મોત્સાર્ટ અને બીથોવન/ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)

વિકિસ્રોતમાંથી
← કોસી ફાન તુત્તી મોત્સાર્ટ અને બીથોવન
ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)
અમિતાભ મડિયા
ઈડૉમેનિયો →





પ્રકરણ - ૬
ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)

ખ્રિસ્તી ધર્મ ત્યાગીને મોત્સાર્ટે ધારણ કરેલા નવા સંપ્રદાય ફ્રીમેસનરી સાથે આ ઑપેરા સંબંધ ધરાવે છે. ફ્રીમેસનરી સંપ્રદાય વિશે કંઈ પણ જાણતા ના હોય તેવા શ્રોતાને પણ આ ઑપેરાના રસાસ્વાદમાં કોઈ જ અડચણ મહેસૂસ થતી નથી, તે છતાં થોડી માહિતી રસપ્રદ બની રહેશે :

મૅસન – કડિયા શબ્દ પરથી ફ્રીમેસનરી નામ પડ્યું છે. આ સંપ્રદાયનું મૂળ નામ છે : Free and Accepted Masons. મધ્યયુગના અંતે નવા કથીડ્રલો બાંધવાની પ્રવૃત્તિ મંદ અને પછી બંધ પડતાં બેકાર કડિયાઓ અને સ્થપતિઓએ આ સંપ્રદાયનો પ્રારંભ 1717ના જૂનની ચોવીસમીએ લંડનમાં સંપ્રદાયના પહેલા લૉજ(Lodge - કેન્દ્ર)ની સ્થાપના વડે કર્યો. સેંટ જ્હોન ધ બૅપ્ટિસ્ટના અનુયાયી પંથે એને પનાહ આપેલી. અઢારમી સદીમાં આ સંપ્રદાયનો વ્યાપક ફેલાવો યુરોપ અને અમેરિકામાં થયો. 1731માં જર્મન ફ્રાન્સિસ લોરાંએ ફીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો પછી તો જર્મનીમાં પણ તેનો ઝડપથી પ્રસાર થયો. (ફ્રાન્સિસ લોરાં 1736માં સામ્રાજ્ઞી મારિયા થેરેસાને પરણીને સમ્રાટ બનેલો.) પણ 1738માં પોપે ફતવો કાઢીને આ સંપ્રદાયને અનીતિભર્યું પાપ ગણાવ્યો તથા એની ઉપર પ્રતિબંધ મૂક્યો; કારણ કે એકેશ્વરવાદી અને આત્મામાત્રની અમરતામાં માનતો ફ્રીમેસનરી સંપ્રદાય પ્રાચીન ગ્રીક અને ઈજિપ્શિયન પુરાણકથાઓ અને દેવદેવીઓને પણ સમાવી લેતો હોવાથી રોમન કૅથલિક ચર્ચની દષ્ટિએ તે (સંપ્રદાય) પૅગેન (Pagan – નાસ્તિક-નિરીશ્વરવાદી) હતો. એ વાત સાચી છે કે આ સંપ્રદાયને ખ્રિસ્તી ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. પણ તે અરાજકતા ફેલાવતો સંપ્રદાય નથી. એ તો દરેક માનવીને પોતપોતાના દેશના તત્કાળ કાયદાકાનૂનને અનુસરવાનો, ભાઈચારાનો તથા ત્યાગ ને દાન કરવાનો આદેશ આપે છે.

પોપના પ્રતિબંધ છતાં આ સંપ્રદાય યુરોપમાં નિર્વિઘ્ને ચાલુ રહ્યો. એની વિયેના ખાતેની પહેલી લૉજ (કેન્દ્ર) 1742માં શરૂ થઈ. પણ 1780 પછી મારિયા થેરેસાનો પુત્ર જૉસેફ બીજો સત્તાધીશ બનતાં જર્મની અને ઑસ્ટ્રિયામાં એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વિયેનામાં એનાં બે જ લૉજ (કેન્દ્રો) બચ્યાં. આ લૉજમાં ફ્રીમેસનરી બુદ્ધિજીવીઓ વિચારોની આપલે કરતા. (વિયેનામાં પહેલું ફ્રીમેસનરી લૉજ 1742માં અસ્તિત્વમાં આવ્યું. પછી બીજું પણ આવેલું.)

