મોત્સાર્ટ અને બીથોવન/ડૉન જિયોવાની

વિકિસ્રોતમાંથી
← મૅરેજ ઑફ ફિગારો મોત્સાર્ટ અને બીથોવન
ડૉન જિયોવાની
અમિતાભ મડિયા
કોસી ફાન તુત્તી →




પ્રકરણ – ૪
ડૉન જિયોવાની


પાત્રો :

ડૉન જિયોવાની રૂપાળો જુવાન
લેપોરેલો એનો જુવાન નોકર
કમાન્ડન્ટ
ડૉના એના કમાન્ડન્ટની યુવાન પુત્રી
ઍઓન ઑતાવિયો ડૉના એનાનો મંગેતર
ડૉના એલ્વિરા યુવતી
ઝર્લિના ગામડાના ખેડૂતની પુત્રી
માસેતો ઝર્લિનાનો મંગેતર

સ્થળ :

બધી ઘટનાઓ સ્પેનના કોઈ ગામડામાં બને છે.
અંક – 1

કમાન્ડન્ટના ઘરનો બગીચો. એક દરવાજો ઘરમાં ખૂલે છે અને બીજો એક દરવાજો બગીચાના કોટમાં ખૂલે છે જે બહાર શેરીમાં પડે છે. રાત પડવા આવી છે અને ઝાંખા ઉજાસમાં લેપોરેલો અકળાઈને બગીચામાં આંટા મારે છે અને બોલે છે કે “મારો હવસખોર માલિક મારી પાસે દિવસરાત કામ લે છે અને શ્વાસ લેવાનો પણ આરામ આપતો નથી. ડૉન જિયોવાનીની નોકરી છોડી સજ્જનની જેમ જીવવું વધુ સારું. જિયોવાની તો અંદર મજા કરે છે પણ મારે પહેરેગીર બનીને ચોકી કરવી પડે છે.” ત્યાં જ ઘરમાંથી ફર્નિચર ગબડવાના અવાજો આવતાં લેપોરેલો છુપાઈ જવાનું ડહાપણભર્યું માની લપાઈ જાય છે. ઘરમાંથી ધડાક દઈને બારણું ખોલી એક હાથે રૂમાલથી મોં ઢાંકતો જિયોવાની ઉતાવળે દોડતો બહાર નીકળે છે અને એની સાથે ઝપાઝપી કરતી ડૉના એના નીકળે છે. ઘરમાં શું થયું એ અનુમાનનો વિષય છે. ડોના એના ગુસ્સાથી કાંપે છે. જિયોવાની પોતાનો ચહેરો છુપાવે છે પણ એના આ પુરુષનો ચહેરો ઓખળવા તત્પર છે. આ ધમાચકડી દરમિયાન જ એના મદદ માટે બૂમો પાડે છે તેથી સંતાયેલો લેપોરેલો પ્રકટ થાય છે અને એ જ વખતે શેરીમાંથી દરવાજો ખોલીને હાથમાં નાગી તલવાર પકડીને કમાન્ડન્ટ પ્રવેશે છે. એ જોઈને એના પાછી ઘરમાં ઘૂસી જાય છે અને કમાન્ડન્ટ પોતાની પુત્રી સાથે કુચેષ્ટા કરનાર જિયોવાનીને ડ્યુએલ-તલવારબાજી માટે આહ્વાન આપે છે. તલવારબાજીમાં જિયોવાની કમાન્ડન્ટને કાતિલ ઘાયલ કરે છે. ઔપચારિક દિલગીરી અને લાચારી પ્રગટ કરી જિયોવાની લેપોરેલો સાથે તરત જ બગીચામાંથી બહાર છૂ થઈ જાય છે.

એ જ વખતે પોતાના મંગેતર ડૉન ઑતાવિયો સાથે એના ઘરના બારણામાંથી બગીચામાં પ્રવેશે છે, અને પિતાના મૃતદેહ ઉપર ઝૂકી પડીને આક્રંદ કરે છે. ઑતાવિયો એને શાંત રાખવા મથે છે. એના પિતાના ખૂનનો બદલો વાળવાનો નિશ્ચય કરે છે.

