યુગવંદના/ઝાકળનું બિન્દુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કસુંબીનો રંગ યુગવંદના
ઝાકળનું બિન્દુ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
સ્વપ્ન થકી સરજેલી →


ઝાકળનું બિન્દુ

ઝાકળના પાણીનું બિન્દુ
એકલવાયું બેઠું'તું;
એકલવાયું બેઠું'તું ને
સૂરજ સામે જોતું'તું;
સૂરજ સામે જોતું'તું ને
ઝીણું ઝીણું રોતું'તું :

"સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા !
હું છું ઝીણું જલબિન્દુ;
મુજ હૈયે તમને પધરાવું
શી રીતે, હે જગબંધુ !

“તમે દૂર વાદળમાં વસતા,
સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માંડોની રજ રજ રસતા
ઘૂમો છો, બંધુ !
તમ વ્હોણું મુજ જીવન સઘળું
અશ્રુમય, હે જગબંધુ !”

"જલબિન્દુ રે જલબિન્દુ !
ઓ નાજુક ઝાકળબિન્દુ !”
સૂરજ બોલે : “સુણ, બંધુ !
“હું તો ત્રિલોકમાં ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો :
તેમ છતાં હું તારો તારો,
હે ઝાકળબિન્દુ !


"તોય મને તું વા'લું વા'લું,
બાળાભોળા જલબિન્દુ !
તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિન્દુ!

“તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઈન્દ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિન્દુ !

"તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું..
હે નાજુક બિન્દુ !”

હસતે મુખડે સૂરજરાણા
જલબિન્દુમાં જઈ સમાણા :
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિન્દુ !