પ્રાચીન ઇજિપ્તના દેવોની સાથે કહેવાતી પ્રાચીન ઇજિપ્શિયન વિધિઓ પણ આ સંપ્રદાયમાં સામેલ છે. એની સાથે સત્તરમી-અઢારમી સદીના ‘એઈજ ઑફ એન્લાઇટન્મેન્ટ’નાં માનવતાવાદી મૂલ્યોને પણ આ સંપ્રદાયમાં સ્થાન છે. માનવીનો આનંદ આ સંપ્રદાયનું મુખ્ય ધ્યેય છે.

મોત્સાર્ટના કેટલાક બુઝુર્ગ મિત્રો આ સંપ્રદાયના સભ્ય હતા : લેખક ડૉ. મૅસ્મર ગૅબ્લર, ફૉન ગૅમીન્જન, ફાન સ્વીટન અને ખનીજશાસ્ત્રી ઈગ્નેઝ ફૉન બૉર્ન. એ બધાની અસર હેઠળ મોત્સાર્ટને આ સંપ્રદાય પ્રત્યે આકર્ષણ જાગેલું. મોત્સાર્ટ આ સંપ્રદાયમાં 1784ના ડિસેમ્બરની ચૌદમીએ વિયેનીઝ લૉજ ‘ઝુર વૉલ્થાટિકીટ’*[૧]માં નોંધણી કરાવીને ઍપ્રેન્ટિસ તરીકે દાખલ થયો. આ સંપ્રદાયમાં ઍપ્રેન્ટિસ, ફેલો અને માસ્ટર એમ ત્રણ કક્ષાઓ હતી. મોત્સાર્ટ છેલ્લે માસ્ટર પણ બનેલો. એ લૉજના ગ્રાન્ડમાસ્ટર બૅરોન ઓટ્ટો ફૉન જેમીજેન્હોબર્ગને મોત્સાર્ટ્ પહેલી વાર 1778માં મેન્હીમમાં પૅરિસ જતાં પહેલાં મળેલો. બૅરોન લેખક હતો. એણે શેક્સપિયર ઉપરાંત અઢારમી સદીના ફ્રેંચ લેખકો રૂસો અને દિદેરોના જર્મન અનુવાદો કરેલા. એ મોત્સાર્ટનો ફૅન હતો. એણે મોત્સાર્ટની ઓળખાણ પૅરિસના એક કંપોઝર ફ્રાંસ્વા જૉસેફ ગોસેક સાથે કરાવેલી. ગૉસેક પણ ફ્રીમેસન હતો. ગૉસેકે 1778માં મેન્હીમમાં વૉલ્ત્તેરના નાટક ‘સેમિરેમિસ’ ઉપરથી બૅરોને લખેલા લિબ્રતો માટે ઑપેરા લખવા મોત્સાર્ટને સૂચવેલું. વળી ડૉ. મૅસ્મર ગૅબ્લરે ઑપેરા ‘થામોસ, ધ કિન્ગ ઑફ ઇજિપ્ત’નો લિબ્રેતો લખેલો. મોત્સાર્ટના પ્રભાવ નીચે સંગીતકાર જૉસેફ હાયડન 1785ના જાન્યુઆરીની સાતમીએ અને પિતા લિયોપોલ્ડ એ જ વર્ષના એપ્રિલની છઠ્ઠીએ ફ્રીમેસન સંપ્રદાયમાં દાખલ થયેલા.

ઉત્તરાવસ્થામાં લખેલી મોત્સાર્ટની ત્રણ કૃતિઓમાં સ્પષ્ટ ફ્રીમેસનરી પ્રતીકો જોવાનું વલણ વ્યાપક છે :

1. 1785માં લખેલું એનું ગીત ‘ઝુર ગેસેલેન્રેઇસે’ (k 468);
2. કૅન્ટાટા ‘ડાય મોરફ્રૂડે’ (k 471) (કડિયાઓનો આનંદ);
તથા
3. ઑપેરા ‘ઝુબેરફ્‌લોટ’.