પછીના દૃશ્યમાં એક વહેલી સવારે જિયોવાની અને લેપોરેલો વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો પોતાના માલિકને કહે છે કે, “તમે મને ધમકાવશો નહિ એ શરતે હું એક વાત કહું?” જિયોવાની શાંત રહેવાનું વચન આપે છે એટલે લેપોરેલો વાત કરે છે, “મારા વહાલા સાહેબ, સાચું કહું તો તમે તદ્દન હરામખોર અને લબાડ છો.” તરત જ જિયોવાનીનો પિત્તો જાય છે, અને વચનભંગ કરીને લેપોરેલોને ગંદી ગાળો ભાંડે છે અને દબડાવે છે, પણ પછી એકદમ ચૂપ થઈ જાય છે ને ઊંચું ડોકું કરી ઊંડા શ્વાસ લઈ આંખમાં આનંદની ચમક સાથે કહે છે, “આટલામાં કોઈક છોકરી હોવી જ જોઈએ કારણ કે મારા નાકને છોકરીની સુગંધ આવે છે !” ભૂતકાળમાં એલ્વિરા નામની એક છોકરીને પટાવીને જિયોવાનીએ એનું શિયળભંગ કરેલું એ જ આ છોકરી. થોડી જ વારમાં જિયોવાની અને એલ્વિરા ઝાડીમાં સામસામે થાય છે અને એકબીજાની આંખોમાં નજર પરોવે છે. એલ્વિરા તરત જ જિયોવાનીને ઓળખી કાઢે છે કારણ કે જિયોવાનીએ એને ભૂતકાળમાં છેતરી છે. પણ હજારો છોકરીઓ જોડે રંગરેલિયાં મનાવી ચૂકેલા જિયોવાનીને દરેક છોકરી થોડી કંઈ યાદ રહે ? એ નથી ઓળખી શકતો પણ એટલું કળી શકે છે કે કોઈ પ્રેમીએ તરછોડેલી આ એક રૂપાળી પણ બિચારી દુઃખી છોકરી છે. તો એને પટાવી લેવાની તક શું જતી કરાય ? પણ ત્યાં જ એલ્વિરા ઉગ્ર અવાજમાં એને ધમકાવે છે અને કહે છે, “ત્રણ દિવસ મારી જોડે રોમાન્સ કરીને કેમ ભાગી ગયો ?” અને ભૂતકાળનું વિગતવાર બયાન આપવું શરૂ કરે છે. એ બોલતી રહે છે ને જિયોવાની અગત્યના કામનું બહાનું ધરીને છટકીને ભાગી જાય છે તથા પોતાનો હવાલો લેપોરેલોને સોંપતો જાય છે. એટલે એલ્વિરા ઓર ક્રોધે ભરાય છે અને અત્યારે પણ પોતાને પડતી મૂકીને ચાલ્યા જવાથી પોતાને થયેલા આ નવા અપમાનનો બદલો પણ જૂના અપમાનના બદલા ભેગો વાળશે એમ જાહેર કરે છે; અને પછી હીબકાં ભરીને રડવા માંડે છે. લેપોરેલો એને શાંત કરવા મથામણ કરે છે અને જિયોવાનીની હરકતોને ગંભીરતાથી નહિ લેવા સલાહ આપે છે, “મારા માલિકનાં પ્રેમપ્રકરણોમાં તું કાંઈ પહેલી છોકરી નથી, એમ છેલ્લી છોકરી પણ નથી.” પછી પોતાના ખિસ્સામાંથી નાની ચોપડી કાઢીને જિયોવાનીએ કરેલાં લફરાંઓનું કેટલોગ બતાવીને આગળ બોલે છે : “ઇટાલીમાં છસો ચાળીસ, જર્મનીમાં બસો એકત્રીસ, ફ્રાંસમાં સો, તુર્કીમાં એકાણું પણ અહીં સ્પેનમાં તો એક હજાર ને ત્રેતીસ છોકરીઓ જોડે મારા માલિકે લફરાં કર્યાં. એમાં દરેક પ્રકારની છોકરી સામેલ છે – નોકરાણી, શેઠાણી, રાજકુંવરી, રાણી, શિક્ષિકા, આયા, ગાયિકા, નાટકની અભિનેત્રી અને ખેતમજૂરણ. દરેક ઘાટઘૂટની છોકરી માલિકને પસંદ છે – જાડી, અદોદળી, પાતળી, ઊંચી. પણ શિયાળામાં પાતળી પસંદ કરે છે અને ઉનાળામાં જાડી. વળી બાર વરસની છોકરીથી માંડીને બ્યાસી વરસની ડોસીને પણ એણે છોડી નથી. નાનકડી કુમારિકાથી માંડીને અનુભવી પીઢ મહિલાઓ સુધીની વિશાળ શ્રેણી જિયોવાનીની લપેટમાં ફસાઈ ચૂકી છે. ચામડીના હરેક રંગો પસંદ છે; ગોરો, ગુલાબી કે ઘઉંવર્ણ.”

