યુગવંદના/માલાગૂંથણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← તદ્‌દૂરે-તદ્વન્તિકે − યુગવંદના
માલાગૂંથણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વીંજણો →
માલાગૂંથણ


મેં તો હરખેથી બેસી બેસી ગૂંથી ફૂલડાંની માળા રે :
તારે કંઠે આરોપવાને કાજે પરોવી એક માળા રે.

મને કામ સૂઝ્યાં ન કાંઈ ઘરનાં — હું શુદ્ધબુદ્ધ ભૂલી રેઃ
બેઠીગૂંથું બકુલ કેરી છાંયે અકેલી ને અટૂલી રે.

અને ઘેરી ઘટામાં મોર-મેના-બપૈયા, ગીત ગાતાં રે :
એની ડાળ પરભાત કેરા વાયુ હીંચીને લ્હૈર ખાતા રે.

કુંજ-કળીઓને હેતે હુલાવતાં પરભાત તે દી ખીલ્યાં રે :
એવાં સાથીના સાથ મહીં બેસી મેં ફૂલડાં આ ઝીલ્યાં રે.

-એને ફૂલડે ફૂલડે જડ્યાં છે આંસુ તે દિનના સૂરજનાં રે:
એની કળીએ મઢ્યાં છે ગીતો તે દિનના પવનનાં રે.
 
તેના અણુએ અણુમાં રહ્યાં છે મહેકી, પ્યારાજી, હાસ્ય
તારાં રે !
એવી માળા આરોપું તારે હૈયે, ઓ નેનના સિતારા રે.