કૅથલિક ચર્ચ ઉપરાંત ફ્રેંચ ક્રાંતિકારીઓની પણ ફ્રીમેસનરી પર કરડાકીભરી નજર હતી. અઢારમી સદીના છેલ્લા દાયકામાં અને ઓગણીસમી સદીના પ્રારંભમાં આ સંપ્રદાય લગભગ ભૂગર્ભમાં ચાલ્યો ગયો. એની ગતિવિધિઓ વધુ ગુપ્ત થતી ગઈ. ઑપેરા ‘ઝુબેફ્‌લોટ’ વડે શીકેનેડરે અને મોત્સાર્ટે એની ગુપ્ત વિધિઓ જાહેર કરી તેથી બીજા ફ્રીમેસન માણસોએ મોત્સાર્ટનું ખૂન કરાવેલું એવી વાયકાએ ઓગણીસમી સદીમાં ખાસ્સું જોર પકડેલું. આ ઑપેરાના પ્રીમિયર શોમાં પાપાજિનોનું પાત્ર ખુદ શીકેનેડરે ભજવેલું અને ગાયેલું. પરીકથા જેવી આ ઑપેરાની કથાનાં અર્થઘટનોની શક્યતા અનંત હોવાથી મોત્સાર્ટને ખાસ આકર્ષક લાગેલી. બીથોવનનો પણ આ પ્રિય ઑપેરા છે. લૉરેન્ઝો દિ પોન્તીના લિબ્રેતોવાળા મોત્સાર્ટના બીજા કૉમિક ઑપેરા બીથોવનને કદી ગમેલા નહિ. ગથે ‘ઝુબેરફ્`લોટ’થી એટલો પ્રભાવિત થયેલો કે એણે એના અનુસંધાનમાં નવા ઑપેરાનો લિબ્રેતો લખવો શરૂ કરેલો, પણ એ અધૂરો રહ્યો.

પાત્રો :

સારાસ્ત્રો સૂર્યનો પુરોહિત
તામિનો એક પરદેશી રાજકુમાર
અવાજ
રાતરાણી
પામીના રાતરાણીની પુત્રી
ત્રણ છોકરડા
ત્રણ સ્ત્રીઓ
પાપાજિનો એક પારધી
પાપાજિના એક છોકરી
મોનાસ્ટાટોસ એક મૂર

અંક - 1

એક સર્પના ડંખથી મૂર્ચ્છિત રાજકુંવર તામિનોને ત્રણ સ્ત્રીઓ સારવાર કરીને બચાવે છે, અને સર્પને મારી નાખે છે. તામિનો ભાનમાં આવે છે એટલે પાપાજિનો આવીને એને એણે પોતે જ બચાવ્યો એવી ખોટી ડંફાસ મારે છે. તેથી એને સજા કરવા માટે ત્રણે સ્ત્રીઓ ભેગી મળીને એના મોંમાં ડૂચા મારી ઉપર પટ્ટો બાંધી દે છે. પછી એ ત્રણે તામિનોને પામિનાનું ચિત્ર બતાવીને કહે છે કે, “જો, કેટલી સુંદર છોકરી છે ! પણ એને સારાસ્ત્રો અપહરણ કરીને ઉપાડી ગયો છે, તો તું એને બચાવી લાવ.” ત્યાં જ રાતરાણી પ્રકટ થાય છે અને વચન આપે છે કે તામિનો જો પોતાની પુત્રી પામિનાને બચાવી શકે તો પોતે પોતાની એ પુત્રીનાં લગ્ન તામિનો સાથે કરાવી આપશે. તામિનો એને બચાવવા નીકળી પડે એ પહેલાં પેલી ત્રણ સ્ત્રીઓ રક્ષણ માટે એને એક જાદુઈ વાંસળી આપે છે. પછી એ ત્રણે પાપાજિનોના મોંમાંથી ડૂચા દૂર કરી એને પણ તામિનોની સાથે મોકલે છે તથા પાપાજિનોને રક્ષણ માટે જાદુઈ ઘંટડી આપે છે.

પછીના દૃશ્યમાં સારાસ્ત્રોના મહેલમાં મોનોસ્ટાટોસ પામિનાને આજીજીઓ કરી કરીને ત્રાસ આપી રહ્યો છે. ત્યાં જ તામિનો આવીને મોનોસ્ટાટોસને ભગાડી મૂકે છે. પામિના અને તામિનો પહેલી નજરે જ એકમેકના ગાઢ પ્રેમમાં પડે છે. ત્રણ છોકરડા આવીને તામિનોને પ્રકૃતિ, તર્ક અને શાણપણ — એમ ત્રણ મંદિરોનાં દ્વાર સુધી લઈ જાય છે. પણ એ વખતે જંગલી જનાવરો તામિનોને ઘેરી વળે છે. જાદુઈ વાંસળી વગાડીને તામિનો એમને વશમાં કરે છે. મોનોસ્ટાટોસના ગુલામો પાપાજિનોને પકડી લે છે એટલે પાપાજિનો જાદુઈ ઘંટડી વગાડી એમને વશમાં કરીને છુટકારો પામે છે.

હવે સારાસ્ત્રો તામિનોને પકડી લે છે અને પામિનાને હુકમ કરે છે કે તું હવે કદી રાતરાણીને જોવા પામીશ નહિ.