પોતાના માલિકની મર્દાનગીની જાહેરાત પૂરી કરીને તરત જ લેપોરેલો છૂ થઈ જાય છે. પોતાને ફરીથી તરછોડીને નોકરને હવાલે કરતા જિયોવાની પર ફિટકાર વરસાવીને એલ્વિરા બદલો વાળવાનો મનસૂબો પાકો કરે છે.

પછીના દૃશ્યમાં ગામડામાં એક લગ્નપ્રસંગની મિજબાની અને ઉજાણી અને નાચગાન દેખાય છે. ગ્રામસુંદરી ઝર્લિનાનાં લગ્ન એક ખડતલ ગામડિયા માસેતો સાથે આવતી કાલે થવાનાં છે. ત્યાં જ જિયોવાની અને લેપોરેલો આવી પહોંચે છે. વિશાળ સંખ્યામાં રૂપસુંદરીઓ જોઈને જિયોવાની પ્રફુલ્લિત થઈ જાય છે. મારેતો અને ઝર્લિના સાથે એની ઓળખાણ થાય છે. મારેતો મૂરખ છે પણ ઝર્લિના ખૂબ ચાલાક અને જન્મજાત નખરાંબાજ છે. પરસ્પર કાંઈ પણ સ્પષ્ટતા કર્યા વિના જ જિયોવાની અને ઝર્લિના વચ્ચે એક મૂંગી સમજણ સ્થપાય છે. જિયોવાની માસેતોને સમગ્ર ગ્રામજનો સહિત પોતાના મહેલમાં ચૉકલેટ અને કૉફીનું આમંત્રણ આપે છે; પણ ઝર્લિના ભલે અહીં પોતાની સુરક્ષા હેઠળ રહે એમ કહે છે તેથી મારેતો ગિન્નાય છે. લેપોરેલો માસેતોને ખાતરી આપે છે કે જિયોવાની ઝર્લિનાની ખૂબ સારી સંભાર લેશે; જિયોવાની તો લશ્કરનો સૈનિક છે. જિયોવાની પોતાને કેડે બાંધેલી તલવારની મૂઠ પર પંજો મૂકી સત્તાનો રોફ બતાવી મારેતોને સાનમાં ધમકી આપે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. નિરાશ મારેતો દર્દભર્યું ગીત ગાઈને પોતાના આમંત્રિત ગ્રામજનોને લઈને લેપોરેલો સાથે નીકળી પડે છે.

 એકલો પડતાં જ જિયોવાની ઝર્લિનાને વળગે છે: “તારા જેવી સુંદર છોકરી ગમાર રોંચાને કેવી રીતે પરણી શકે ? તું તો રૂપ રૂપનો અંબાર છે. જો, હું કેટલો દેખાવડો છું ! આજે રાત પડે એ પહેલાં હું તારી સાથે લગ્ન કરવાનું તને વચન આપું છું.” ત્યાં જ અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને જોઈને ચોંકી જાય છે. એ “ઓ બદમાશ, લફંગા” એવી ચીસો પાડે છે અને કહે છે : “આ નિર્દોષ છોકરીને હું તારી ચુંગાલમાંથી બચાવીને જ જંપીશ.” જિયોવાની હાથમાં આવેલી ઝર્લિનાને જતી કરવા માંગતો નથી. ઝર્લિનાને એ કહે છે કે “આ એલ્વિરા તો પાગલ છે.” પણ ઝર્લિનાને જિયોવાનીથી છોડાવીને લઈ જવામાં એલ્વિરા સફળ થાય છે.

