રચનાત્મક કાર્યક્રમ/તંદુરસ્તીના નિયમોની કેળવણી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સ્ત્રીઓ રચનાત્મક કાર્યક્રમ
તંદુરસ્તીના નિયમોની કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રાંતિક ભાષાઓ →


રચનાત્મક કાર્યક્રમમાં ગામસફાઇને સમાવ્યા પછી તંદુરસ્તીના નિયમોની કેળવણી અલગ ગણવાની શી જરૂર પડી એવો સવાલ સહેજે થાય. ગામસફાઇની સાથે જ એને પણ ગણી લેવાત, પણ મારે રચનાત્મક કાર્યનાં જુદાં જુદાં અંગોને ભેળસેળ કરી દેવાં નહોતાં. કેવળ ગામસફાઇની બાબત ગણાવવાથી તેમાં તંદુરસ્તીના નિયમોની કેળવણીની બાબત સમાઇ જતી નથી. પોતાના શરીરને સાચવવાની આવડત, અને તંદુરસ્તીના નિયમોનું જ્ઞાનએ અભ્યાસ તમેજ તેનાથી મળેલા જ્ઞાનના અમલનો જુદો જ વિષય છે. જે સમાજ સુવ્યવસ્થિત છે તેમાં સૌ શહેરીઓ તંદુરસ્તીના નિયમોને જાણે છે ને તેમનો અમલ કરે છે. હવે તો એ વાત નિર્વિવાદ સાબિત થઇ છે કે તંદુરસ્તીના નિયમોનું અજ્ઞાન અને તે નિયમોને પાળવાની બેદરકારી એ બેમાંથી જ માણસજાતને જે જે રોગો જાણીતા થયેલા છે તેમાંના ઘણાખરા થાય છે. આપણે ત્યાંનું મરણનું વધારે પડતું મોટું પ્રમાણ બેશક ઘણે ભાગે આપણા લોકોનાં શરીરોને કોતરી ખાતી ગરીબીનું પરિણામ છે પણ તેમને તંદુરસ્તીના નિયમોની કેળવણી બરાબર આપવામાં આવે તો એ પ્રમાણ ઘણું ઘટાડી શકાય.

મન નીરોગી તો શરીર નીરોગી એ સામન્યપણે માણસજાતને માટેનો પહેલો કાયદો છે. નીરોગી શરીરમાં નિર્વિકારી મન વસે છે એ આપમેળે પુરવાર થાય તેવું સત્ય છે. મન અને શરીરની વચ્ચે અપરિહાર્ય સંબંધ છે. આપણાં મન જો નિર્વિકાર એટલે કે નીરોગી હોય તો એકેએક જાતની હિંસા તેમાંથી ખરી પડે અને પછી સ્વાભાવિક રીતે તંદુરસ્તીના નિયમોનું આપણે હાથે પાલન થાય ને કોઇ પણ જાતની ખાસ કોશિશ વગર આપણાં શરીરો તંદુરસ્ત રહે. આ કારણોસર હું એવી આશા રાખું છું કે કોઇ મહાસભાવાદી રચનાત્મક કાર્યક્રમના આ અંગ વિશે બેદરકાર ન રહે. તંદુરસ્તીના કાયદા અને આરોગ્યશાસ્ત્રના નિયમો તદ્દન સરળ ને સાદા છે ને સહેલાઇથી શીખી લેવાય તેવા છે. મુશ્કેલી તેમના અમલની છે. આ રહ્યા તેમાંના થોડા નિયમો:

  • હંમેશ શુદ્ધ વિચારો કરવા ને મનામાંથી બધા મેલા ને નકામા વિચારો કાઢી નાખવા.
  • રાત ને દિવસ તાજામાં તાજી હવા લેવી.
  • શરીરના તેમ જ મનના કામની સમતુલા જાળવવી એટલે કે તેમનો મેળ બેસાડવો.
  • ટટાર ઊભા રહેવું, ટાટાર બેસવું અને પોતાના એકેએક કામમાં સુઘડ અને સાફ રહેવું; વળી આ બધી ટેવો અંતરની સ્વસ્થતાના પ્રતિબિંબરૂપ હોવી જોઇએ.

તમારા જેવા તમારા માનવબંધુઓની કેવળ સેવાને ખાતર જિવાય તે માટે ખાવાનું રાખો.ભોગ ભોગવવાને માટે જીવવાનું કે ખાવાનું નથી. તેથી તમારું મન ને તમારું શરીર સારી સ્થિતિમાં રહે ને બરાબર કામ આપે તેટલા પૂરતું જ ખાઓ. જેવો આહાર તેવો આદમી.

તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ અને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઈ રાખીને સંતોષ ન માનતા તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઈ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુ બાજુના વાતાવરણને તેમ જ જ્ગ્યાને ત્રિવિધ ચોખ્ખાઈનો રંગ લગાડો.