અંક – 2

તામિનો અને પામિનાનું રક્ષણ ક૨વા માટે સારાસ્ત્રો ઇજિપ્તની દેવી આઇસિસ અને દેવ ઓસિરિસને પ્રાર્થના કરે છે. સારાસ્ત્રો એક ભલો માણસ છે એ જાણી તામિનોને સાનંદાશ્ચર્ય થાય છે. સારાસ્ત્રો એને એ પણ કહે છે કે રાતરાણી એક દુષ્ટ ડાકણ છે, એ પામિનાને મારી નાખવા ચાહે છે. પણ તામિનો અને પાપાજિનોએ પહેલી પરીક્ષા મૌન રહેવાની આપવી પડે છે. ત્રણે સ્ત્રીઓ એમને બોલવા માટે ખૂબ ઉશ્કેરે છે પણ બંને સંયમ રાખીને એક હરફ પણ કાઢતા નથી. રાતરાણી આવીને પુત્રી પામિનાને ચાકુ આપે છે અને સારાસ્ત્રોનું ખૂન કરવાનો હુકમ કરે છે. વળી મોનોસ્ટાટોસ આવીને પામિનાને દબડાવે છે પણ ત્યાં સારાસ્ત્રો આવીને એને તગેડી મૂકે છે, અને પામિનાને ખાતરી આપે છે કે રાતરાણી સાથેની એની દુશ્મનાવટ અને વેર એ પામિના ઉપર વાળશે નહિ.

પછીના દૃશ્યમાં પાપાજિનો સમક્ષ એક કદરૂપી વૃદ્ધા પ્રકટ થાય છે અને પોતાનું નામ પાપાજિના જણાવીને કહે છે : “હું તારી મંગેતર છું.” પાપાજિનો દુઃખ અને ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે. પણ એટલું જ બોલીને પેલી તો તરત જ અલોપ થઈ જાય છે. તામિનોની મૌનપરીક્ષા હજી પૂરી નથી થઈ, એ દુઃખી છે કારણ કે એ પામિના સાથે વાતો કરી શકતો નથી. પામિના બોલે કે પૂછે એનો એ પ્રતિભાવ નહિ આપી શકવાને કારણે પામિના હતાશ થઈ જાય છે કે તામિનો એને ચાહતો નથી, એ રડવા માંડે છે. આ જોઈ તામિનો ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પાપાજિનો સમક્ષ પાપાજિના નામની પેલી વૃદ્ધા ફરીથી પ્રકટ થાય છે પરંતુ તરત જ એ રૂપાળી છોકરીમાં ફેરવાઈ જાય છે તેથી પાપાજિનો આનંદથી નાચી ઊઠે છે, પણ પાપાજિના ફરીથી અલોપ થઈ જાય છે.

પ્રેમભગ્ન હતાશ પામિના આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ ત્રણ છોકરડા આવીને એને બચાવી લે છે અને એને તામિનો પાસે લઈ જાય છે. પાપાજિનાની પ્રતીક્ષામાં નિરાશ થઈને પાપાજિનો પોતાને દોરડે લટકાવીને મરવા જ જતો હોય છે ત્યાં જ પેલા ત્રણ છોકરા આવીને એને સમજાવે છે એટલે એ જાદુઈ ઘંટડી વગાડવી શરૂ કરે છે. પરિણામે તરત પાપાજિના પ્રકટ થાય છે; અને મિલન થાય છે.

પામિનાને પાછી મેળવવા રાતરાણી મોનોસ્ટાટોસની મદદ મેળવે છે પણ સૂર્યપ્રકાશમાં એ બંનેનું જોર ઓગળી જાય છે. મૌનપરીક્ષા પૂરી થાય છે. પછી અગ્નિ અને પાણીની પરીક્ષાઓમાંથી પસાર થઈને તામિનોનું પામિના સાથે મિલન થાય છે.


– અંત –
પ્રીમિયર શો
થિયેટર ઑફ ડૅર વીડન, વિયેના, 30 સપ્ટેમ્બર 1791

સારાસ્ત્રો ફ્રાન્ઝ ઝેવર જર્લ
તામિનો બેનેડિક્ટ શૅક
રાતરાણી જૉસેફા વેબર હૉફર
(મોત્સાર્ટની સાળી)
પામિના ઍના ગૉટ્લિબ
પાપાજિનો એમાન્યુઅલ શીકેનેડર
પાપાજિના બાર્બરા જર્લ
મોનોસ્ટાટોસ જોહાન જૉસેફ નૂસેલ


પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.


  1. * Beneficence – લાભ.