એકલો પડેલો જિયોવાની પોતાના નસીબને કૂટતો હોય છે ત્યાં જ એના પોતાના મંગેતર ઓતાવિયો સાથે પ્રવેશે છે. એ બંને હજી પિતાના ખૂનીને પકડીને બદલો લેવાની યોજનાઓ ચર્ચા રહ્યા છે. એના બોલે છે, “પિતાના ખૂનીને હું છોડવાની નથી, પણ રૂમાલ ઢાંકી રાખીને એણે પોતાનો ચહેરો બતાવ્યો નહિ તથા પિતા જોડે એણે તલવારબાજી કરી ત્યારે ડરીને હું ઘરમાં ભાગી આવેલી એટલે એ યુવાન કોણ હતો તે કેવી રીતે ખબર પડશે ?” ડૉન જિયોવાની વિનયપૂર્વક પોતાની ઓળખાણ આ યુગલને આપે છે તથા મરનારના ખૂનીને શોધી કાઢવામાં બનતી મદદ કરવાની પૂરી ખાતરી આપે છે. પણ એ જ વખતે એલ્વિરા પાછી પ્રવેશે છે અને ચીસાચીસ કરી મૂકી એનાને જિયોવાનીથી દૂર રહેવા ચેતવણી આપે છે, અને પછી ફરીથી જતી રહે છે. જિયોવાની એનાને અને ઑતાવિયોને કહે છે કે એલ્વિરાનું તો ચસકી ગયું છે. પછી ચિંતાતુર થયા હોવાનો ડોળ કરી એને શોધીને એની સારવાર કરવાનું બહાનું બતાવીને ગાયબ થઈ જાય છે. એ જ વખતે એનાના પગ અચાનક ઢીલા પડી જાય છે અને પોતે ઑતાવિયો પર ઢળી પડે છે. પછી હોશમાં આવીને બોલે છે : “હવે મેં આ માણસને ઓળખ્યો, એ જ પિતાનો ખૂની છે. એ કાળરાત્રીએ હું મારા રૂમમાં એકલી હતી ત્યારે પાછળથી આવીને મને એ જ વળગેલો. પહેલાં તો હું સમજી કે એ તું હતો, પણ પછી અજાણી ગંધ અને સ્પર્શથી હું ચોંકી ગઈ અને મેં બુમરાણ મચાવી ત્યાં જ એ બારણું ખોલીને બગીચામાં ભાગ્યો. ઘરમાં ને બહાર અંધારું હતું અને વધારામાં એણે મોં પર રૂમાલ ઢાંક્યો એટલે એ વખતે એનો ચહેરો ધ્યાનથી જોઈ શકી નહિ. અને અચાનક પિતાજી આવતાં હું પાછી ઘરમાં ભરાઈ ગઈ.” એના અને ઑતાવિયો - ચાલ્યાં જાય છે.

પછી લેપોરેલો અને જિયોવાની પ્રવેશે છે. લેપોરેલો કહે છે : “મેં ગામડિયાઓની જમાતને પુષ્કળ દારૂ પાયો. બધા ઢીંચીને મસ્ત બન્યા ત્યાં જ એલ્વિરા ઝર્લિના સાથે ત્યાં આવી અને તમને મોટેથી ગાળો ભાંડવી શરૂ કરી. માંડ માંડ એલ્વિરાને મેં ઘરની બહાર કાઢી અને પછી અંદરથી બારણું બંધ કર્યું.”

