યુગવંદના/ઊઠો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← નવ કહેજો ! યુગવંદના
ઊઠો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
છેલ્લી પ્રાર્થના →
ઊઠો


ઊઠો, સાવજશૂરાની બેટડી ! બાંધો કેશ, લૂછો અશ્રુધાર;
જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર.

સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન,
મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે :
બેની ! બંકા આપણ ભરથાર. — ઊઠો૦

દુશ્મન કેરાં નોતરાં, બે'ની ! બથ ભરી મળવા કાજ;
રક્તનાં કેસરછાંટણાં છંટાશે, ખેલાશે રસબસ રાસ રે :
કંઠે પે'રી આંતરડાંની માળ. — ઊઠો૦

કાળ તણી એ કચેરીઓમાં બેઠા પછી ન ઊઠાય;
કંથ કોડીલાનાં કાળાં કવચ ત્યાં તો રાતે શોણિતે રંગાય રે :
બાજે રણરંભાના ઠમકાર. — ઊઠો૦

અંતરની કાળી ઝાળો ઓલવવા કાળગંગાને ઘાટ,
નણદલવીર એ નીરમાં ન્હાતા ત્યાં સામસામી દૈ થપાટ રે:
ગાંતાતૂર જેવા ગજરાજ. — ઊઠો૦

જીતીને વળશે તો રંગે રમાડશું : મરશે તોયે શા ઉચાટ !
ખોળે પોઢીને ચડશું ચિતા માથે : હસતાં જાશું સુરવાટ રે :
એવા ઉગ્રભાગી અવતાર. — ઊઠો૦