યુગવંદના/અંતરની આહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શિવાજીનું હાલરડું યુગવંદના
અંતરની આહ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
છેલ્લો કટોરો →


અંતરની આહ*
[ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા અટક્યા ત્યારે.]


મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન !
આદરભર્યા દઈ ઇજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન –
આખર આજ મતિ બિગડી :
રૂડી શ્વેત ધજા રગદોળી રહી !
અયિ! અમૃત ચોઘડિયાં ગડિયાં,
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી ?

મારા કોલ પળાવવા કારણીએ,
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણીએ,
એનાં ધાન લીધાં કણીએ કણીએ,
'ખપી જાઓ, વીરા મારા, નેકીને ખાતર !'
- એમ ઘૂમ્યો વીનવી વીનવી,
ત્યારે, વાહ સુજાન ! ઇમાનદારી કેરી
વાત તારે તો નવી ને નવી !

હું 'સુલેહ! સુલેહ ! સુલેહ!' રટ્યો,
નવ નેકીને પંથેથી લેશ હટ્યો,
દિલે તારેથી તોયે ન દેશ મટ્યો.
તું 'ડરાવ! દબાવ ! રિબાવ !' વિના
બીજો દાવ એકેય શીખી જ નથી !
તુંને શું કહું માનવની જનની !
વશ થાય પશુ પણ વા'લપથી !

[*આ તેમજ પછીનાં ત્રણ ગીતોમાં ગાંધીજીના જુદા જુદા પ્રસંગોની મનોદશા કલ્પાયેલી છે.]

મારા ખેડુને માર : મને તહીં મે'ફિલ !
આંહીં ગોળીબાર : ત્યાં કૂજે કોકિલ !
આંહીં કાળાં કારાગાર : ત્યાં મંજિલ !
ખૂબ સહ્યાં અપમાન, ગળ્યાં વિષપાન;
હવે મને રોકીશ ના !
મારાં સ્થાન માતા કેરી ઝૂંપડીએ :
મને મે'ફિલમાં, ઘેલી, ગોતીશ ના !
અહીં છે, અહીં છે – મુગતિ અહીં છે;
નથી ત્યાં, નથી ત્યાં, બીજે ક્યાં – અહીં છે;
પ્યારી મા-ભૂમિ ધરતી મહીં છે.
એને શોધીશ ના, દિલ! સાગરપારની
તેજભરી તકરાર વિષે;
એનો રાખીશ ના ઇતબાર હવે
બીજી વાર કો કોલ-કરાર વિષે !
વળી જાઓ રે વા'ણ વિદેશ તણાં !
મારે હૈયે તો કોડ હતાય ઘણા
સારી સૃષ્ટિના સંત-સમાગમના;
મારે હોંશ તો ખાસ હતી મારા ખૂનના
પ્યાસી જનોના મિલાપ તણી;
મારે હામ હતી ભૂખ્યા સિંહોની બોડમાં
પેસીને પીઠ પંપાળવાની.
મહાસિંધુની ઓ લહરી લહરી !
તમ બિન્દુએ બિન્દુની જીભ કરી
રહેજો સારા વિશ્વને તીર ફરી –
જગ-બાંધવતા કેરા વૈરીજનોને ન
ગાંધીનું પ્રેમ-પ્રયાણ ગમ્યું;
દારૂગોળાના વારસદારને નગ્ન
ફકીરનું નેત્રસુધા ન ગમ્યું.