એ પછીના દૃશ્યમાં બગીચો દેખાય છે. એમાં માસેતો અને ઝર્લિનાના લગ્નની મિજબાનીમાં ગ્રામજનો મહાલતા નજરે પડે છે. લગ્નની આગલી જ સાંજે ફ્લર્ટ કરવા બદલ ઝર્લિનાને માસેતો ઠપકારે છે. ઝર્લિના જવાબ આપે છે : “એ રૂપાળા જુવાને મારાં વખાણ કર્યા એટલે હું પીગળી. બાકી હું તો નિર્દોષ છું, કારણ કે આખરે એનાથી છૂટીને જ જંપી. તને ગુસ્સો ચઢ્યો હોય તો તું મને માર. હું તારા મુક્કા સહન કરીશ.” ભલોભોળો માસેતો એને હસીને માફ કરે છે. ત્યાં જ લેપોરેલોને લઈને જિયોવાની આવે છે અને માસેતો સાથે સૌજન્યપૂર્વક વાતો શરૂ કરે છે. એટલામાં ઑતાવિયો, એના અને એલ્વિરા ચહેરા પર મહોરાં પહેરીને આવે છે. એલ્વિરા તરત જ ઝર્લિનાને ઓળખી જાય છે અને ઇશારાથી જિયોવાનીના નવા શિકાર તરીકે ઝર્લિનાનું ઑતાવિયો અને એનાને સૂચન કરે છે. લેપોરેલો માસેતોને પોતાની સાથે પરાણે યુગલનૃત્ય કરાવે છે એ જ વખતે તક ઝડપીને જિયોવાની ઝર્લિનાને લઈને અંદરના ઓરડામાં ઘૂસી જાય છે. થોડી જ વારમાં અંદરથી મદદ-બચાવ માટેની ચિચિયારીઓ સંભળાય છે. એના, ઑતાવિયો, એલ્વિરા અને માસેતો ભેગાં મળીને એ ઓરડાનું બારણું તોડી નાખે છે. જિયોવાની લેપોરેલોનો હાથ પકડીને અંદરથી બહાર ખેંચી લાવે છે અને લેપોરેલોને ગુસ્સાથી ઠપકો આપવાનો ઢોંગ કરે છે; તલવારના ગોદા પણ મારે છે. “ઝર્લિના સાથે કુકર્મ કરવાની ગુસ્તાખી લેપોરેલોએ કરી” એમ જિયોવાની પેલા ચારેને સમજાવવાની કોશિશ કરે છે પણ ત્યાં તો એના, ઑતાવિયો અને એલ્વિરા મહોરાં ઉતારીને માસેતો સાથે મળીને એકીઅવાજે બોલે છે, “દુષ્ટ જિયોવાની, લંપટ, ઠગ તરીકે અમે તને ઓળખી કાઢ્યો છે.” પણ હાથમાં નાગી તલવારરૂપી ધમકી બતાવી જિયોવાની ભાગી છૂટે છે.

અંક – 2

કોઈ શેરીમાં લેપોરેલો અને જિયોવાની વાતો કરતા નજરે પડે છે. લેપોરેલો કહે છે, “તમારી નોકરીમાં મારે ભોંઠપ અને શરમ અનુભવવી પડે છે. તમારા જેવા બદમાશ માલિકને ફરી એક વાર તિલાંજલિ આપવાનું મેં નક્કી કર્યું છે.” પણ લેપોરેલોના હાથમાં નાણાંની થેલી મૂકીને જિયોવાની એની બોલતી બંધ કરે છે. છતાં લેપોરેલો કહે છે, “પણ છોકરીઓનો કેડો તો તમારે મૂકવો જ પડશે.” જિયોવાની કહે છે, “અશક્ય ! ખાધાપીધા વગર ચાલે, શ્વાસ લીધા વગર ચાલે, પણ છોકરીઓ વિના તો એક ક્ષણ પણ કેવી રીતે ચાલે ? એક પ્રેમાળ હૃદય કોઈ પણ સુંદરીની ઉપેક્ષા કેવી રીતે કરી શકે? જો, એલ્વિરાની નવી નોકરાણી ખૂબ રૂપાળી છે અને આજે સાંજે મારે એની સાથે નસીબ અજમાવવું છે. પણ ક્યાં એ બિચારી ગરીબ છોકરી, ને ક્યાં હું? એટલે ચાલ, આપણે અરસપરસ કપડાં બદલી લઈએ, જેથી હું એક ગરીબ નોકર દેખાઉં!” જિયોવાની અને લેપોરેલો પોતપોતાનાં કપડાં ઉતારી લે છે અને એકબીજાનાં કપડાં પહેલી લે છે.

