યુગવંદના/નવરર્ષનો સબરસ-થાળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મૃત્યુનો ગરબો યુગવંદના
નવરર્ષનો સબરસ-થાળ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
નિર્ભય →


નવા વર્ષનો સબરસ-થાળ


વા'લાં સબરસનાં વેચનાર, થંભજો રે
— જરી થંભજો રે :

મારા કોઠી-કોઠાર જોઈ આવું;
મારા અંધારા ઉંબરમાં ઊભજો રે
— જરી ઊભજો રે :
મારા ગાગર-ગટકૂડાં જોઈ આવું.


ઘૂમી વળી હું મારા ઘરને ખૂણેખૂણે :
ટોડલા ને ગોખલા તપાસી વળી;
ભરચક ભરિયેલ દીઠા મજૂ અને માળીડા :
કણીયે ન મૂકવાની જગ્યા મળી.

વા'લાં સબરસનાં વેચનાર, વહી જજો રે
— હવે વહી જજો રે :

કોઈ જાણણહારા જરીક કહી જજો રે
જરીક કહી જજો રે :

નવા વર્ષ તણાં નમક ક્યાં સમાવું ! — વાલાં૦

પાંપણ ને પોપચાંમાં સબરસ છલકાય મારે,
નયણાંના ધોધ ખારા ધૂધવા ઢળે;
સૂકાં સૂકાં તે મારાં હાડચામ ચૂવે ને
સબરસભર શોણિતનાં ઝરણાં ગળે.

ભરી જીવતરનાં સબરસનો સૂંડલો રે
— છલક સૂંડલો રેઃ
હું તો ગલીઓ ને શેરીઓ ગજાવું.

મારાં સાચુકલાં સબરસને મૂલવો રે
— સજન ! મૂલવો રે
પરખનારાંને શુકનિયાં કરાવું. — વા'લાં૦

*


બળબળતી ધરતીનો ખાર ભર્યો ખૂમચો
જમણા તે હાથમાં હિલોળતી જતી;
રડતી જગદંબાનાં અશ્રુભર સાયરનો
ડાબે કર પોસ ભરી ચલું ડોલતીઃ
મારી ખારી નીંદર ને ખારાં સોણલાં રે
— ખારાં સોણલાં રે.
હું તો ક્યારીઓ ને ક્યારીઓ પકાવું.
ભાગ્યવંતાં ! તમ મંગલમય વ્હાણલાં રે
— રૂડાં વહાણલાં રે.
મારી વેદનાની થાળીએ વધાવું. — વાલાં૦