યુગવંદના/હું અને તું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આપઘેલી યુગવંદના
હું અને તું
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
મીઠું બંધન →


હું અને તું


હું તો સદા તને ચાહીશ, પ્રીતમ !
તું મન માને તો ચાહે ન ચાહે,
હું તો સદા જોઈ વાટડી બેસીશઃ
તું મન માને તો આવે ન આવે !

માઝમ રાત હું સેજ બિછાવી
જાગીશ તારે કાજે રે :
તું પલભર આવીને પ્રભાતે
નીરખી વદન હસી જાજે રે. — હું તો૦

મનમાન્યા ફૂલના, ફળના મધુ —
વનના મારગ સ્હાજે રે;
હે પરદેશી ! સદા સુખ-સરિતાનાં
નીરમાં નેહે તણાજે રે. — હું તો૦

હુંય પડી કદી એ જ પ્રવાહ
આવું તો સાથી કરજે રેઃ
દૂર પડી રહું તોય શું દુઃખ છે?
રાંક સખીને વીસરજે રે. — હું તો૦