પછીના દૃશ્યમાં એ બંને એકબીજાના વેશમાં એલ્વિરાના ઘર નીચે શેરીમાં ઊભા છે. સાચો જિયોવાની એલ્વિરાને સંબોધીને પ્રેમગીત ગાય છે એટલે પોતે જાણે ગઈગુજરી ભૂલી ગઈ છે એવો સ્વાંગ રચીને, પણ હકીકતમાં મેથીપાક ચખાડવા લેપોરેલોને જિયોવાની માની લઈને એની સાથે નીકળી પડીને સ્ટેજ બહાર જાય છે. સાચો જિયોવાની નોકરાણી માટે ગીત ગાય છે. નોકરાણી બારીમાં ડોકાય છે ત્યાં જ મસેતો અને બીજા ગ્રામજનો હાથમાં બંદૂકો અને પિસ્તોલો લઈને આવીને જિયોવાનીને ઘેરી વળે છે. પણ લુચ્ચો જિયોવાની પોતાની મજબૂરીનો આલાપ ગાય છે : “મારો માલિક લફંગો મને કેવી કઢંગી સ્થિતિમાં મૂકે છે ! એ સાલા લંપટથી હું ત્રાસી ગયો છું. ચાલો, એને શોધવામાં હું તમારી મદદ કરું. એને સજા થવી જ જોઈએ.” પછી જિયોવાની ‘જિયોવાની’એ પહેરેલાં કપડાંનું બયાન આપે છે. એટલે ગ્રામજનો એને પકડવા નીકળી પડે છે. એકલા પડેલા માસેતો સાથે વાતે વળગીને જિયોવાની ચાલાકીથી માસેતોના હાથમાંથી બંદૂક પડાવી લઈ એનાથી ગોદા મારી એને અધમૂઓ કરે છે અને એને કણસતો મૂકી ભાગી છૂટે છે. મારેતોની ચીસો સાંભળી ઝર્લિના આવી પહોંચે છે અને સાંત્વન આપે છે.

અંક – ૩

આ દૃશ્ય ડૉના એનાના ઘરના ચોકમાં ઊઘડે છે. બહારથી જિયોવાનીના વેશમાં લેપોરેલોને લઈને એલ્વિરા પ્રવેશે છે. લેપોરેલો ભાગવા માટે બારણું શોધતો હોય છે ત્યાં જ બહારથી ઑતાવિયો અને એના શોકગ્રસ્ત હાલતમાં પ્રવેશે છે; અને લેપોરેલો એ બારણેથી છકટવા જાય છે ત્યાં જ બહારથી પ્રવેશી રહેલાં માસેતો અને ઝર્લિના એને પકડીને એની પર તૂટી પડે છે. જિયોવાનીનો સ્વાંગ ઉતારી લેપોરેલો કરગરે છે : “મારા માલિકની સજા મને શા માટે કરો છો ? એણે તો મને પણ છેતર્યો છે" અને એ ભાગી છૂટે છે.

હવે બધાને ખાતરી થઈ ચૂકી છે કે એનાના પિતા કમાન્ડન્ટનો ખૂની બીજો કોઈ નહિ, પણ જિયાવાની જ છે. એની સામે ફરિયાદ નોંધાવવા ઑતાવિયો નીકળી પડે છે. એ ઘણું વિચિત્ર લાગે છે કારણ કે એ જમાનામાં ઉચ્ચ કુળવાન પુરુષો પોલીસ કે કાયદાને આશરે જવાને બદલે તલવારને ઝાટકે જાતે ફેંસલો કરવામાં જ મર્દાનગી સમજતા.

