રચનાત્મક કાર્યક્રમ/આર્થિક સમાનતા

વિકિસ્રોતમાંથી
← રાષ્ટ્ર ભાષાઓ રચનાત્મક કાર્યક્રમ
આર્થિક સમાનતા
મોહનદાસ કરમચંદ ગાંધી
કિસાનો →


૧૩. આર્થિક સમાનતા

ચનાત્મક કાર્યનો આ મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો થયો છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધાં ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે જ આવેલાં ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

ટ્રસ્ટીપણાના મારા સિદ્ધાંતને ઘણો હસી કાઢવામાં આવ્યો છે છતાં હું હજી તેને વળગી રહું છું. તેને પહોંચવાનું એટલે કે તેનો પૂરેપૂરો અમલ કરવાનું કામ કપરું છે એ વાત સાચી છે. અહિંસાનું એવું નથી ? પણ ૧૯૨૦ની સાલમાં એ સીધું ચઢાણ ચડવાનો આપણે સંકલ્પ કર્યો. તેને માટે આપણે જે પુરુષાર્થ અત્યાર સુધી કર્યો તે કરી જોવા જેવો હતો એમ આપણે સમજ્યા છીએ. એ પુરુષાર્થમાં જે મુખ્ય વાત સમાયેલી છે તે અહિંસાનું તત્ત્વ કેમ કાર્ય કરે છે તે રોજેરોજ શોધીને વધુ ને વધુ ઓળખવાની છે. મહાસભાવાદીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બધા અહિંસા શું છે, શા માટે તેનો અમલ કરવાનો છે ને તે કેમ કાર્ય કરે છે એ બધી બાબતો વિશે જાગતા રહીને ચીવટથી શોધ ચલાવે ને તેનાં કાર્યકારણો વિચારે. આજની સમાજવ્યવસ્થામાં માણસ માણસ વચ્ચે જાતજાતની જે અસમાનતાઓ હયાતીમાં છે તે હિંસાથી નાબૂદ થાય કે અહિંસાથી એ સવાલનો પણ તે બધા વિચાર કરે. મને લાગે છે કે હિંસાનો રસ્તો કેવો છે તે આપણે જાણીએ છીએ. તે રસ્તે સમાનતાની બાબતમાં ક્યાંયે સફળતા મળેલી જાણવામાં નથી.

અહિંસાથી સમાજમાં ફેરફારો કરવાનો પ્રયોગ હજી ચાલુ છે ને તેની વિગતો ઘડાય છે. તે પ્રયોગમાં સીધું બતાવી શકાય તેવું ઝાઝું આપણે કર્યું નથી. પરંતુ ગમે તેટલી ધીમી ગતિથી કાં ન હોય પણ તે પદ્ધતિનું કાર્ય સમાનતાની દિશામાં શરૂ થઈ ચૂક્યું છે એ વાત ચોક્કસ છે. અને અહિંસાનો રસ્તો હૃદયપરિવર્તનનો રસ્તો છે એટલે જે ફેરફાર થાય તે કાયમનો થાય. જે સમાજ કે રાષ્ટ્રનું ચણતર અહિંસાના પાયા પર થયેલું હોય તે પોતાની ઇમારત પર બહારથી કે અંદરથી જે હુમલા થાય તે બધાને પહોંચી વળવાને સમર્થ હોય. રાષ્ટ્રીય મહાસભામાં પૈસાવાળા મહાસભાવાદીઓ પણ છે. આ વિષયમાં પહેલું પગલું ભરીને રસ્તો તેમણે બતાવવાનો છે. એકેએક મહાસભાવાદીને પોતાના દિલનું ઊંડામાં ઊંડા ઊતરીને અંગત પરીક્ષણ કરવાની તક આપણી આ સ્વરાજની લડત પૂરી પાડે છે. આપણી લડતને અંતે જે હિંદુસ્તાનની રચના આપણે કરવી છે તેમાં સમાનતાની સિદ્ધિ કરવી હોય તો તેનો પાયો અત્યારે જ નાખવો જોઈએ. જે લોકો એમ માનીને ચાલે છે કે મોટા મોટા સુધારાઓ તો સ્વરાજની સ્થાપના પછી થવાના છે અથવા કરવાના છે તે બધા અહિંસક સ્વરાજનું કાર્ય કેમ થાય છે તે સમજવાની બાબતમાં મૂળમાં જ ગોથાં ખાય છે. એ અહિંસક સ્વરાજ એક શુભ ચોઘડિયે આભમાંથી એકાએક ટપકી પડવાનું નથી. આપણા સૌની ભેગી જાતમહેનતથી એકેએક ઇંટને બરાબર ગોઠવતા જઈશું તો તેનું ચણતર થવાનું છે. એ દિશામાં આપણે સારી સરખી મજલ કાપી છે. પણ સ્વરાજની સંપૂર્ણ શોભા ને ભવ્યતાનું દર્શન કરતાં પહેલાં હજી આપણે એથીયે વધારે લાંબો ને થકવે તેવો રસ્તો કાપવાનો બાકી છે. તેથી દરેક મહાસભાવાદીએ પોતાની જાતને એ સવાલ કરવાનો છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં મેં શું શું કર્યું ?