યુગવંદના/અનામી ! અનામી !

વિકિસ્રોતમાંથી
← દીવડો ઝાંખો બળે યુગવંદના
અનામી ! અનામી !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વિશ્વંભર ! →


અનામી ! અનામી !
[ભુજંગીના લયમાં]


સહુથી મીઠું નામ તારું, હો સુંદર અનામી !
બજ્યો ઘંટ-ગુંજાર-શો તારો સ્વર, ઓ અનામી !
તું જ્વાલા સમી દિગ્દિગન્તે ભમી, ઓ અનામી !
તું ગુંજી જીવન-શંખમાં ઘોર સિંધુ સમી, ઓ અનામી !

અનામી !

ગગનના સીમાડા ભરી તું સૂતી'તી :
દિશા-તોરણે દીપમાલાની તું લક્ષ જ્યોતિ :

ગહનમાં બીજું કોઈ નો'તું : હતી એકલી તું;
હતી આગ, ગાણું, પ્રતિઘોષ ને એકલો હું :
શમ્યા'તા બધા શોર, વિશ્વે બધું રંગવ્હોણું.

હજુયે તહીં તું રહી છે અનામી?
હતી તું કદાપિ શું વિશ્વ અનામી?
મળી'તી કદી ? ગુમ થઈ ક્યાં અનામી?

અનામી !

તને દિલસું ચાંપી – એ સ્વપ્ન કે સાચું ?
અડકતાં ગઈ ઓગળી વાયુમાં શું?
ભટકવું હવે એકલા મૃત્યુની ગોદ મળતાં સુધી શું?

નહિ! – તું કદીયે નહોતીઃ
હતી નામની માત્ર માયા;
હતાં સ્વર્ગ-વાણી તણા સૂર-જાદુઃ
હતી એક છાયા.

ઓ લયલા, શિરી; સોહિણ, રાધિકા, જાનકીઓ !
મહાકાળનાં શૃંગ પર સર્વ માયાવિનીઓ !
સ્મશાને ઊભો હું પુકારું: ગ્રહો હાથ મારો !
નહિ હા ! નહિ હા !

કદાપિ નહિ આપણે ક્યાં મળીશું :
દિલદિલ ઉઘાડી ખુલાસા કરીશું;
નહોતી કદી તું – નહોતી ક્યહીં તું :
હવાની હતી સ્વપ્નમય પૂતળી તું.

હતા વાદળાંના મિનારા :
હતા ઝાંઝવાં-નીર-આરા !
હતાં વ્યોમ-પુષ્પો રૂપાળાં :

હતો એક દીપક – નિરર્થક જલ્યો : તેલ ખૂટ્યાં, અનામી !
હતા સિંધુને નીર છાંયા: ભલે સૌ ભૂંસાયા, અનામી !