અંક – 4

કબ્રસ્તાનમાં પરોઢ થઈ છે. એક નજીકની કબર પર તાજેતરમાં જ કમાન્ડન્ટના ઘોડેસવાર પૂતળાની સ્થાપના કરી છે. અચાનક કમ્પાઉન્ડવૉલ પરથી ઠેકડો મારીને જિયોવાની હાંફળોફાંફળો આવે છે. કમાન્ડન્ટના પૂતળાની બાજુમાં જ લેપોરેલોને બેઠેલો જોઈને એ ગઈ રાતની પોતાની શૌર્યકથા કહે છે: “રાતે મેં એક સુંદર છોકરી પટાવી. એ તારી માશૂકા નીકળી પણ એણે તો મને કામક્રીડા પૂરી થઈ પછી ડૉન જિયોવાની તરીકે ઓળખ્યો. એટલે એણે ગભરાઈને ચીસો પાડવા માંડી. સાંભળીને લોકોનું ટોળું ભેગું થયું, એટલે જાન બચાવવા અંધારામાં હું ભાગ્યો અને અહીં આવીને સંતાયો.” લેપોરેલો ડઘાઈને જોઈ રહે છે. ત્યાં જ કમાન્ડન્ટનું પૂતળું પડછંદ ઘોઘરા અવાજમાં બોલી ઊઠે છે : “સાંભળ, સવાર પડતા પહેલાં તારું હાસ્ય ખતમ થઈ જશે!” અચાનક ઓબોઝ, ક્લેરિનેટ્સ, બાસૂન્સ, બાસ સ્ટ્રીમ્સ અને ત્રણ ટ્રોમ્બોન્સ ગાજી ઊઠીને ઑપેરાનું વાતાવરણ પહેલી વાર ભારેખમ ગંભીર કરી મૂકે છે. જિયોવાની ચોંકીને કહે છે કે, “કોણ બોલ્યું ?” એ દીવાલ પાછળ કોઈ સંતાઈને બોલ્યું હોય એની તપાસ કરવા આંટો મારી આવે છે. પણ ત્યાં તો કોઈ જ નથી. પછી પૂતળા નીચે કોતરેલા શબ્દો પર બંનેની નજર પડે છે. લેપોરેલો મોટેથી વાંચે છે : “જે દુષ્ટાત્માએ મારી કતલ કરી છે એનું વેર વાળવા માટે હું અહીં પ્રતીક્ષા કરું છું.” વાંચીને લેપોરેલો ગભરાઈ જાય છે પણ પોતાના ઉપર મુસ્તાક જિયોવાની પોતાને ત્યાં સાંજે ડિનર માટે આવવા પૂતળાને આમંત્રણ આપે છે. લેપોરેલો ચેતવે છે, “માલિક, રહેવા દો, આ તો સ્વર્ગમાંથી તમને ચેતવણી મોકલાવી લાગે છે.” અહંકારના નશામાં જિયોવાની કહે છે, “સ્વર્ગ જો મને ચેતવવા માંગતું હોય તો એણે મને બરાબર સમજાવવાની દરકાર કરીને વધુ સ્પષ્ટ શબ્દોમાં બોલવું જોઈશે; બોલ પૂતળા, તું આવીશ ને સાંજે જમવા?” ડોકું ધુણાવી પૂતળું હકારાત્મક જવાબ આપે છે; એટલે મદમસ્ત જિયોવાની બોલે છે, “ના એમ નહિ ચાલે; મોંમાંથી બોલીને જવાબ આપ ! તું જમવા આવીશ કે નહિ ?” પૂતળું માત્ર એક શબ્દ બોલે છે : “હા”. લેપોરેલો સાથે જિયોવાની કબ્રસ્તાનમાંથી વિદાય લે છે.

બદલાયેલા દૃશ્યમાં ઘરમાં એનાને સાંત્વન આપતો ઑતાવિયો દેખાય છે. એ બોલે છે : “તારા પિતાના ખૂનનો બદલો વાળીને જ હું જંપીશ. પણ, પહેલાં ચાલ, આપણે પરણી તો જઈએ !” ધડ દેતીકને એના ના પાડે છે અને કહે છે “નહિ ! વેરનો બદલો ચૂકવાય નહિ ત્યાં સુધી હું કોઈ પણ સુખ કેવી રીતે ભોગવી શકું ?”

