યુગવંદના/અર્પણ

વિકિસ્રોતમાંથી
← સાગર રાણો યુગવંદના
અર્પણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
એક જન્મતિથિ →




અર્પણ


તારાં બાળપણાનાં કૂજન, હે સખિ.
શીદ રૂંધ્યાં તે આવીને મુજ દ્વાર જો !
પોતાનું રૂંધીને હુંમાં ઠાલવ્યું, મા
સમજું છું એ તુજ શાંતિનો સાર જો.

એકલતાના વગડા બળબળતા હતા,
તું વરસ્યે પાંગરિયા મુજ ઉર-બાગ જો;
ઊગ્યાં તેને જતનથી ઉછેરજે !
સીંચી તારા જીવનના સોહાગ જો.

કિલ્લોલે કિલ્લોલે તું ઊભી સદા,
સાંભળતી મુજ કાલાઘેલા બોલ જો:
દેવાલયના ઘુમ્મટ-શી મૂંગી મૂંગી.
પડછંદે જગવંતી સ્વરહિલ્લોલ જો.

આત્મન્‌ની તરસી ફૂલવાડીમાં, સખિ,
વરસી રહી તું ગાજ્યા વિણ ગંભીર જો;
વરસીને સોહન્તી શારદ વાદળી
ફરી ફરી લાવે ભરીને નવલાં નીર જો.

વત્સલતા, વ્હાલપ, કરુણાના મોરલા
ટૌંકે મારા ગૃહ-વડલાની છાંય જો;
તુજ ગુંજ્યાં ઝીલી તુજને પાછાં દઉં,
સ્વીકારી સાચવજે અંતરમાંય જો !

અધરે આવી આવીને પાછા વળે
અણબોલ્યા-અણખોલ્યા ઉરના ભાવ જો;
મનડાની મૂંગી મૂંગી આરાધના –
એ છે સહુથી ઊંચું અનુપમ કાવ્ય જો !