યુગવંદના/હાલરડું

વિકિસ્રોતમાંથી
← કવિ. તને કેમ ગમે ? યુગવંદના
હાલરડું
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
તારાં પાતકને સંભાર !  →




હાલરડું
[ખેડૂતની સ્ત્રી ખાંસીના રોગમાં પીડાતા બાળને હીંચોળતી ગાય છે: ]


ખાંસી ખા મા રે !
ખાંસી ખા મા !
ઊંચે સાદે ઉધરસ ખા મા રે !
ખાંસી ખા મા !

શેઠિયો સાંભળશે તો ભાડા સારુ બાઝી મરશે :
દીકરા ! તું દુશ્મન થા મા રે ! ખાંસી ખા મા !

સંધીડો સાંભળશે તો લેણા સારુ લોહી પીશે :
કળથી નથી ખેતરોમાં રે ! ખાંસી ખા મા !

આખો દા'ડો ધાવું ધાવું – ભૂખ્યાં ધાવણ ક્યાંથી લાવું !
શું ચૂસતો ચામડામાં રે ! ખાંસી ખા મા !

વેદના જો ન ખમાતી, દબાવી રાખવી છાતી :
'મામ મામ’ કહી માથું ખા મા રે ! ખાંસી ખા મા !

ભૂખથી તો રોગ જાવે, મીઠી મીઠી નીંદર આવે !
ઘોંટાઈ રહે ઘોડિયામાં રે! ખાંસી ખા મા !

મા'જન દેતા ધરમાદા, તોયે શેનાં મરો માંદા !
પૂરવે કયાં પાપ-કામાં રે ! ખાંસી ખા મા !

લીલાપીળા સીસામાંથી ઝીણામોટા આંકા માપી,
જવા પાય દાગતર મામા રે ! ખાંસી ખા મા !

ઓસડ સાટુ આઠ આના, આપ્યા એને છાનામાના :
મૂકશે નળી કાળજામાં રે! ખાંસી ખા મા !

બાપો તારો તારે પાપે, પા'ણાખાણે પા'ણા કાપે :
નુરિયો લખે ખોટાં નામાં રે ! ખાંસી ખા મા !