અંતિમ દૃશ્ય પ્રકાશથી ઝગમગતા જિયોવાનીના ઘરના મોટા ખંડમાં ખૂલે છે. ત્યાં એ ઘણાબધા મહેમાનોની આગતાસ્વાગતા કરતો દેખાય છે. એ ઉલ્લાસભર્યા આનંદી માહોલમાં ખાઉધરો લેપોરેલો તો મહેમાનોને મૂકીને પોતે જ ભોજન પર અકરાંતિયાની જેમ તૂટી પડે છે અને ઢીંચવામાં મશગૂલ બને છે. અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને આજીજી કરે છે : “જો તું ઈશ્વર સમક્ષ સાચા દિલથી માફી માંગે તો હજી પણ તારી પાસે સુધરી જવા માટે તક છે. તું સાચા રસ્તે વળે તો હું તારી સાથે પરણી જવા તૈયાર છું, કારણ કે હજી પણ હું તને ચાહું છું !” પણ જિયોવાની આ સલાહ ઠુકરાવી દે છે. એ જ વખતે લેપોરેલો બોલી ઊઠે છે કે બારીમાંથી એને બહાર પૂતળું આવીને ઊભેલું દેખાય છે. તરત જ બારણે ટકોરો પડવાનો મોટો અવાજ સંભળાય છે. જિયોવાની લેપોરેલોને બારણું ઉઘાડવાનો હુકમ કરે છે. પણ લેપોરેલો ડરનો માર્યો એક ટેબલ નીચે લપાઈ જાય છે. તેથી જિયોવાની જાતે જઈને બારણું ખોલે છે. મંદ્ર સપ્તકોમાં ઓર્કેસ્ટ્રા ગાજી ઊઠે છે. પૂતળું શાંતિથી ગૌરવપૂર્વક પ્રવેશીને ભવ્ય ઘોઘરા અવાજમાં બોલે છે : “મેં મારા વચનનું પાલન કર્યું.” ડૉન જિયોવાની પૂતળાને આવકાર આપે છે અને નમ્રતાપૂર્વક ભોજન શરૂ કરવા વિનંતી કરે  છે. પૂતળું બોલે છે : “જેમણે દૈવી ભોજન આરોગ્યાં હોય એમને માટે પાર્થિવ ભોજનનું કોઈ મૂલ્ય નથી.” પણ જિયોવાનીના બહાદુરીના ઢોંગ નીચે હવે ગભરાટ અછતો રહેતો નથી. પૂતળું આત્મવિશ્વાસથી જિયોવાની પાસે પંજો માંગે છે, “જિયોવાની, ચાલ શેઇક-હૅન્ડ કરીએ.” જિયોવાની પોતાનો પંજો પૂતળાના પંજામાં મૂકે છે પણ ત્યાં જ જિયોવાનીને ઝાટકો વાગે છે અને તમ્મર આવે છે. એ પોતાનો પંજો છોડાવવાની વ્યર્થ કોશિશ કરે છે. પૂતળું બોલે છે, “જિયોવાની, તને પસ્તાવાની હજી એક તક હું આપું છું. તારાં કુકર્મો બદલ ઈશ્વરની સાક્ષીએ એક વાર સાચા હૃદયથી પસ્તાવો કર!” પણ અક્કડ જિયોવાની મક્કમતાથી ના પાડે છે. પળમાત્રમાં જિયોવાની અગ્નિની જવાળાઓમાં ખાખ થઈ જાય છે.


– અંત –
પ્રીમિયર શો
નૅશનલ થિયેટર, પ્રાહા, 19 ઑક્ટોબર 1787

ડૉન જિયોવાની લુઇગી બાસી
લેપોરેલો ફૅલિસ પૉન્ઝિયાની
કમાન્ડન્ટ જ્યુસેપે લોલી
માસેતો જ્યુસેપે લોલી
ડૉન ઑતાવિયો એન્તોનિયો બાલિયોની
ડૉના ઍના તેરેસા સાપોરિતી
ડૉના ઍલ્વિરા કૅતારિના મિચેલી
ઝર્લિના તેરેસા બોન્દિની
પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.