી, પણ રખેવાળની ખોટ છે." આ સાંભળી સમશેર બોલી ઊઠ્યો : "ચાલો ત્યારે આપણે પાછા મૂર્ખા પાસે જઈએ. હું વધારે સિપાઈઓ બનાવવાનું કહીશ અને તું તેને સોનું ઘસી કાઢવાનું કહેજે. મારા સિપાઈ તું લઈ લેજે એટલે તારી દોલતની રખેવાળી કરશે. અને હું સોનું લઈશ એટલે તેમાંથી મારા સિપાઈઓ ખાશે."

આમ મસલત કરી બંને જણા મૂર્ખા પાસે ગયા. સમશેરે વધારે સિપાઈની માગણી કરી. મૂર્ખો માથું ધુણાવી બોલ્યો :" હવે હું બીજા સિપાઈ નહીં બનાવું."

સમશેરે બોલ્યો : " પણ તેં તો મને વચન આપ્યુ હતું" મૂર્ખે જવાબ આપ્યો : "હા, એ ખરું પણ હું હવે વધારે બનાવવાનો નથી."

સમશેર બોલી ઊઠ્યો : " શું કામ હવે નહીં બનાવે?"

મૂર્ખે જવાબ વાળ્યો : " તારા સિપાઈઓએ એક માણસને મારી નાખ્યો તેથી, એક દહાડો હું હળ ખેડતો હતો તેટલામાં મેં રસ્તેથી જતી એક ઠાઠડી જોઈ. પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે તારા સિપાઈઓ એક બાઈના ધણીને લડાઈમાં મારી નાખ્યો હતો. હું તો ત્યાં લગી એમ સમજતો કે સિપાઈઓનું કામ ગાવા બજાવવાનું હતું. પરંતુ તેઓ તો માણસમારા દેખાય છે. એટલે હવે હું એક પણ સિપાઈ બનાવવાનો નથી."

ધન્વંતરિને પણ મૂર્ખાએ સોનું બનાવી આપવાની ચોખ્ખી ના પાડી, અને કારણ બતાવ્યું કે ધન્વંતરિના સોનાથી એક પાડોશી પોતાની ગાય ખોવી પડી હતી.

ધન્વંતરિએ તેનું કારણ પૂછ્યું. મૂરખે કહ્યું : " મારા એક પાડોશીને ઘેર એક ગાય હતી. તેનું દૂધ દહીં તેનાં છોકરાંઓને સુખેથી મળતું હતું. એક દહાડો તે છોકરાંઓ મારી પાસે દૂધ માગવા આવ્યાં. તેઓને પૂછતાં મને માલૂમ પડ્યું કે તારો ખજાનચી છોકરાંઓની માને સોનાની ત્રણ લગડીઓ આપીને ગાય લઈ ગયેલો. તેથી છોકરાંઓ દૂધ વિનાનાં થઈ રહેલાં હતાં. મેં તો એમ ધાર્યું હતું કે સોનાના લખોટા બનાવી તું રમશે. પણ પરિણામ તો વિપરીત આવ્યું. બિચારાં છોકરાંઓ ગાય વિનાનાં થઈ દૂધની તંગીમાં આવી પડ્યાં. એટલે હવે મારી પાસેથી સોનું મેળવવાની આશા ફોકટ સમજવી."

નિરાશ થઈ બન્ને ભાઈ પાછા ફર્યા અને પોતાની મુસીબતનો વિચાર કરવા લાગ્યા. સમશેરે ધન્વંતરિને કહ્યું : " મારા સિપાઈને નિભાવવા જેટલા પૈસા તું મને આપ, હું તને મારું અડધું રાજ્ય આપું એટલે તારી દોલતનું રક્ષણ થશે."

ધન્વંતરિને આ સૂચના ગમી. ભાઈઓએ પોતાની પાસે હતું તેના ભાગ પાડ્યા. હવે બન્ને રાજ્યવાળા બન્યા અને બન્નેની પાસે પૈસો એકઠો થયો.