યુગવંદના/અમે !

વિકિસ્રોતમાંથી
← તારાં પાતકને સંભાર ! યુગવંદના
અમે !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વિરાટ-દર્શન →




અમે !


અમે પ્રેમિકો હાડપિંજર તણા –
પૂજારી સડેલાં કલેવર તણાં.

અને માનવીને પશુ સમ નચવીએ,
'પ્રભુ' શબ્દ બોલીને પંખી પઢવીએ,
પૂરી અંધને સ્વર્ગ-ચાવી અપવીએ,

અમે ગારુડી ધર્મતર્કટ તણા –
મદારી ખરા લોકમર્કટ તણા.

અને દેવમૂર્તિની માંડી દુકાનો,
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,
પ્રભુધામ કેરાં ઊડવીએ વિમાનો:

અમે પાવકો પાપગામી તણા –
પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.

અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,
છયે રાગમાં રક્ત તોયે વિરાગી,
સદા જળકમળવત્ અદોષી અદાગી :

અમે દીવડા દિવ્યજ્યોતિ તણા –
શરણધામ માનવફૂંદાંઓ તણા.

અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી, પામરો, મેળવો સદ્ય મુક્તિ !
‘સમર્પણ’ મહીં માનજો સાચી ભક્તિઃ

અમે તો ખપર વાસનાઓ તણા –
ભ્રમર અંધશ્રદ્ધાની બાગો તણા.



શ્રીમંતો સ્ત્રીઓ વ્હેમીઓના બનેલા
ઊભા – જો ! અમારા અડગ કોટકિલ્લા;
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા :

અમે શત્રુઓ બુદ્ધિના સત્યના –
અચલ થાંભલા દેશદાસત્વના.