યુગવંદના/મૃત્યુનો ગરબો

વિકિસ્રોતમાંથી
← એક જન્મતિથિ યુગવંદના
મૃત્યુનો ગરબો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
નવરર્ષનો સબરસ-થાળ →


મૃત્યુનો ગરબો
. [ઝોક : આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે]


માડી તને લોક બોલે બિહામણી રે;
મેં તો મુખ દીઠાં રળિયાત
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તારી છાતીમાં છલકી રહ્યા રે;
જીવન-મૃત્યુના બે કુંભ
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! અમે જમણે સ્તન ધાવી રહ્યાં રે,
દેતી ડાબલે પડખે દૂધ
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તું તો સોડ્યે લઈ સુવરાવતી રે;
દિનભર રમતે થાક્યાં બાળ
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! અમે મેલાં : તું નવરાવતી રે;
ચૂમી ચૂમી નવલાં દેતી ચીર
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તારાં પરગટ રૂપ રોવરાવતાં રે;
ભીતર મલકે મોહન-ભાત
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તારાં કાળાં ભીષણ ઓઢણાં રે;
કોરમોર ઝલકે શ્વેત કિનાર
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તારી ભગવી કંથા ભયભરી રે;
માંહીં રમે ગોરાં ગોરાં રૂપ
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તારાં કાળાં કાળ અંધારિયાં રે;
માંહીં ઝૂલે તારલિયાળું આભ
— કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી ! તું તો અણજાણી અધ-પાઘડી રે;
પલમાં યુગયુગની ઓળખાણ
— કે જાવું જગજનનીને ખોળલે રે.